SCO, QUAD અને BRICSથી ભારતને શું મળ્યું? ચિદમ્બરમના સવાલ પર શશી થરૂરે આપ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Congress Leaders Clash Over BRICS Summit: ભારતમાં યોજાઈ રહેલા બ્રિક્સ સંમેલનને લઈને કોંગ્રેસની અંદર જ વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ પર પ્રહાર કરવાની નવી તક મળી ગઈ છે. એક તરફ વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે આ સમિટથી ભારતને શું ફાયદો થયો તે અંગે સવાલો ઉઠાવ્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ભારત દ્વારા આ સમિટનું આયોજન કરવાને દેશ માટે મોટા ગૌરવની વાત ગણાવી છે.
ચિદમ્બરમે સમિટની ઉપલબ્ધતા સામે ઉઠાવ્યા સવાલો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે તાજેતરમાં જ બ્રિક્સ સમિટના પરિણામો પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'છેલ્લા બે-ત્રણ બ્રિક્સ સંમેલનોથી દેશને કોઈ નક્કર ફાયદો થયો હોય તેવું દેખાતું નથી. ભારત G-20, એસસીઓ (SCO) અને ક્વાડ (QUAD) જેવા અનેક મંચોનો હિસ્સો છે, પરંતુ આ તમામ જૂથોમાંથી દેશને વાસ્તવિક શું લાભ મળી રહ્યો છે તે સ્પષ્ટ થતું નથી.'
શશી થરૂરે બ્રિક્સને ગણાવ્યું વૈશ્વિક મંચ
બ્રિક્સ સમિટને લઈને વિપક્ષી નેતા પી. ચિદમ્બરમના નિવેદનથી વિપરીત, સાંસદ શશી થરૂરે આ સમિટને ગ્લોબલ સાઉથ (Global South) માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવી છે. તેમણે જણાવ્યું કે, 'આ જૂથ વિશ્વની મોટાભાગની વસ્તી અને વૈશ્વિક જીડીપીનો 41 ટકા હિસ્સો ધરાવે છે. ભારતમાં વિદેશી રાષ્ટ્રપ્રમુખોનું એકત્ર થવું એ દેશની રાજદ્વારી ક્ષમતા અને વૈશ્વિક પ્રતિષ્ઠા દર્શાવે છે.' જોકે, તેમણે સભ્યો વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ પર મતમૈક્ય સધાવવામાં રહેલા પડકારો અને વ્યાપારિક અસંતુલન જેવા મુદ્દાઓનો પણ સ્વીકાર કર્યો હતો.
ભાજપનો કોંગ્રેસ પર કટાક્ષ
કોંગ્રેસના આ બે અલગ-અલગ સૂર પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે જ્યારે પણ દેશ આગળ વધે છે અને ભારતનું ગૌરવ વધે છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી હંમેશાં 'નારાજ ફૂઆ'ની જેમ તેનો વિરોધ કરતી હોય છે. થરૂરના નિવેદને ખુદ કોંગ્રેસની અંદરના વિરોધાભાસને ઉજાગર કરી દીધો છે.




