એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની 1454 ફૂટ ઊંચી ટોચે લગ્નનો પ્રસ્તાવ મૂકનાર રશિયન કપલ જેલભેગું; ન્યૂયોર્ક પોલીસની મોટી કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Angela Nikolau Ivan Kuznetsov Marriage Proposal Stunt NYC: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની 1454 ફૂટ (443 મીટર) ઊંચી ટોચ (સ્પાયર) પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર રશિયન મૂળના બે પ્રખ્યાત ‘રૂફટોપર્સ’ની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી છે. ગત બુધવારે બપોરે કાળા કપડાં પહેરીને આ કપલે ઇમારતની ટોચે પહોંચીને શાંતિનો મોટો સંદેશ આપતું બેનર લહેરાવ્યું હતું અને એકબીજાને કિસ કરી હતી. જોકે, આ ખતરનાક સ્ટન્ટના કારણે સગાઈની ખુશી મનાવવાને બદલે આ કપલને પોતાની પ્રથમ રાત જેલની અલગ-અલગ કોટડીમાં વિતાવવી પડી હતી.
ગેરકાયદેસર પ્રવેશ અને જોખમી કૃત્ય સહિત અનેક ગુના નોંધાયા
ધરપકડ કરાયેલા રશિયન નાગરિકોમાં 33 વર્ષીય એન્જેલા નિકોલાઉ અને 32 વર્ષીય ઇવાન કુઝનેત્સોવ (જે ઇવાન બીરકુસ તરીકે પણ ઓળખાય છે) નો સમાવેશ થાય છે, જેઓ હાલ ન્યૂ જર્સીમાં રહે છે. ન્યૂયોર્ક સિટીની ક્રિમિનલ કોર્ટમાં ગુરુવારે તેમને રજૂ કરવામાં આવ્યા હતા. તેમની સામે ગેરકાયદેસર પ્રવેશ (બર્ગલરી), જાહેર જનતાનો જીવ જોખમમાં મૂકવો (રેકલેસ એન્ડેન્જરમેન્ટ), તોડફોડ (ક્રિમિનલ મિસ્ચીફ), અને ચોરી અથવા તોડફોડના સાધનો રાખવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે ડ્રોન અને હેલિકોપ્ટર વડે ઓપરેશન ચલાવ્યું
આ કપલ દુનિયાભરમાં ‘રૂફટોપિંગ’ (કોઈપણ સુરક્ષા વગર ગગનચુંબી ઇમારતો પર ચઢીને ફોટો-વીડિયો લેવા) માટે જાણીતું છે. તેઓ અગાઉ ચીન અને કેલિફોર્નિયામાં પણ આવા સ્ટન્ટ કરી ચૂક્યા છે. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ટોચે પહોંચીને તેમણે એક મોટું બ્લેક કલરનું બેનર ખોલ્યું હતું. જેના પર લખ્યું હતું: “જ્યારે પ્રેમની શક્તિ સત્તાના પ્રેમ પર વિજય મેળવશે, ત્યારે વિશ્વમાં શાંતિ સ્થપાશે.” કપલના આ અતિ જોખમી સ્ટન્ટ પર ન્યૂયોર્ક પોલીસ વિભાગે (NYPD) ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા નજર રાખી હતી. ત્યારબાદ ઊંચાઈ પરથી રેસ્ક્યુ કરવામાં નિષ્ણાત એવી પોલીસની એલિટ ઇમરજન્સી સર્વિસ યુનિટે બંનેને સુરક્ષિત રીતે નીચે ઉતારી કસ્ટડીમાં લીધા હતા.
તંત્ર આશ્ચર્યમાં, બિલ્ડિંગના માલિકોએ આપી સલાહ
આ ઐતિહાસિક બિલ્ડિંગ 1931માં બની હતી. જે વર્ષો સુધી વિશ્વની સૌથી ઊંચી ઇમારત રહી હતી અને હોલીવુડની પ્રખ્યાત ફિલ્મ ‘કિંગ કોંગ’ના ક્લાઇમેક્સમાં પણ દર્શાવવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ અત્યારે એ તપાસ કરી રહી છે કે આ કપલ આટલી ચુસ્ત સુરક્ષા હોવા છતાં છેક ટોચ સુધી કેવી રીતે પહોંચી ગયું. દરમિયાન, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના માલિકોએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, “અમે પ્રેમમાં પડેલા કપલ્સને આવકારીએ છીએ, પરંતુ લગ્નના પ્રસ્તાવ માટે અમારી બિલ્ડિંગનું ઓબ્ઝર્વેશન ડેક એક સરળ અને વ્યવહારુ રસ્તો પ્રદાન કરે જ છે, તેથી કપલ્સે આવા જોખમી રસ્તાઓ અપનાવવાને બદલે સામાન્ય અને કાયદેસરની રીત પસંદ કરવી જોઈએ.”









