હોર્મુઝ બાદ વધુ બે સમુદ્રી માર્ગ પર સંકટ, સાઉદીને મોટો ઝટકો, ભારત પર પણ ખતરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Houthi-Saudi Arabia Conflict : યમનમાં સક્રિય ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ સાઉદી અરેબિયા સામે દરિયાઈ નાકાબંધીની જાહેરાત કરી છે. આ નિર્ણયથી લાલ સમુદ્ર અને અરબ સાગરના માર્ગે વેપાર કરતા ભારત સહિતના દેશો માટે સંકટ ઊભું થયું છે. આ નાકાબંધીના કારણે ભારતમાં તેલ અને ગેસના પુરવઠા પર સીધી અસર પડી શકે છે.
હૂતીઓએ કેમ લીધો આ નિર્ણય?
હૂતી લશ્કરી પ્રવક્તા યાહ્યા સારીએ ટીવી મેસેજમાં જણાવ્યું કે, સાઉદી અરેબિયા સામે તત્કાલ અસરથી દરિયાઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, 'નાકાબંધીનો જવાબ નાકાબંધીથી આપવામાં આવશે.' સાઉદી સમર્થિત યમન સરકારે ઈરાનથી આવતી ફ્લાઈટ રોકવા સના એરપોર્ટ પર કાર્યવાહી કરી હતી. આ સિવાય યમનની પરિવહન વ્યવસ્થા પર પણ પ્રતિબંધો મુકાયા હતા. તેના જવાબમાં હૂતીઓએ સાઉદીના અબહા એરપોર્ટ પર મિસાઈલ હુમલા કર્યા બાદ હવે દરિયાઈ રસ્તાઓ રોકવાનું નક્કી કર્યું છે.
વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઈન પર અસર
હૂતીઓએ અગાઉ ગાઝા યુદ્ધ દરમિયાન પણ લાલ સમુદ્ર અને અદનની ખાડીમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવ્યા હતા. જો હૂતીઓ આ વખતે સાઉદીના દરિયાઈ માર્ગોને નિશાન બનાવશે તો વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જશે. ખાસ કરીને તેલ નિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા સાઉદી અરેબિયાના 'યાન્બુ' બંદર પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે.
ભારત માટે કેમ વધી ચિંતા?
પશ્ચિમ એશિયામાંથી આવતું ક્રૂડ ઓઈલ અને અન્ય જરૂરી સામાન દરિયાઈ માર્ગે ભારત પહોંચે છે. લાલ સમુદ્ર કે અરબ સાગરમાં અસ્થિરતા ઊભી થવાથી માલ-ઢુલાઈ અને શિપિંગ ખર્ચ વધી જશે. આ સ્થિતિને કારણે ભારતમાં તેલની કિંમતો વધવાની અને તેલ-ગેસના પુરવઠામાં વિલંબ થવાની શક્યતા વધી ગઈ છે.
મિસાઈલ અને ડ્રોન હુમલાની ક્ષમતા
હૂતી બળવાખોરો પાસે સીમિત સંસાધનો હોવા છતાં મિસાઈલ અને ડ્રોન હુમલા કરવાની મોટી ક્ષમતા છે. તેઓ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોને પ્રભાવિત કરી શકે છે. હૂતીઓ આ પાબંધી કઈ રીતે અમલમાં મુકશે તે સ્પષ્ટ નથી, પરંતુ તેમની આ ધમકીથી ખાડી દેશો સહિત વૈશ્વિક અર્થતંત્ર સામે નવું આર્થિક સંકટ ઊભું થયું છે.









