World

પેરુમાં 5.5ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, 5 લોકોના મોત, 300થી વધુ લોકો બેઘર થયા

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
દક્ષિણ અમેરિકાના પેરુમાં શનિવારે રાત્રે 5.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. એન્ડીઝ પર્વતીય વિસ્તારમાં આવેલા આ ભૂકંપથી 5 લોકોના મોત થયા છે અને 20થી વધુ ઘાયલ થયા છે. 300થી વધુ લોકો બેઘર બન્યા છે. હુઆનકાયો પ્રાંતના સિકાયા નજીક 10 કિમી ઊંડે કેન્દ્રબિંદુ હતું. કાચા મકાનો ધરાશાયી થતાં ભારે તબાહી સર્જાઈ છે. રાહત કામગીરી ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેરુમાં 5.5ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, 5 લોકોના મોત, 300થી વધુ લોકો બેઘર થયા

Peru Earthquake: દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પેરુના એન્ડીઝ પર્વતીય વિસ્તારમાં આવેલા એક શક્તિશાળી ભૂકંપના કારણે ભારે તબાહી મચી છે. અધિકારીઓએ રવિવારે આપેલી માહિતી અનુસાર, આ કુદરતી આપત્તિમાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના કારણે અનેક લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે અને હાલમાં 300થી વધુ લોકો બેઘર થઈ ગયા છે. યુએસ જિઓલોજિકલ સર્વે (USGS)ના રિપોર્ટ પ્રમાણે, શનિવારે રાત્રે 9:24 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી.

જમીનથી 10 કિમી ઊંડે હતું કેન્દ્રબિંદુ, અનેક ઇમારતો જમીનદોસ્ત

આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હુઆનકાયો પ્રાંતના સિકાયા શહેરથી બે કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઓછા ઊંડાણને કારણે ભૂકંપના આંચકા ખૂબ જ તીવ્ર અને વિનાશક સાબિત થયા હતા. પેરુની નેશનલ સિવિલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું છે કે, ભૂકંપના કારણે વિસ્તારની અનેક ઇમારત અને સ્થાનિક ચર્ચ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે અથવા તેમને મોટું નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનામાં હજુ પણ કેટલા લોકો ગુમ છે તેનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી, જેથી બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.

કાચા મકાનોના કારણે વધી તબાહી

સ્થાનિક સિવિલ ડિફેન્સ ઑફિસના વડા લુઈસ વાસ્કેજે જણાવ્યું હતું કે, એન્ડીઝના આ પર્વતીય વિસ્તારમાં મોટાભાગનું બાંધકામ પરંપરાગત શૈલીમાં માટી અને કાચી ઈંટોથી કરવામાં આવ્યું હતું. મકાનો નબળા હોવાના કારણે ભૂકંપનો આંચકો સહન ન કરી શક્યા અને પત્તાની જેમ વિખેરાઈ ગયા, જેના લીધે જાનમાલનું નુકસાન વધી ગયું છે.

પેરુ અને 'રિંગ ઑફ ફાયર'નો ઇતિહાસ

ભૌગોલિક દ્રષ્ટિએ પેરુ પ્રશાંત મહાસાગરના 'રિંગ ઑફ ફાયર' (Ring of Fire) વિસ્તારમાં આવેલું છે, જેના કારણે અહીં વારંવાર નાના-મોટા ભૂકંપ આવતા રહે છે. આ અગાઉ વર્ષ 2007માં પેરુના પિસ્કો પ્રાંતમાં 7.9ની તીવ્રતાનો અત્યંત ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં અંદાજે 600 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. હાલની પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.