World

ટ્રાઈબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં AI જનરેટેડ ફિલ્મ 'ડ્રીમ્સ ઓફ વાયોલેટ'ને સ્થાન

By GS Team
31 May 20262 mins read
ટ્રાઈબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં AI જનરેટેડ ફિલ્મ 'ડ્રીમ્સ ઓફ વાયોલેટ'ને સ્થાન

- 75 મિનિટની ફિલ્મ ઈરાનમાં થયેલા દમનથી પ્રેરિત

- ઈરાની ભાઈઓએ માત્ર 2000 ડોલરના ખર્ચે, બે થી ત્રણ મહિનાની અંદર આખી ફિલ્મ AIથી બનાવી

ન્યૂ યોર્ક : ટ્રાઈબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે એક ફિલ્મે ઉત્સુકતા વધારી છે. આ વર્ષે 'ડ્રીમ્સ ઓફ વાયોલેટ' નામની ૭૫ મિનિટની એઆઈ જનરેટેડ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૨માં અભિનેતા રોબર્ટ ડી નીરો, નિર્માતા જેન રોસેન્થલ સહિતના અગ્રણીઓ દ્વારા સ્થાપવામાં આવેલ ટ્રાઈબેકા ફિલ્મ ફેસ્ટિવલની ગણના વિશ્વના ટોચના ફિલ્મ ફેસ્ટિવલમાં થાય છે. ૭૫ મિનિટ લાંબી આ ફિલ્મ ઇરાનમાં થયેલા નાગરિક વિરોધ અને દમનની ઘટનાઓથી પ્રેરિત છે. 

આ એઆઈ ફિલ્મનું નિર્માણ ઈરાનમાં જન્મેલા ભાઈઓ એશ કુશા અને પુયા કુશાએ કર્યું છે.  તેમના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ બનાવવાની પ્રક્રિયા અસામાન્ય હતી. કોઈ કેમેરો નહીં, કોઈ અભિનેતા નહીં, કોઈ શૂટિંગ સેટ નહીં. આ ફિલ્મમાં શરૂઆતમાં પાત્રોના અવાજ રેકોર્ડ કરવામાં આવ્યા. ત્યારબાદ, એઆઈ ટૂલ્સ દ્વારા ચહેરા, દ્રશ્યો અને વીડિયો તૈયાર કરાયા. ફિલ્મ માત્ર ૨,૦૦૦ ડોલરના ખર્ચે અને લગભગ બે થી ત્રણ મહિનામાં તૈયાર કરવામાં આવી. તેને બનાવવા માટે ગૂગલના ઇમેજ જનરેશન ટૂલ્સ, ક્લિંગ એઆઈ અને એન્થ્રોપિકના ક્લોડ જેવા એઆઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

ઇરાનમાં જન્મેલા બંને ભાઈઓએ ૨૦૦૯માં ઈરાન છોડયું હતું. ત્યારબાદ, ટેકનોલોજી અને એઆઈ સેક્ટરમાં પોતાની ઓળખ ઉભી કરી. વર્ષો સુધી એઆઈ અને ક્લાઉડ ટેકનોલોજી પર કામ કર્યા બાદ તેમણે ફાઉન્ટેન ૦ નામની કંપની શરૂ કરી હતી. તેઓ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ઈરાનની રાજધાની તહેરાનમાં થયેલા વિરોધ પ્રદર્શનો પર ફિલ્મ બનાવવા માંગતા હતા.  પરંતુ,વાસ્તવિક સ્થળોએ શૂટિંગ કરવું તેમના માટે શક્ય નહોતું. તેમને ઇરાનમાં પ્રવેશ નહોતો મળતો અને ત્યાં ફિલ્મ યુનિટ સાથે કામ કરવું અશક્ય હતું. ત્યારે તેમને એઆઈથી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો અને આ સાથે જ 'ડ્રીમ્સ ઓફ વાયોલેટ'નો જન્મ થયો. આ ફિલ્મનું પ્રીમિયર ૧૦ જૂનના રોજ યોજાવાનું છે.