World

એડવાન્સ એઆઈ માનવજાતના અસ્તિત્વ માટે અત્યંત જોખમી : એન્થ્રોપિકની ચેતવણી

By GS Team
30 Sep 20263 mins read
TukuTouch Logo
ન્યૂ યોર્ક/પેરિસમાં, એન્થ્રોપિક કંપની તેના 2 લાખ કરોડ ડોલરના IPO દસ્તાવેજોમાં રોકાણકારોને એડવાન્સ AI માનવજાત માટે જોખમી હોવાની ચેતવણી આપી છે. પોપ લીઓ 16માએ AI જોખમોને 'ફેક ન્યૂઝ' ગણાવવાના ટ્રમ્પના દાવાને ફગાવ્યા છે. તેમણે આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવા હાકલ કરી છે. વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે AI દિગ્ગજો સાથે બેઠક કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

એડવાન્સ એઆઈ માનવજાતના અસ્તિત્વ માટે અત્યંત જોખમી : એન્થ્રોપિકની ચેતવણી
  • બે લાખ કરોડ ડોલરના આઈપીઓ દસ્તાવેજમાં કંપનીનો દાવો
  • એઆઈના જોખમોને 'ફેક ન્યૂઝ' ગણાવવાના ટ્રમ્પના દાવાને પોપ લીઓ ૧૬માએ ફગાવ્યા : આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવા હાકલ

ન્યૂ યોર્ક/પેરિસ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે પોતાની જાતે જ શિખવાનું શરૂ કરી દેતાં દુનિયાભરમાં ટેક્નોલોજી નિષ્ણાતોએ એઆઈ જોખમી હોવાની બુમરાણ મચાવી મૂકી છે ત્યારે એન્થ્રોપિકે હવે તેના બે લાખ કરોડ ડોલરના આઈપીઓ દસ્તાવેજોમાં રોકાણકારોને એડવાન્સ એઆઈ માનવજાતના અસ્તિત્વ માટે જોખમી બની શકે છે તેવી ચેતવણી આપી છે. બીજીબાજુ ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા પોપ લીઓ ૧૬માએ એઆઈ જોખમોને 'ફેક ન્યૂઝ' ગણાવવાના દાવાઓ બદલ પ્રમુખ ટ્રમ્પની ઝાટકણી કાઢી હતી અને એઆઈના જોખમો મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવા હાકલ કરી છે.
અમેરિકાની ટેક્નોલોજી કંપની એન્થ્રોપિક ટૂંક સમયમાં તેનો બે લાખ કરોડ ડોલરનો આઈપીઓ લાવવાની છે. આ માટે તેણે આઈપીઓ દસ્તાવેજો તૈયાર કરી લીધા છે, જે હજુ જાહેર કરાયા નથી, પરંતુ કેટલાક અમેરિકન મીડિયા પાસે આ દસ્તાવેજો પહોંચી ગયા છે. અમેરિકન મીડિયાએ આ દસ્તાવેજોમાં સ્ટાર્ટઅપ એન્થ્રોપિકે રોકાણકારોને એડવાન્સ એઆઈ માનવજાત માટે અત્યંત જોખમી હોવાની ચેતવણી આપી હોવાનો દાવો કર્યો છે.
એન્થ્રોપિકના સીઈઓ ડારિયો ઓમેદેઈએ જ સૌથી પહેલાં એઆઈના જોખમો અંગે ચેતવણી આપતા માનવજાત હાલ તેના માટે તૈયાર નહીં હોવાનો દાવો કર્યો હતો. ક્લોડના ડેવલપરે આઈપીઓ દસ્તાવેજોમાં કહ્યું છે કે, એઆઈ મોડેલ્સમાં પોતાને બચાવવાનો વ્યવહાર આવી શકે છે, જેમાં એઆઈ બંધ કરવાનો વિરોધ કરી શકે, માહિતી છુપાવવા અથવા તેમાં હેરાફેરી કરવા, બ્લેકમેલ કરવા જેવા વર્તન પણ એઆઈમાં જોવા મળી શકે છે.
કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે અમારા એડવાન્સ મોડેલ, પ્લેટફોર્મ અને એપ્લિકેશના વિકાસથી નુકસાન થવાનું જોખમ વધી શકે છે. એન્થ્રોપિક પોતાને સુરક્ષાને પ્રાથમિક્તા આપતી એઆઈ લેબ ગણાવે છે. આમ છતાં તેના ૨૬૧ પાનાના આઈપીઓ દસ્તાવેજોમાં અંદાજે ૮૦ પાના માત્ર જોખમો અંગે છે જ્યારે કંપનીના કામકાજ અંગે માત્ર ૪૮ પાના છે.
બીજીબાજુ ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા પોપ લીયો ૧૬એ એઆઈ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, એઆઈના જોખમો અંગે જે ચર્ચા થઈ રહી છે તે 'ફેક ન્યૂઝ' નથી. તેને ગંભીરતાથી લેવી જોઈએ. એઆઈના જોખમોને માત્ર 'અફવા' ગણાવતા અમેરિકા અને ચીન તેના વિકાસને રોકવાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે અમેરિકન પોપે ટ્રમ્પની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે, આપણે સાથે બેસીને આ બાબતે ગંભીર ચર્ચા કરવી જોઈએ. કશું થવાનું જ નથી તેમ માનીને આપણે બેસી રહી શકીએ નહીં.

વ્હાઈટ હાઉસમાં એઆઈ દિગ્ગજોની ટ્રમ્પ સાથે બેઠક
વોશિંગ્ટન : એઆઈના જોખમોના વિવાદ વચ્ચે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને હાઉસ સ્પીકર માઈક જોનસને વ્હાઈટ હાઉસમાં મંગળવારે ટેક્નોલોજીની દુનિયાના દિગ્ગજોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઈલોન મસ્ક, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, ગૂગલના સીઈઓ સુંદર પીચાઈ, મેટાના માર્ક ઝકરબર્ગ, એનવિડિયાના જેનસેન હુઆંગ, એન્થ્રોપિકના ડારિયો અમોદેઈ સહિતના દિગ્ગજોએ હાજરી આપી છે. દુનિયાભરના ટેક્નોલોજી નિષ્ણાતો એઆઈના વિકાસને ધીમો કરવાની માગ કરી રહ્યા છે જ્યારે ટ્રમ્પ એઆઈના ક્ષેત્રમાં અમેરિકાનું પ્રભુત્વ ઈચ્છે છે. હાઉસ સ્પીકર માઈક જોનસને કહ્યું કે અમેરિકાએ એઆઈમાં ચીનથી આગળ રહેવાનું છે, પરંતુ તેની સાથે સુરક્ષા અને પારદર્શીતા પણ જરૂરી છે. એઆઈના ઈનોવેશન અને સુરક્ષા વચ્ચે સંતુલન સાધવાના આશયથી આ બેઠક બોલાવવામાં આવી છે.