મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ : અમેરિકાના ઈરાન પર તબાહી મચાવતા હુમલા, હુથીઓએ સાઉદીના 2 ઓઈલ ટેન્કર સળગાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran and USA War Updates: મિડલ ઈસ્ટમાં સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર અને ભયાનક બની રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધના 12મા દિવસે યુએસ સેનાએ ઈરાનના વિવિધ વિસ્તારો પર પ્રચંડ હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. બીજી તરફ, યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ રેડ સીમાં સાઉદી અરેબિયાના ઓઇલ ટેન્કરો પર મિસાઈલ હુમલા કર્યા છે. આ સાથે જ આ સંઘર્ષ હવે સમગ્ર પશ્ચિમ એશિયા અને વૈશ્વિક ઊર્જા માર્ગો પર ફેલાઈ ગયો છે.
સતત 12મી રાત્રે અમેરિકાના ભયાનક હવાઈ હુમલા
અમેરિકન સેનાએ બુધવારે સતત 12મી રાત્રે ઈરાન પર ભીષણ હવાઈ અને મિસાઈલ હુમલા કર્યા છે. દક્ષિણ ઈરાનના સિરિક ક્ષેત્રમાં ભયાનક વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનના એરક્રાફ્ટ હેંગર્સ, ડ્રોન સ્ટોરેજ સાઈટ્સ, મિલિટરી ઓપરેશન સેન્ટર્સ અને મરીન લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયા છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં કોમર્શિયલ જહાજો અને નાવિકો માટે ઈરાન તરફથી ઊભા થતા ખતરાને નાબૂદ કરવા અમેરિકાએ આ મિશન આગળ પણ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
ઈરાન-ઈરાક સરહદ પર મિસાઈલ હુમલો અને અમેરિકન પ્રમુખની ચેતવણી
યુદ્ધના 12મા દિવસે યુએસ સેનાએ ઈરાનના ખુઝેસ્તાન પ્રાંત અને ઈરાક વચ્ચે આવેલા મહત્ત્વના 'શલામચેહ બોર્ડર ક્રોસિંગ'ના પેસેન્જર ટર્મિનલ નજીક મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 લોકોના મોત થયા છે અને 11 લોકો ગંભીર રીતે ઘવાયા છે. આ સિવાય અહવાઝ, રામશીર અને અંદીમેશ્ક શહેરો નજીક પણ બોમ્બમારો કરાયો હતો.
અમેરિકન પ્રમુખે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતાં જણાવ્યું છે કે, 'હાલમાં ઈરાન સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટોમાં અમને રસ નથી અને જો ઈરાન હોર્મુઝમાં જહાજોને નિશાન બનાવશે તો અમેરિકા બદલામાં ઈરાનનો એક મોટો બ્રિજ અથવા પાવર પ્લાન્ટ તબાહ કરી દેશે.' તેમણે ઈરાનના યુરેનિયમ સંવર્ધન કેન્દ્રો નજીકના વિસ્તારો પર પણ હુમલાના સંકેત આપ્યા છે. બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો દેશ હવે 'આંખના બદલે આંખ'ની આક્રમક નીતિ અપનાવશે.
રેડ સીમાં હુથી બળવાખોરોનો કોપ: સાઉદીના 2 ઓઇલ ટેન્કરો પર મિસાઈલ એટેક
હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રેડ સી નવો અખાડો બની ગયો છે. યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા સામે ઘોષિત કરેલી નૌકાદળ નાકાબંધીનો ભંગ કરવા બદલ સાઉદીના બે ઓઈલ ટેન્કરો—'એન્સેલિયા' અને 'લૈલા' પર બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો વડે હુમલો કરવાનો દાવો કર્યો છે.
સાઉદી અરેબિયાના અલ-શુકૈકથી આશરે 70 નોટિકલ માઈલ દૂર 'એન્સેલિયા' ટેન્કર પર મિસાઈલ પડતા જ ભયાનક આગ લાગી ગઈ હતી, જેના વાઇરલ વીડિયો પણ સામે આવ્યા છે. જહાજે વીએચએફ મારફતે ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલીને મદદ માંગી હતી. હુથી બળવાખોરોની આ ધમકી અને હુમલા બાદ પાંચથી વધુ ઓઇલ ટેન્કરોએ રેડ સીમાં પોતાનો રસ્તો બદલીને સ્વેજ કેનાલ તરફ ફંટાવું પડ્યું છે.
વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઇલ પર ગંભીર અસર
વિશ્વના કુલ ઓઇલ અને ગેસ નિકાસનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તેવા હોર્મુઝ સ્ટ્રેટ અને રેડ સી બંને રૂટ પર હિંસા ભડકી ઉઠતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. અમેરિકન સંરક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર, અમેરિકા આ યુદ્ધ પર અત્યાર સુધીમાં આશરે 37.5 અબજ ડોલરનો જંગી ખર્ચ કરી ચૂક્યું છે. કોઈપણ કૂટનીતિક સમાધાન ન દેખાતાં અને બંને પક્ષો પોતાની માગણીઓ પર અડગ રહેતાં આ યુદ્ધ વૈશ્વિક ક્ષેત્રે મોટું આર્થિક સંકટ સર્જી રહ્યું છે.









