World

ઈરાન પાસે પણ હથિયાર ખૂટ્યાં? ચીન સાથે 400 એર ડિફેન્સ મિસાઈલની ડીલ થયાની ચર્ચા

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈઝરાયલ સાથેના સંઘર્ષ બાદ ઈરાન હવાઈ સુરક્ષા મજબૂત કરવા સક્રિય બન્યું છે. ઈરાને ચીન પાસેથી 60થી 70 મિલિયન ડોલરમાં 300થી 400 MANPADS સિસ્ટમ ખરીદવાનો કરાર કર્યો છે. હોંગકોંગની કંપનીએ મધ્યસ્થી કરી, જેમાં QW-12 અને FN-16 જેવી મિસાઈલોનો સમાવેશ થાય છે. પ્રથમ ખેપ પાકિસ્તાન થઈને ઈરાન પહોંચશે, જોકે ચીન અને પાકિસ્તાને આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન પાસે પણ હથિયાર ખૂટ્યાં? ચીન સાથે 400 એર ડિફેન્સ મિસાઈલની ડીલ થયાની ચર્ચા

Iran to Buy MANPADS Air Defense Systems from China: અમેરિકા અને ઈઝરાયલ સાથે મહિનાઓ સુધી ચાલેલા ભયાનક સંઘર્ષ બાદ હવે ઈરાન પોતાની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે સક્રિય બન્યું છે. ઈરાને ચીન પાસેથી 300થી 400 જેટલી 'મેન-પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ' (MANPADS) ખરીદવા માટે મહત્ત્વનો કરાર કર્યો છે. આ સંરક્ષણ સોદાની અંદાજિત કિંમત 6થી 7 કરોડ ડૉલર (60થી 70 મિલિયન ડૉલર) હોવાનું કહેવાઈ રહ્યું છે.

ઈરાન-ચીન વચ્ચે ડિફેન્સ ડીલ, હોંગકોંગની કંપની મધ્યસ્થ

અહેવાલો અનુસાર, આ કરારમાં ચીનની આધુનિક QW-12 અને FN-16 જેવી ખભા પર રાખીને દાગી શકાતી 'શોલ્ડર-ફાયર્ડ એર ડિફેન્સ મિસાઇલ' સિસ્ટમનો સમાવેશ થાય છે. આ કરાર હોંગકોંગ સ્થિત 'ઝોંગકિંગ બાઓશાંગ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ' કંપની દ્વારા કરાવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે, જે ચીનના સપ્લાયર અને ઈરાન વચ્ચે મધ્યસ્થ તરીકેની ભૂમિકા ભજવી રહી છે.

પાકિસ્તાનના રસ્તે ઈરાન પહોંચશે પહેલી ખેપ

બ્રિટિશ ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મિસાઇલોની પહેલી ખેપ આગામી થોડા અઠવાડિયામાં જ ઈરાન પહોંચી શકે છે. શરૂઆતી આયોજન મુજબ આ હથિયારોને પશ્ચિમી ચીનના ઉરુમકીથી રવાના થઈ પાકિસ્તાનના રસ્તે ઈરાન પહોંચાડવામાં આવશે. જોકે, આ ટ્રાન્સપોર્ટેશન હવાઈ માર્ગે થશે કે રોડ માર્ગે તે હજુ સ્પષ્ટ થયું નથી.

ચીન અને પાકિસ્તાને અહેવાલોને ગણાવ્યા પાયાવિહોણા

બીજી તરફ, ચીનના વિદેશ મંત્રાલયે આ અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને જણાવ્યું છે કે આ પ્રકારના દાવા સાવ પાયાવિહોણા છે; ચીન હંમેશા શાંતિ સ્થાપવા માટે જ કામ કરે છે. આ ઉપરાંત પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ (ISPR)એ પણ પોતાના રસ્તેથી હથિયારો ઈરાન મોકલવાના સમાચારને સંપૂર્ણપણે મનઘડંત અને ઝૂઠા ગણાવ્યા છે.

હુમલાઓમાં ઈરાનની એર ડિફેન્સ ક્ષતિગ્રસ્ત થઈ હતી

અમેરિકા અને ઈઝરાયલ સાથેના તાજેતરના યુદ્ધ દરમિયાન ઈરાનના મિસાઇલ, ડ્રોન અને એર ડિફેન્સ સાથે જોડાયેલા અનેક લશ્કરી મથકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ હુમલાઓએ ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમની નબળાઈઓ છતી કરી દીધી હતી. તેથી જ પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ ઈરાન માટે અત્યંત મહત્ત્વની બની ગઈ છે, કારણ કે તેને નાની ટુકડીઓ દ્વારા પણ સરળતાથી કોઈ પણ સ્થળે તહેનાત કરી શકાય છે. જોકે, આ સોદા અંગે સત્તાવાર પુષ્ટિ ન થઈ હોવાથી તેમાં ફેરફારની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે.