રાત્રે 8 વાગ્યે મોલ-માર્કેટ બંધ, હોર્ડિંગ્સ સ્વિચ OFF: બાંગ્લાદેશમાં ભયાનક વીજ સંકટ, 16 કલાક સુધી અંધારપટ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bangladesh Power Crisis: બાંગ્લાદેશ હાલમાં ગંભીર વીજળી સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે સામાન્ય નાગરિકો અને નાના-મોટા વેપારીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. વીજળી કાપનો કોઈ ચોક્કસ સમય નક્કી ન હોવાથી પબના, ધમરાઈ અને કેરાનીગંજ જેવા વિસ્તારોમાં આવેલી વર્કશોપ, ફેક્ટરીઓ અને એન્જિનિયરિંગ યુનિટ્સમાં કામકાજ વારંવાર અટકી જાય છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એક કલાક વીજળી આવ્યા પછી દોઢ કલાક સુધી ગાયબ રહે છે અને દિવસના 24 કલાકમાંથી કેટલીક જગ્યાએ તો 16 કલાક સુધી પાવર કટનો સામનો કરવો પડે છે.
રાત્રે 8 વાગ્યા પછી માર્કેટ અને શોપિંગ મોલ બંધ કરવાનો આદેશ
વીજ સંકટ પહોંચી વળવા માટે બાંગ્લાદેશ સરકારે તાત્કાલિક અસરથી નવા નિયમો લાગુ કર્યા છે. જે મુજબ દેશભરમાં દુકાનો, બજારો અને શોપિંગ મોલ રાત્રે 8 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. હવે દુકાનો સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલશે.
આ ઉપરાંત તમામ રોશની વાળા બિલબોર્ડ સાંજે 7 વાગ્યા સુધી બંધ કરી દેવાનો અને સજાવટી લાઇટિંગ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને ટ્રેડ ફેર પણ રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાના રહેશે, જ્યારે હૉસ્પિટલ, ફાર્મસી અને ખાદ્યપદાર્થોની દુકાનો જેવી જરૂરી સેવાઓને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે.
ઇંધણની અછત અને આયાત પર નિર્ભરતા મુખ્ય કારણ
બાંગ્લાદેશની વીજ ઉત્પાદન ક્ષમતા 33,092 મેગાવોટ છે, જેની સામે હાલમાં મહત્તમ માંગ 18,500 મેગાવોટથી થોડી વધારે છે. આમ છતાં, ઇંધણની ભારે અછતને કારણે દેશ તેની ક્ષમતા કરતાં અડધું પણ ઉત્પાદન કરી શકતો નથી. દેશમાં વપરાતા ઇંધણનો 65 ટકાથી વધુ હિસ્સો આયાત કરવામાં આવે છે. મધ્ય પૂર્વથી આવતા એલએનજી(LNG)નો પુરવઠો ખોરવાતાં ગેસ આધારિત વીજ મથકો પૂરી ક્ષમતાથી કામ કરી શકતા નથી. સરકારી મંત્રીઓના જણાવ્યા અનુસાર, વિદેશી આયાત પર વધુ પડતી નિર્ભરતાને કારણે ઊર્જા ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
ટેકનિકલ ખામીઓ અને ભારતીય વીજ પુરવઠામાં ઘટાડો
બાંગ્લાદેશમાં સર્જાયેલા વીજ સંકટ પાછળ મુખ્યત્વે ત્રણ મોટાં કારણો જવાબદાર છે. પહેલું, મહેશખાલી સ્થિત એલએનજી ટર્મિનલમાં ટેકનિકલ ખામીને કારણે ગેસનો પુરવઠો ઘટી ગયો છે. બીજું, બારપુકુરિયા જેવા મોટા કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાં ખામી સર્જાતાં વીજ ઉત્પાદન અટકી ગયું છે. ત્રીજું, ભારતમાંથી મળતી વીજળીમાં ઘટાડો થયો છે, કારણ કે બાંગ્લાદેશ સરકાર પર ખાનગી આયાતકારોની ચૂકવણી બાકી છે અને ખરાબ હવામાનને લીધે કોલસાના વપરાશમાં મુશ્કેલી આવતાં ભારતના અદાણી ગ્રૂપના ગોડ્ડા પ્લાન્ટમાંથી વીજ પુરવઠો ઓછો થઈ ગયો છે. જોકે, અધિકારીઓના જણાવ્યા મુજબ આ ટેકનિકલ સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં વીજ ઉત્પાદન ધીમે ધીમે પૂર્વવત થઈ જશે.









