World

ઈમરાન ખાનને હોસ્પિટલ લઈ જવાયા અને ગણતરીના કલાકોમાં ફરી જેલભેગા કરાયા: પાકિસ્તાનમાં મોટો ડ્રામા

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના ભૂતપૂર્વ PM ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટના આદેશથી અદિયાલા જેલમાંથી શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલ, ઈસ્લામાબાદ ખાતે રાત્રે મેડિકલ તપાસ માટે લઈ જવાયા હતા. 6 નિષ્ણાત ડોકટરોની ટીમે તેમની તપાસ કરી. તબીબોએ હોસ્પિટલને બદલે જેલમાં રાખવા વધુ સુરક્ષિત ગણી તેમને ફરી જેલમાં મોકલ્યા. 73 વર્ષીય ઈમરાન ઓગસ્ટ 2023થી જેલમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈમરાન ખાનને હોસ્પિટલ લઈ જવાયા અને ગણતરીના કલાકોમાં ફરી જેલભેગા કરાયા: પાકિસ્તાનમાં મોટો ડ્રામા
IMAGE - IANS

Imran Khan news: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાનને અડધી રાતે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અદિયાલા જેલમાંથી ઈસ્લામાબાદની શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં 6 નિષ્ણાત ડૉક્ટરોની ટીમે તેમની સંપૂર્ણ તબીબી તપાસ કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ તબીબોની ટીમે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાના બદલે જેલમાં રાખવા વધુ સુરક્ષિત હોવાનું જણાવી ફરીથી અદિયાલા જેલ મોકલી દીધા હતા.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાથ ધરાઈ કામગીરી

ઈમરાન ખાનને હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરવામાં આવ્યો હતો. અદાલતે તેમની કથળતી સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને 2 દિવસની અંદર મેડિકલ તપાસ અને સારવાર માટે શિફા હોસ્પિટલ ખસેડવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે તબીબી તપાસ માટે ખાસ મેડિકલ બોર્ડની રચના કરવા અને તપાસ દરમિયાન તેમના પત્ની ડૉ. ઉઝમા તથા તેમના અંગત ડૉક્ટરને હાજર રહેવાની મંજૂરી આપી હતી. આ સારવારનો તમામ ખર્ચ તેમના પરિવારે ઉઠાવવાનો રહેશે.

હોસ્પિટલ બહાર છાવણી જેવો કડક બંદોબસ્ત

ઈમરાન ખાનને હોસ્પિટલ લાવવામાં આવે તે પહેલા જ શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલની આસપાસ સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન કરી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરાયો હતો. આ પૂર્વે ઈસ્લામાબાદના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) સૈયદ અલી નાસિર રિઝવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લઈને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

સરકારની રિવ્યૂ પીટિશન પાછી ખેંચાઈ

સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાનો જે અંતરિમ આદેશ આપ્યો હતો, તેની સામે પાકિસ્તાનની કેન્દ્ર સરકારે રિવ્યૂ પીટિશન દાખલ કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે કોર્ટનો આ નિર્ણય કાયદાકીય સીમાઓથી બહાર છે અને જેલમાંથી હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય માત્ર મેડિકલ એક્સપર્ટ્સની સલાહ પર આધારિત હોવો જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર કાર્યાલયે આ અરજીમાં કેટલીક ટેકનિકલ ખામીઓ બતાવી તેને પરત કરી હતી. ત્યારબાદ ઈસ્લામાબાદના ચીફ કમિશનર દ્વારા આ પુનર્વિચાર અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.

2023થી જેલમાં બંધ છે 73 વર્ષીય ઈમરાન ખાન

ઉલ્લેખનીય છે કે, 73 વર્ષીય ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં બંધ છે અને તેમની સામે અનેક કેસોમાં સજા ફટકારવામાં આવેલી છે. એપ્રિલ 2022માં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા તેમને પાકિસ્તાનના પીએમ પદેથી હટાવવામાં આવ્યા હતા, જેના પછી તેમની સામે અનેક કાનૂની કેસ નોંધાયા છે. ઈમરાન ખાન અને તેમની પાર્ટી PTI આ તમામ કેસોને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી રહ્યા છે.