World

ભયાનક ભૂકંપ બાદ વેનેઝુએલાની જમીન 2 ફૂટ ખસી ગઈ, ઈસરો-નાસાની સેટેલાઈટ તસવીરોમાં ખુલાસો

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
વેનેઝુએલામાં 24 જૂને આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપથી ભારે તારાજી સર્જાઈ હતી. ISRO-NASAના 'NISAR' સેટેલાઈટ ડેટા મુજબ, રાજધાની કાસાકસ અને લા ગુએરામાં જમીન લગભગ 60 સેમી ખસી ગઈ હતી. InSAR ટેક્નોલોજીથી વૈજ્ઞાનિકોએ 5000થી વધુ મૃત્યુ અને 16,700થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ સાથેના આ વિનાશક ફેરફારો નોંધ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ભયાનક ભૂકંપ બાદ વેનેઝુએલાની જમીન 2 ફૂટ ખસી ગઈ, ઈસરો-નાસાની સેટેલાઈટ તસવીરોમાં ખુલાસો
IMAGE - IANS

Venezuela Earthquake: વેનેઝુએલામાં તાજેતરમાં આવેલા બે વિનાશક ભૂકંપને લઈને ભારતીય અંતરિક્ષ એજન્સી ISRO અને અમેરિકન અંતરિક્ષ એજન્સી NASAના સંયુક્ત મિશન 'NISAR' સેટેલાઈટે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સેટેલાઈટ ડેટાના વિશ્લેષણ પરથી સામે આવ્યું છે કે આ ભીષણ ભૂકંપના કારણે કેટલીક જગ્યાઓએ જમીન લગભગ 60 સેન્ટીમીટર (આશરે 2 ફીટ) સુધી ખસી ગઈ હતી. જમીનના આ મોટા વિસ્થાપનને કારણે જ દેશની રાજધાની કાસાકસ અને લા ગુએરા જેવા વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી.

ભૂકંપ પહેલા અને પછીના સેટેલાઈટ ડેટાનો અભ્યાસ

વૈજ્ઞાનિકોએ 24 જૂને આવેલા ભૂકંપ પહેલાં અને પછી NISAR સેટેલાઈટ દ્વારા લેવાયેલી પૃથ્વીની તસવીરોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. આ માટે 13 અને 18 જૂનના ડેટાની સરખામણી 25 અને 30 જૂને મેળવેલા ડેટા સાથે કરવામાં આવી હતી, જેથી ભૂકંપના કારણે પૃથ્વીની સપાટી પર થયેલા ભૌગોલિક ફેરફારોને સચોટ રીતે સમજી શકાય.

બે શક્તિશાળી આંચકા અને વ્યાપક હોનારત

ઉલ્લેખનીય છે કે 24 જૂને ઉત્તરીય વેનેઝુએલામાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેના માત્ર 39 સેકન્ડ બાદ 7.5ની તીવ્રતાનો બીજો શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. આ હોનારતમાં 5000થી વધુ લોકોના મોત થયા હતા અને 16,700થી વધુ લોકો ઘાયલ થયા હતા. કરાકસ અને લા ગુએરા ઉપરાંત ત્રુજિલો, યારાકુય, કારાબોબો, અરાગુઆ અને મિરાન્ડા જેવા રાજ્યોમાં પણ આ ભીષણ ભૂકંપની વ્યાપક અસર જોવા મળી હતી.

InSAR ટેક્નોલોજી અને 'અર્જન્ટ રિસ્પોન્સ સિસ્ટમ'નો ઉપયોગ

જમીનની સપાટીમાં થયેલા અત્યંત સૂક્ષ્મ ફેરફારોને માપવા માટે વૈજ્ઞાનિકોએ 'ઈન્ટરફેરોમેટ્રિક સિન્થેટિક અપર્ચર રડાર' (InSAR) ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ ટેક્નોલોજીમાં સેટેલાઈટ જ્યારે વારંવાર એક જ સ્થળ પરથી પસાર થાય છે, ત્યારે જમીન અને સેટેલાઈટ વચ્ચેના અંતરમાં થતા ફેરફારને ચોકસાઈથી નોંધવામાં આવે છે. આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ મોટો ભૂકંપ આવ્યા બાદ જમીન પર થયેલા ફેરફારોનું મેપિંગ કરવા માટે NISARની 'અર્જન્ટ રિસ્પોન્સ સિસ્ટમ'નો ઉપયોગ કરવામાં આવ્યો હોય.

કાસાકસ અને લા ગુએરામાં તબાહીનું મુખ્ય કારણ

NASAની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના ભૂ-ભૌતિકશાસ્ત્રી એરિક ફિલ્ડિંગના જણાવ્યા મુજબ, ભૂકંપની ફોલ્ટ લાઈન દરિયામાંથી પસાર થઈને પૂર્વ તરફ આગળ વધી હતી અને કરાકસના ઉત્તરમાં આવેલા ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પાસે દરિયાકિનારાની જમીન સાથે જોડાઈ ગઈ (એટલે કે કિનારે પાછી આવી).

આ વિસ્તારના દક્ષિણ ભાગમાં જમીનનું ખસવું સૌથી વધુ એટલે કે લગભગ 60 સેમી જેટલું નોંધાયું હતું, જેના કારણે જ આ વિસ્તારોમાં સૌથી વધુ વિનાશ વેર્યો હતો. NISAR સેટેલાઈટ પૃથ્વીને સીધી ઉપરથી જોવાને બદલે 40 ડિગ્રીના ખૂણેથી જોતી હોવાથી તે જમીનના આડા અને ઊભા બંને પ્રકારના ફેરફારોને સરળતાથી રેકોર્ડ કરી શકે છે.