24 વર્ષનું શાસન, કેમિકલ એટેક અને લાખોના મોત...! સીરિયાના પૂર્વ સરમુખત્યાર અસદને ફાંસીની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Syria News: સીરિયામાં બે દાયકાથી વધુ સમય સુધી તાનાશાહી શાસન ચલાવનારા પૂર્વ પ્રમુખ બશર અલ-અસદને દમાસ્કસની ક્રિમિનલ કોર્ટે મૃત્યુદંડની (ફાંસીની) સજા સંભળાવાઈ છે. દેશમાં ચાલેલા ગૃહયુદ્ધ દરમિયાન યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુના આચરવાના કેસમાં કોર્ટે આ મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. ડિસેમ્બર 2024માં અસદ સરકારના પતન બાદ અહમદ અલ-શરાના નેતૃત્વ હેઠળ સ્થપાયેલી અંતરિમ સરકાર દ્વારા અસદ સામે સંભળાવવામાં આવેલી આ પહેલી મૃત્યુદંડની સજા છે. ઉલ્લેખનીય છે કે, સત્તા ગુમાવ્યા બાદ અસદ પોતાના પરિવાર સાથે મોસ્કો (રશિયા) ભાગી ગયા હતા, જેનાથી તેમના 24 વર્ષના શાસનનો અંત આવ્યો હતો.
અસદના પિતરાઈ ભાઈ અતફ નજીબને પણ ફાંસીની સજા
દમાસ્કસ કોર્ટે માત્ર અસદ જ નહીં, પરંતુ તેમના પિતરાઈ ભાઈ અને ડેરા પ્રાંતના પોલિટિકલ સિક્યુરિટી ડિરેક્ટોરેટના પૂર્વ વડા અતફ નજીબને પણ મૃત્યુદંડની સજા ફટકારી છે. નજીબ સામે કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી ચાલી હતી અને તેમના પર પૂર્વઆયોજિત હત્યા તથા નાગરિકો પર અમાનુષી અત્યાચાર ગુજારવાના આરોપો સાબિત થયા હતા. બશર અલ-અસદે 2000ની સાલમાં તેમના પિતા હાફેઝ અલ-અસદના અવસાન બાદ સત્તા સંભાળી હતી. તેમના પિતાએ પણ લગભગ ત્રણ દાયકા સુધી સીરિયા પર શાસન કર્યું હતું.
2011માં શરૂ થયેલું ગૃહયુદ્ધ અને સરકારી અત્યાચારો
સીરિયામાં 2011માં ડેરા પ્રાંતથી સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા, જેના પર અસદની સુરક્ષા દળોએ અત્યંત હિંસક રીતે દમન ગુજાર્યું હતું. આ ઘટના બાદ આખા દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું, જેમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા અને કરોડો લોકો વિસ્થાપિત થયા હતા. યુદ્ધ દરમિયાન અસદ સરકાર પર ગેરકાયદેસર હત્યાઓ, અમાનુષી ટોર્ચર, નાગરિકોને ગાયબ કરવા અને રહેણાંક વિસ્તારો પર બોમ્બમારો કરવાના ગંભીર આરોપો લાગ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર (UN) અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ આ તમામ ગુનાઓના સબૂતો એકત્રિત કર્યા હતા.
રાસાયણિક હથિયારોનો ઉપયોગ અને આંતરરાષ્ટ્રીય તપાસ
અસદ સરકાર પર પોતાના જ દેશના નાગરિકો સામે કેમિકલ વેપન્સ (રાસાયણિક હથિયારો) વાપરવાનો પણ મોટો આરોપ હતો. ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ (OPCW) અને UNની તપાસમાં સામે આવ્યું હતું કે, ઓગસ્ટ 2013માં પૂર્વ ઘૌટા વિસ્તારમાં થયેલા ભયાનક સારિન ગેસ હુમલા પાછળ સીરિયન સરકારી દળોનો જ હાથ હતો. આ કેમિકલ હુમલામાં માનવતા વિરુદ્ધ આચરેલા ગુનાઓ બદલ અસદ સામે અગાઉ એરેસ્ટ વોરંટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.
ગેરહાજરીમાં ચલાવાયો કેસ: અંતરિમ સરકારની કાર્યવાહી
સીરિયાની પૂર્વ સરકારે જેલોમાં એક મોટું ટોર્ચર નેટવર્ક ઊભું કર્યું હતું, જ્યાં કસ્ટડીમાં હજારો લોકોના મોત થયા હતા. હાલમાં સીરિયાની નવી અંતરિમ સરકાર પૂર્વ શાસનના અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ સામે કાનૂની કાર્યવાહી કરી રહી છે. કેટલાક આરોપીઓ પ્રત્યક્ષ રીતે કોર્ટમાં હાજર થઈ રહ્યા છે, જ્યારે બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા હોવાથી તેમની ગેરહાજરીમાં (In Absentia) આ કેસ ચલાવીને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે.









