'તુ મુસ્લિમ છે...' બસ આટલું પૂછીને અમેરિકામાં ભારતીય યુવક પર ચપ્પા વડે જીવલેણ હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian man attacked in US: અમેરિકાના યુટા (Utah) રાજ્યમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ભારતીય યુવક પર ધર્મના નામે અત્યંત ઘાતકી અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. વેસ્ટ વેલી સિટીના એક પ્રતિષ્ઠિત મોલમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક ભારતીય સમુદાય અને પ્રવાસીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમેરિકાના મોલમાં ભારતીય યુવક પર ઘાતકી હુમલો
અમેરિકાના યુટા રાજ્યમાં આવેલા વેસ્ટ વેલી સિટીના 'વેલી ફેયર મોલ'માં સોમવારે આ ઘટના બની હતી. ત્યાંના એક સ્ટોલ પર કામ કરતા સોહેલ નામના ભારતીય યુવકને નિશાન બનાવીને એક માથાભારે શખ્સે ચાકુના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર રીતે ઘવાયેલા સોહેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો, જ્યાં હાલમાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
'મુસ્લિમ હોવાના કારણે મારી નાખવો છે' : હુમલાખોરની કબૂલાત
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરની ઓળખ 48 વર્ષીય પીટર માઈકલ લાર્સન તરીકે થઈ છે. ધરપકડ બાદ આરોપીએ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે સ્વીકાર્યું છે કે તેણે સોહેલ પર માત્ર એટલા માટે જ હુમલો કર્યો કારણ કે તે મુસ્લિમ હતો. આરોપીએ નફરત ફેલાવતા નિવેદનમાં એમ પણ જણાવ્યું કે તે મુસ્લિમોને મારી નાખવા માંગે છે. પોલીસે આ આરોપીને જાહેર સુરક્ષા માટે અત્યંત ગંભીર ખતરો ગણાવ્યો છે.
પાણીની બોટલ માંગવાના બહાને પૂરતી તૈયારી સાથે હુમલો
યુટા ઇસ્લામિક સેન્ટરના ઇમામ શુઆઇબ દીને સમગ્ર ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું કે, આરોપી પીટર પહેલા સોહેલના સ્ટોલ પર આવ્યો હતો. તેણે સોહેલનું નામ પૂછ્યું, ત્યારબાદ તેનો ધર્મ અને તે ક્યાંનો વતની છે તેની પૂછપરછ કરી હતી. સોહેલે સરળતાથી જવાબ આપ્યો કે તેનું નામ સોહેલ છે અને તે ભારતથી છે. જેવો સોહેલે પોતે મુસ્લિમ હોવાનું સ્વીકાર્યું, કે તરત જ આરોપીએ ચતુરાઈ વાપરીને તેની પાસે પાણીની બોટલ માંગી હતી. સોહેલ જેવો પાણી લેવા પાછળ વળ્યો, કે આરોપીએ પાછળથી તીક્ષ્ણ ચાકુ કાઢીને તેના પર હુમલો કર્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓની બહાદુરીથી બચ્યો જીવ
મોલમાં સોહેલની બાજુમાં જ આવેલી જ્વેલરી શોપમાં કામ કરતી લૂના નુનેઝે જણાવ્યું કે હુમલો એટલો ઝડપી હતો કે કોઈને બચાવની તક જ ન મળી. લૂનાએ સોહેલને બચાવવા માટે પોતાના હાથમાં જે આવ્યું તે વસ્તુઓ આરોપી પર ફેંકી હતી. સદનસીબે, મોલમાં હાજર અન્ય ગ્રાહકો અને લોકોએ અપ્રતિમ બહાદુરી બતાવીને જીવના જોખમે હુમલાખોરને પકડી લીધો અને જમીન પર દબોચી રાખ્યો. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરી આરોપીને હવાલે કરવામાં આવ્યો હતો.
15 વાર ચાકુ માર્યું, આર્થિક મદદ માટે અપીલ
હુમલા બાદ સોહેલના આખા શરીરે લોહીલુહાણ હાલતમાં ઊંડા ઘા થઈ ગયા હતા. સોહેલ માટે શરૂ કરાયેલા એક સહાયતા અભિયાન અનુસાર, સોહેલ પર 15થી વધુ વખત ચાકુ વડે ઘા મારવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં તેની ઘણી મોટી સર્જરીઓ કરવામાં આવી છે. લૂનાએ વધુમાં જણાવ્યું કે સોહેલ તેના પરિવારમાં એકમાત્ર કમાનાર સભ્ય છે, તેના પરિવારમાં પત્ની અને બે નાના બાળકો છે. સોહેલ પાસે હાલ કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ પણ નથી, જેથી હોસ્પિટલના ભારે ખર્ચને પહોંચી વળવા માટે લોકો પાસે મદદ માંગવામાં આવી રહી છે.
આરોપીનો જૂનો ગુનાહિત ઇતિહાસ
પોલીસ રેકોર્ડ અનુસાર, પકડાયેલો આરોપી પીટર માઈકલ લાર્સન અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. વર્ષ 2022માં તેણે પોતાના ઘરની બહાર આગ લગાવી દીધી હતી અને ફાયર ફાઇટરોને ગોળી મારવાની ધમકી આપી હતી. તે સમયે થયેલા ફાયરિંગ બાદ તેની ધરપકડ થઈ હતી અને તેને જેલની સજા પણ ભોગવવી પડી હતી. હાલ આ ઘટના બાદ તેને હત્યાના પ્રયાસ અને ગેરકાયદેસર શસ્ત્ર રાખવાના ગુના હેઠળ સોલ્ટ લેક કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.









