World

બ્રિટનમાં હિન્દુઓને મોટો ઝટકો, ચર્ચ-મસ્જિદને જમીન ફાળવાઈ પણ મંદિરને કંઈ ના મળ્યું

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
બ્રિટનના કેમ્બ્રિજશાયરમાં હિન્દુ સમુદાયનું મંદિર બનાવવાનું સ્વપ્ન અધૂરું રહ્યું છે. સ્થાનિક કાઉન્સિલે ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અનામત જમીન હિન્દુ સંગઠનને બદલે નોર્થસ્ટો ચર્ચ નેટવર્કને 999 વર્ષની લીઝ પર આપી છે. આ પ્રોજેક્ટમાં મુસ્લિમ સંગઠન પણ ભાગીદાર બનશે. હિન્દુ સંગઠન 'હિન્દુ સમાજ નોર્થસ્ટો' દ્વારા આ નિર્ણય સામે અપીલ કરવાનું વિચારી રહ્યું છે, કારણ કે સમગ્ર કાઉન્ટીમાં એક પણ હિન્દુ મંદિર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટનમાં હિન્દુઓને મોટો ઝટકો, ચર્ચ-મસ્જિદને જમીન ફાળવાઈ પણ મંદિરને કંઈ ના મળ્યું

Cambridgeshire Hindu temple: બ્રિટનના કેમ્બ્રિજશાયરમાં વસતા હિન્દુ સમુદાયને મોટો આંચકો લાગ્યો છે, કારણ કે આ વિસ્તારમાં પ્રથમ હિન્દુ મંદિર બનાવવાનું તેમનું વર્ષો જૂનું સપનું હાલ પૂરતું અધૂરું રહી ગયું છે. સ્થાનિક કાઉન્સિલે ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અનામત રાખેલી જમીન હિન્દુ સંગઠનને આપવાને બદલે એક ચર્ચ નેટવર્કને 999 વર્ષની લાંબી લીઝ પર સોંપવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટમાં એક મુસ્લિમ સંગઠન પણ ભાગીદાર બનશે, જેને નમાજ પઢવા તેમજ ધાર્મિક શિક્ષણ આપવા માટે અલગ જગ્યા ફાળવવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?

આ વિવાદ નોર્થસ્ટો શહેરનો છે, જ્યાં વસ્તી ખૂબ જ ઝડપથી વધી રહી છે. સાઉથ કેમ્બ્રિજશાયર ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે આશરે 0.25 હેક્ટર જમીન નોર્થસ્ટો ચર્ચ નેટવર્ક (NCN)ને અત્યંત મામૂલી ભાડા પર 999 વર્ષની લીઝ પર આપવાનું નક્કી કર્યું છે. સ્થાનિક હિન્દુ પરિવારોના સંગઠન 'હિન્દુ સમાજ નોર્થસ્ટો' (HSN) દ્વારા પણ આ જમીન માટે દાવો કરવામાં આવ્યો હતો.

હિન્દુ સંગઠનનો હેતુ અહીં એક એવું સંકુલ બનાવવાનો હતો જેમાં હિન્દુ મંદિરની સાથે ઇન્ટરફેથ સેન્ટર અને વેલનેસ સેન્ટર પણ હોય, જેથી તમામ સમુદાયના લોકો તેનો લાભ લઈ શકે. જો કે, કાઉન્સિલની મૂલ્યાંકન સમિતિમાં ચર્ચ નેટવર્કના પ્રસ્તાવને 81 ટકા ગુણ મળ્યા, જ્યારે હિન્દુ સંગઠન માત્ર 65 ટકા ગુણ મેળવી શક્યું. આ ગુણભારના આધારે આખરે ચર્ચના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી.

સમગ્ર કાઉન્ટીમાં એક પણ હિન્દુ મંદિર નથી

હિન્દુ સમુદાયના જણાવ્યા અનુસાર, સમગ્ર કેમ્બ્રિજશાયરમાં એક પણ હિન્દુ મંદિર નથી. ધાર્મિક વિધિઓ અને તહેવારો ઉજવવા માટે લોકોને કલાકોની મુસાફરી કરીને બર્મિંગહામ કે વેમ્બલી જવું પડે છે. ભાડે મળતા કોમ્યુનિટી હોલ રાતભર ઉપલબ્ધ ન હોવાને કારણે મહાશિવરાત્રી કે ગણેશોત્સવ જેવા તહેવારો વિધિ-વિધાન સાથે ઉજવવા મુશ્કેલ બને છે અને ઘણીવાર ભગવાનની મૂર્તિઓ બેગમાં ભરીને લોકોના ઘર કે ગેરાજમાં રાખવી પડે છે.

હિન્દુ સમાજ નોર્થસ્ટોના પ્રમુખે આ નિર્ણય સામે ભારે નિરાશા વ્યક્ત કરી છે અને સમગ્ર પસંદગી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉઠાવ્યા છે. સંગઠન હવે આ નિર્ણય સામે અપીલ કરવાનું વિચારી રહ્યું છે. બીજી તરફ, બ્રિટનમાં ઉછરી રહેલી નવી પેઢી પોતાના તહેવારો અને સંસ્કૃતિથી વંચિત રહી જવાનો ડર પણ પરિવારો વ્યક્ત કરી રહ્યા છે.

મુસ્લિમ સંગઠન અને કાઉન્સિલનો પક્ષ

બીજી તરફ, નોર્થસ્ટો મુસ્લિમ સંગઠનના પ્રમુખે જણાવ્યું કે શહેરમાં આશરે 200 મુસ્લિમ પરિવારો રહે છે અને તેમને પાંચ સમયની નમાજ માટે કાયમી જગ્યાની જરૂર હોવાથી તેઓ આ પ્રોજેક્ટમાં જોડાયા છે. ચર્ચ નેટવર્કનું કહેવું છે કે સંકુલ બન્યા પછી નિયમોનું પાલન કરીને અન્ય સામાજિક સંગઠનો પણ અહીં પોતાની પ્રવૃત્તિઓ કરી શકશે. કાઉન્સિલના કાઉન્સિલર ડૉ. લીસા રેડરપે આ નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું છે કે તમામ અરજીઓનું મૂલ્યાંકન અગાઉથી નક્કી કરેલા માપદંડોના આધારે જ કરવામાં આવ્યું છે અને આ પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શી રહી છે.