ટ્રમ્પની ફરી ફજેતી, હોર્મુઝમાં હુમલા બંધ કરવા પાછળનું કારણ સામે આવ્યું, બ્રિટન-ફ્રાન્સે આપ્યો ઝટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran-US War News: ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા મિશન શરૂ કરવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્લાનને તેમના જ યુરોપિયન સાથી દેશોનો સહકાર મળી રહ્યો નથી. બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો પણ અમેરિકાની આગેવાની હેઠળના સંયુક્ત નૌકાદળના પેટ્રોલિંગથી અંતર જાળવી રહ્યા છે. સહયોગી દેશોનો સાથ ન મળવાને કારણે જ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પીછેહઠ કરવી પડી છે, જોકે તેમણે આ નિર્ણયને કાયમી યુદ્ધવિરામ અને કૂટનીતિક પ્રયાસોના ભાગરૂપે રજૂ કર્યો છે.
યુરોપિયન દેશો કેમ મદદ કરવાનો ઇનકાર કરી રહ્યા છે?
અમેરિકન સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે તાજેતરમાં બ્રિટન અને ફ્રાંસના સંરક્ષણ મંત્રીઓ સાથે વાતચીત કરીને આ મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે અપીલ કરી હતી. જોકે, યુરોપિયન દેશો તરફથી કોઈ સ્પષ્ટ સંમતિ મળી નથી. તેમનું માનવું છે કે જ્યાં સુધી ઈરાન સાથે કાયમી યુદ્ધવિરામ કે તણાવ ઓછો થવાના સ્પષ્ટ સંકેતો ન મળે, ત્યાં સુધી આવા કોઈ સૈન્ય અભિયાનમાં જોડાવું જોખમી સાબિત થઈ શકે છે. બ્રિટને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે ઈરાન સામેના કોઈ આક્રમક સૈન્ય અભિયાનનો ભાગ બનશે નહીં, પરંતુ દરિયાઈ માર્ગોની સુરક્ષા માટે સહયોગ આપવા માટે તૈયાર છે.
અમેરિકા અને ઈઝરાયલથી કેમ નારાજ છે યુરોપ?
યુરોપિયન દેશોના આ સંકોચ પાછળ અમેરિકાની હાલની રણનીતિ જવાબદાર માનવામાં આવે છે. યુરોપિયન અધિકારીઓનું માનવું છે કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા કરતાં પહેલા પોતાના સાથી દેશો સાથે યોગ્ય સલાહ-મસલત કરી નહોતી. આ જ કારણે યુરોપિયન દેશોમાં ભારે નારાજગી છે. તેમનું માનવું છે કે જો તેમને પહેલા વિશ્વાસમાં લેવામાં આવ્યા હોત તો સ્થિતિ અલગ હોત, તેથી હવે તેઓ કોઈ સ્પષ્ટ રણનીતિ વગર આ મોટા સૈન્ય અભિયાનમાં જોડાવા માંગતા નથી.
ગ્લોબલ ટ્રેડ અને ક્રૂડ ઓઇલના સપ્લાય પર સંકટ
આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે વાતચીત આગળ વધી રહી છે અને કૂટનીતિક ઉકેલની આશા છે. બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે વાતચીત અને યુદ્ધવિરામ બંને એક સાથે શક્ય નથી. આ સિવાય યમનના હૂથી બળવાખોરો દ્વારા રેડ સીમાં નાકેબંધીની જાહેરાત બાદ જહાજોની અવરજવરમાં ભારે ઘટાડો નોંધાયો છે. હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્ત્વપૂર્ણ ઓઇલ રૂટ માનવામાં આવે છે, પરંતુ હાલમાં ત્યાંથી વેપારી જહાજોનું પરિવહન ખૂબ ઘટી ગયું છે, જેનાથી ગ્લોબલ ટ્રેડ અને ઊર્જા પુરવઠા પર મોટું સંકટ ઊભું થયું છે.









