World

હોર્મુઝ બાદ નવો માર્ગ પણ ઠપ, ભારત-ચીન આવતા સાઉદીના ઓઇલ ટેન્કર્સનો યુ-ટર્ન, દુનિયા માટે ટેન્શન

By GS Team
22 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ભારત-ચીન જતા 2 ક્રૂડ ટેન્કર્સને ધમકાવી પાછા વાળ્યા છે. સાઉદી અરેબિયાના યાનબૂ બંદરેથી ક્રૂડ ભરી નીકળેલા આ ટેન્કર્સ બાબ-અલ-મંદેબથી હિંદ મહાસાગરમાં પ્રવેશવાના હતા, પરંતુ ધમકીને પગલે તેઓ સ્વેઝ નહેર તરફ વળી ગયા. હવે તેમને લાંબો રસ્તો કાપવો પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ 2% વધ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ બાદ નવો માર્ગ પણ ઠપ, ભારત-ચીન આવતા સાઉદીના ઓઇલ ટેન્કર્સનો યુ-ટર્ન, દુનિયા માટે ટેન્શન
IMAGE - IANS

Iran-US War: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધની વચ્ચે જે વાતનો સૌથી મોટો ડર હતો તે જ આખરે સામે આવ્યું છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બાદ હવે બીજો વોર ફ્રન્ટ ખુલી ગયો છે. યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોની ખુલ્લી ધમકી બાદ ભારત અને ચીન તરફ આવી રહેલા બે ક્રૂડ ઓઇલના ટેન્કર્સને યુ-ટર્ન લેવાની ફરજ પડી છે.

હુથી બળવાખોરોની ધમકી બાદ ટેન્કર્સે બદલ્યો માર્ગ

આ બંને ટેન્કર્સે રેડ સીમાં આવેલા સાઉદી અરેબિયાના યાનબૂ બંદરથી ભારત અને ચીન માટે ક્રૂડ ઓઇલ લોડ કર્યું હતું. તેમની યોજના મુજબનો માર્ગ બાબ-અલ-મંદેબ થઈને હિંદ મહાસાગરમાં પ્રવેશવાનો હતો. પરંતુ હુથી બળવાખોરો તરફથી મળેલી હુમલાની ધમકીઓને કારણે આ જહાજો હિંદ મહાસાગર તરફ જવાના બદલે ઊંધા ફરીને સ્વેઝ નહેર તરફ આગળ વધી ગયા છે. હવે આ ટેન્કર્સને ખૂબ જ લાંબો રસ્તો કાપીને પોતાની મુસાફરી પૂરી કરવી પડશે.

સાઉદી અરેબિયાની ઘેરાબંધી અને ઓઇલ પર સંકટ

ઉત્તરી અને પશ્ચિમી યમન પર નિયંત્રણ ધરાવતા હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાની નૌસૈનિક ઘેરાબંધીની જાહેરાત કરી છે. તેમણે શિપિંગ કંપનીઓને પત્ર લખીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે પણ જહાજ સાઉદી ઓઇલ લોડ અથવા અનલોડ કરશે તેના પર સીધો હુમલો કરવામાં આવશે. યુદ્ધના કારણે ખાડી દેશોમાંથી બહાર નીકળવાનો મુખ્ય માર્ગ 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' પહેલેથી જ બંધ થઈ ગયો છે, જેથી સાઉદી અરેબિયા માટે રેડ સી ઓઇલ નિકાસ માટેનો મુખ્ય વિકલ્પ બન્યો હતો. યાનબૂ પાઇપલાઇન દ્વારા દરરોજ લાખો બેરલ સાઉદી ઓઇલ આ જ માર્ગે મોકલવામાં આવતું હતું, પરંતુ હવે અહીં પણ નવો મોરચો ખુલતા મોટું સંકટ ઊભું થયું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં ઉછાળો

આ નવો તણાવ ઊભો થતાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં 2%થી વધુનો વધારો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 91 ડોલર પ્રતિ બેરલને વટાવી ગઈ છે, જ્યારે અમેરિકન ગેસોલીનની કિંમત ફરી એકવાર 4 ડોલર પ્રતિ ગેલનથી ઉપર પહોંચી ગઈ છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી

આ સમગ્ર ઘટનાક્રમ પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે હુથી બળવાખોરોએ હજુ સુધી બાબ અલ-મંદેબનો માર્ગ સંપૂર્ણપણે બંધ કર્યો નથી. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો તેઓ આવું કરશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ તેમણે પુષ્ટિ કરી હતી કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 18 અમેરિકન સૈનિકો શહીદ થયા છે, જેમાં તાજેતરમાં જોર્ડન અને ઈરાકમાં અમેરિકન સૈન્ય મથકો પર થયેલા ઈરાની હુમલામાં માર્યા ગયેલા ચાર સૈનિકો પણ સામેલ છે.

ઈરાન પર અમેરિકાનો સતત 11મી રાત્રે બોમ્બમારો

બીજી તરફ, અમેરિકન સેનાએ સતત 11મી રાત્રે ઈરાન પર ભારે બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ઈરાનની રાજધાની તેહરાન ઉપરાંત દક્ષિણ-પૂર્વ તટીય શહેરો ચાબહાર અને કોનાર્કમાં પણ જોરદાર વિસ્ફોટો થયા છે. બુશેહર શહેરમાં પણ બે વિસ્ફોટો સંભળાયા હતા, જ્યાં ઈરાનનો એકમાત્ર પરમાણુ ઊર્જા પ્લાન્ટ આવેલો છે. આ પહેલા ઈરાને બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય બેઝને નિશાન બનાવ્યા હતા અને હોર્મુઝના મુખ પર એક ટેન્કર પર હુમલો કર્યો હતો.