World

હોર્મુઝ ક્રોસ કરતાં બે જહાજોમાં બ્લાસ્ટ, બંને જહાજ માઈન સાથે ટકરાયાનો ઈરાનનો દાવો

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી બે ઓઇલ ટેન્કરો દરિયાઈ માઇન સાથે ટકરાતા વૈશ્વિક હલચલ મચી છે. ઈરાનની IRGCએ દાવો કર્યો કે મોડી રાત્રે બ્લાસ્ટથી જહાજો થંભી ગયા. ઈરાને ચેતવણી આપી કે જ્યાં સુધી અમેરિકા સૈન્ય અભિયાન ચલાવશે, ત્યાં સુધી એકપણ જહાજ સુરક્ષિત નહીં રહે. ઈરાને અમેરિકાનું MQ-9 ડ્રોન તોડી પાડ્યાનો પણ દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ ક્રોસ કરતાં બે જહાજોમાં બ્લાસ્ટ, બંને જહાજ માઈન સાથે ટકરાયાનો ઈરાનનો દાવો

Strait of Hormuz Tension: વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ અને ઓઇલ સપ્લાયની લાઇફલાઇન ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર જોરદાર ધમાકા થવાના કારણે વૈશ્વિક સ્તરે હલચલ મચી ગઈ છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, મોડી રાત્રે બે ઓઇલ ટેન્કરો દરિયાઈ માઇન (દરિયામાં બિછાવેલી સુરંગ) સાથે ટકરાયા હતા, જેના કારણે જોરદાર બ્લાસ્ટ થતા બંને જહાજો ત્યાં જ થંભી ગયા હતા. આ ઘટનાની સાથે જ ઈરાને આકરા વલણમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જ્યાં સુધી અમેરિકા આ વિસ્તારમાં પોતાના સૈન્ય અભિયાનો ચલાવતું રહેશે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતું એકપણ જહાજ સુરક્ષિત રહેશે નહીં.

વિશ્વનો સૌથી ખતરનાક દરિયાઈ રસ્તો બન્યો હોર્મુઝ

ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ હાલમાં દુનિયાનો સૌથી સંવેદનશીલ અને જોખમી દરિયાઈ માર્ગ બની ચૂક્યો છે. ખાડી દેશોમાંથી નીકળતા મોટાભાગના ક્રૂડ ઓઇલ અને ગેસના ટેન્કરો આ જ રૂટ પરથી પસાર થાય છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયા બાદ અહીંથી પસાર થતા જહાજો પર દર પળે મિસાઇલ, ડ્રોન કે દરિયાઈ માઇનનો ખતરો તોળાતો રહે છે.
નોંધનીય છે કે ઈરાને હોર્મુઝમાં ટેન્કરો પર બ્લાસ્ટનો દાવો કર્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. ગયા અઠવાડિયે પણ IRGCએ બે ટેન્કરો માઇન સાથે ટકરાયા હોવાની વાત કહી હતી, જોકે તે સમયે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) આ દાવાને ખોટો ગણાવ્યો હતો. આ સિવાય ઈરાને અગાઉ મિસાઇલ અને ડ્રોન અભિયાન ચલાવીને ચાર જહાજોને રોક્યા હોવાનો પણ દાવો કર્યો હતો.

અમેરિકાનું શક્તિશાળી MQ-9 ડ્રોન તોડી પાડ્યાનો ઈરાનનો દાવો

બીજી તરફ, અમેરિકા દ્વારા પણ ઈરાન પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. અમેરિકન સેનાએ ઈરાન પર સતત 9મી રાત્રે પણ સૈન્ય કાર્યવાહી કરી છે, જેના કારણે ઈરાનના દરિયાકાંઠાના બંદરો પર સતત ધમાકા સંભળાઈ રહ્યા છે. આ ભીષણ તણાવ વચ્ચે ઈરાનના મીડિયાએ એક મોટો દાવો કરતા જણાવ્યું છે કે, પશ્ચિમ ઈરાનના કેરમાનશાહ પ્રાંતમાં અમેરિકાનું એક અત્યંત આધુનિક અને શક્તિશાળી MQ-9 ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, IRGCની એરોસ્પેસ ફોર્સની એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમે આ અમેરિકન ડ્રોનને નિશાન બનાવીને તોડી પાડ્યું હતું. જોકે, આ દાવા અંગે હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને અમેરિકા તરફથી પણ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.