World

ન્યૂઝીલૅન્ડમાં ભારતીયોને સંબોધતાં PM મોદીએ બતાવ્યું 30 વર્ષ જૂનું મફલર, 3 ગિફ્ટનો કિસ્સો સંભળાવ્યો

By GS Team
11 Jul 20263 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલૅન્ડના ઓકલૅન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. આ કાર્યક્રમમાં તેમણે 30 વર્ષ જૂનું મફલર બતાવી પોતાના ભૂતકાળની યાદો તાજી કરી. પીએમ મોદીએ ભાવુક થઈ જણાવ્યું કે, જ્યારે તેઓ સામાન્ય વ્યક્તિ હતા ત્યારે પણ ન્યૂઝીલૅન્ડે તેમને અપાર સન્માન અને પ્રેમ આપ્યો. તેમણે ભારત-ન્યૂઝીલૅન્ડ સંબંધોને મજબૂત ગણાવી, ન્યૂઝીલૅન્ડની 'વાકા' પરંપરાનો ઉલ્લેખ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂઝીલૅન્ડમાં ભારતીયોને સંબોધતાં PM મોદીએ બતાવ્યું 30 વર્ષ જૂનું મફલર, 3 ગિફ્ટનો કિસ્સો સંભળાવ્યો

PM Modi New Zealand Visit: અમેરિકન પ્રમુખની જેમ જ લોકપ્રિયતા ધરાવતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલૅન્ડના ઓકલૅન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. આ ખાસ કાર્યક્રમ દરમિયાન તેઓ પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા હતા અને મંચ પરથી એક 30 વર્ષ જૂનું મફલર બતાવ્યું હતું. પીએમ મોદીએ ભાવુક થતાં જણાવ્યું કે, ત્રણ દાયકા પહેલા ન્યૂઝીલૅન્ડે તેમને ત્રણ ખાસ ભેટ આપી હતી. તેમણે ગૌરવભેર કહ્યું કે, 'જ્યારે હું કંઈ જ નહોતો અને સાર્વજનિક જીવનમાં કોઈ મને ઓળખતું પણ નહોતું, ત્યારે પણ મને ન્યૂઝીલૅન્ડની ધરતી પર ભરપૂર સન્માન મળ્યું હતું.'

જ્યારે હું સામાન્ય માણસ હતો ત્યારે પણ ન્યૂઝીલૅન્ડે મને પ્રેમ આપ્યો

પોતાના સંબોધનમાં જૂની યાદો તાજી કરતાં પીએમ મોદીએ કહ્યું, 'આશરે 25-30 વર્ષ પહેલાં, જ્યારે હું કોઈ સરકારનો હિસ્સો નહોતો, ત્યારે મને ન્યૂઝીલૅન્ડ આવવાની તક મળી હતી. તે સમયે અહીંના એક સામાન્ય નાગરિકે મને ત્રણ વસ્તુઓ ભેટમાં આપી હતી - એક મફલર, એક ટોપી અને હાથના મોજા. આજે જે મફલર મેં પહેર્યું છે, તે એ જ 30 વર્ષ જૂની ભેટ છે જેને મેં અત્યાર સુધી બહુ સાચવીને મારી પાસે રાખી છે. ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત અને ખાસ છે, જે હવે પ્રગતિની નવી રાહ પર આગળ વધી રહ્યા છે અને આ સંબંધોને ન્યૂઝીલૅન્ડના દરેક રાજકીય પક્ષનું પૂરેપૂરું સમર્થન છે.'

ન્યૂઝીલૅન્ડની પ્રાચીન 'વાકા' પરંપરાનો ઉલ્લેખ

ભારત અને ન્યૂઝીલૅન્ડના પરસ્પર સંબંધોમાં યાદો, દોસ્તી, મૂલ્યો અને પ્રતિબદ્ધતા ત્રણેયનો સંગમ છે. આ સંબંધને વ્યાખ્યાયિત કરવા પીએમ મોદીએ ન્યૂઝીલૅન્ડની સુંદર માઓરી પરંપરાના પ્રતીક 'વાકા'(Waka)નો ઉલ્લેખ કર્યો હતો. માઓરી ભાષામાં વાકાનો અર્થ 'પરંપરાગત હોડી કે બોટ' થાય છે, જેનો પ્રાચીન સમયમાં પ્રશાંત મહાસાગર ખેડીને ન્યૂઝીલૅન્ડ સુધી પહોંચવા માટે ઉપયોગ થતો હતો.

પીએમ મોદીએ આ બોટને બંને દેશોની સહિયારી સફરનું પ્રતીક ગણાવતાં કહ્યું કે આ 'વાકા' હવે એક નવી યાત્રા પર નીકળવા તૈયાર છે. તેમણે ન્યૂઝીલૅન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વિપક્ષ લેબર પાર્ટીના સભ્યોનો પણ આભાર માન્યો, જે દર્શાવે છે કે કીવી-ઇન્ડિયન સમુદાયના યોગદાનને અહીંના તમામ પક્ષો કેટલું મહત્ત્વ આપે છે.

ન્યૂઝીલૅન્ડની સડકો પર ભારતીય શહેરોના નામ

વડાપ્રધાને ઓકલૅન્ડથી લઈને વેલિંગ્ટન અને ક્રાઈસ્ટચર્ચથી ક્વીન્સટાઉન સુધી વસેલા ભારતીય સમુદાયના વખાણ કરતાં એક રસપ્રદ વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, ન્યૂઝીલૅન્ડ એક એવો દેશ છે જ્યાંની સડકો પર પણ ભારતીય શહેરોના નામોને સન્માન આપવામાં આવ્યું છે. અહીં ક્યાંક ખંડાલા છે, ક્યાંક બોમ્બે હિલ્સ છે, તો ક્યાંક કોરોમંડલ, કલકત્તા સ્ટ્રીટ, દિલ્હી ક્રિસેન્ટ અને અમૃતસર સ્ટ્રીટ જેવા અનેક નામો છે.

પીએમ મોદીએ પ્રવાસી ભારતીયોને બિરદાવતા કહ્યું કે, તમે અહીં રહેતા રહેતા પૂરેપૂરા કીવી (ન્યૂઝીલૅન્ડના નાગરિક) બની ગયા છો, પણ પોતાની સંસ્કૃતિ ભૂલ્યા નથી. ન્યૂઝીલૅન્ડના નેતાઓ જ્યારે પણ મને મળે છે ત્યારે તમારા ખૂબ વખાણ કરે છે. પ્રશંસા ભલે તમારી થતી હોય, પરંતુ તેનાથી મારું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય છે.