World

11 વર્ષના છોકરાએ તીર્થયાત્રીઓ પર ટ્રક ફેરવી નાખી, 8 ભિક્ષુકોના કચડાઈ જતા મોત

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
થાઈલેન્ડમાં એક કરુણ માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. મુકદહન પ્રાંતમાં 11 વર્ષના સગીર ચાલકે બેકાબૂ પીકઅપ ટ્રકથી 260 કિલોમીટરની ધાર્મિક પદયાત્રા પર નીકળેલા બૌદ્ધ સાધુઓના સમૂહને અડફેટે લીધો હતો. આ દુર્ઘટનામાં 5 ભિક્ષુઓના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે 3 ભિક્ષુઓએ હોસ્પિટલમાં દમ તોડ્યો. 14 લોકો ઘાયલ થયા છે. પોલીસે સગીર ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

11 વર્ષના છોકરાએ તીર્થયાત્રીઓ પર ટ્રક ફેરવી નાખી, 8 ભિક્ષુકોના કચડાઈ જતા મોત

Thailand road accident 2026: થાઈલેન્ડમાં એક અત્યંત ચોંકાવનારો અને દર્દનાક માર્ગ અકસ્માત સામે આવ્યો છે, જેમાં 8 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના પાછળનું કારણ જાણીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે, કારણ કે અકસ્માત સર્જનાર પીકઅપ ટ્રક કોઈ મોટો ડ્રાઈવર નહીં પરંતુ એક 11 વર્ષનો બાળક ચલાવી રહ્યો હતો. આ બેકાબૂ ટ્રકે ધાર્મિક પદયાત્રા પર નીકળેલા બૌદ્ધ સાધુઓ (ભિક્ષુઓ)ના સમૂહને અડફેટે લીધો હતો.

260 કિલોમીટરની ધાર્મિક પદયાત્રા દરમિયાન કાળનો પંજો

અધિકારીઓની માહિતી મુજબ, મુકદહન પ્રાંતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાંથી આશરે 35 બૌદ્ધ ભિક્ષુઓનો એક સંઘ ઉબોન રત્ચાથાની પ્રાંત તરફ 260 કિલોમીટર લાંબી ધાર્મિક પદયાત્રા માટે રવાના થયો હતો. જોકે, આ પ્રવાસ શરૂ થયાની માંડ 30 મિનિટ થઈ હશે ત્યાં જ એક બેકાબૂ બનેલા ટ્રકે આ આખા સમૂહને કચડી નાખ્યો હતો, જેના કારણે પદયાત્રામાં ભારે હોબાળો અને ચીસાચીસ મચી ગઈ હતી.

5 ભિક્ષુઓના ઘટનાસ્થળે જ મોત, અન્ય 14 ઘાયલ

મુકદહનના ગવર્નરે અકસ્માતની વિગતો આપતા જણાવ્યું કે, આ ભયાનક ટક્કરમાં 5 ભિક્ષુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 ભિક્ષુઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ 14 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 4 ભિક્ષુઓની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. સ્થાનિક બચાવ સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભિક્ષુઓ રોડની કિનારે એક લાઈનમાં શાંતિપૂર્વક ચાલી રહ્યા હતા, ત્યારે જ અચાનક એક પીકઅપ ટ્રક અનિયંત્રિત થઈને રોડથી નીચે ઉતરી ગયો અને સીધો આ સમૂહ સાથે અથડાયો હતો.

11 વર્ષનો સગીર ડ્રાઈવર પોલીસ કસ્ટડીમાં

સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર 11 વર્ષના બાળકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બાળ સંરક્ષણ અધિકારીઓની હાજરીમાં તેની કાયદેસરની પૂછપરછ કરવામાં આવશે. અકસ્માત નજરે જોનારા ભિક્ષુઓએ જણાવ્યું કે, આ પીકઅપ ટ્રક પહેલેથી જ રોડ પર બેકાબૂ થઈને લહેરાતો આવી રહ્યો હતો, જેના કારણે આ મોટી હોનારત સર્જાઈ હતી. હાલ પોલીસ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે અને સાથે જ એ પણ તપાસવામાં આવી રહ્યું છે કે આટલી નાની ઉંમરના બાળકને વાહન ચલાવવા કોણે આપ્યું અને અકસ્માત સમયે ગાડી તેની પાસે કેવી રીતે આવી.