World

ઇરાન યુદ્ધમાં અમેરિકાના 45 ડ્રોન તૂટયા 1000થી વધુ પેટ્રિયેટ મિસાઇલનો ઉપયોગ

By GS Team
15 Aug 20263 mins read
TukuTouch Logo
અમેરિકાએ ઇરાન યુદ્ધમાં 850થી વધુ ક્રૂઝ મિસાઈલ અને 45 રીપર ડ્રોન ગુમાવ્યા છે. હોર્મુઝમાં UAEના 2 જહાજ પર ઇરાનના હુમલાથી તણાવ વધ્યો છે. અમેરિકા વાર્ષિક 96 રીપર ડ્રોન જ બનાવી શકે છે. યુદ્ધ લંબાતા USS અબ્રાહમ લિંકનના સૈનિકો માનસિક તણાવમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન યુદ્ધમાં અમેરિકાના 45 ડ્રોન તૂટયા 1000થી વધુ પેટ્રિયેટ મિસાઇલનો ઉપયોગ
  • અમેરિકા 850થી વધુ ક્રૂઝ મિસાઇલ વાપરી ચૂક્યું છે
  • અમેરિકાનો 25 ટકા ડ્રોન જથ્થો ખલાસ, વાર્ષિક ધોરણે માંડ 96 રીપર ડ્રોનનું જ ઉત્પાદન કરી શકવા સક્ષમ
  • હોર્મુઝમાં પોતાના બે જ્હાજ પર ઇરાનનો હુમલો કરતા યુએઇ વિફર્યું, ઇરાન ચાંચીયાગીરી કરતું હોવાનો આરોપ

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ગયા વર્ષે ભારત-પાક જંગમાં વિમાનો તૂટયાનો દાવો કરતા હતા હવે અમેરિકાના જ વિમાનો, મિસાઇલો અને ડ્રોન ખતમ થવાની વાત આવી છે ત્યારે તેમણે ચુપ્પી સાધી લીધી છે. ઇરાન સાથેના યુદ્ધમાં અમેરિકા તેના અત્યંત મોંઘા એવા ૪૫ એમક્યુ-૯ રીપર ડ્રોન ગુમાવી ચૂક્યું છે. આમ અમેરિકાએ રીપર ડ્રોનના કુલ જથ્થામાં ૨૫ ટકા જથ્થો ગુમાવ્યો છે.
અમેરિકા રીપર ડ્રોનનો ઉપયોગ દેખરેખ અને હુમલા માટે કરે છે. એક રીપર ડ્રોનની કિંમત તેના સેન્સર અને શસ્ત્રોના આધારે ત્રણથી પાંચ કરોડ ડોલર સુધીની હોઈ શકે છે. આ હિસાબે અમેરિકાએ ૪૫ ડ્રોન ગુમાવતા તેને ૧.૩ અબજ ડોલરનો ફટકો પડયો હોવાનું માનવામાં આવે છે. જો કે બધા જ રીપર ડ્રોન ઇરાનના હુમલામાં ખતમ થયા છે તેવું નથી. કેટલાક ડ્રોનનો તો ઓપરેટર સાથે સંપર્ક તૂટી ગયો હતો અને તે તૂટી પડયા હતા. આમ અમેરિકાએ ઇરાન સાથેના યુદ્ધમાં ડ્રોનની સાથે-સાથે ટેકનિકલ તકલીફોનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
અમેરિકાએ ઇરાન સાથેના યુદ્ધમાં રીપર ડ્રોનનો મોટાપાયા પર ઉપયોગ કર્યો. હોર્મુઝની ખાડીની આસપાસ તેનો મોટાપાયા પર ઉપયોગ કરવામાં આવ્યો. રીપર ડ્રોન આકાશમાં લાંબા સમય સુધી રહીને નજર રાખી શકે છે અને જરૂર પડે તો હુમલો પણ કરી શકે છે. જો કે તેની સ્પીડ ઓછી હોવાથી તે જ્યારે પણ નીચી સપાટીએ ઉડે છે ત્યારે ઇરાનના લશ્કર અને યમન તેમજ ઇરાકમાં તેના સહયોગી જૂથો માટે સરળતાથી નિશાન બની શકે છે. યુદ્ધ શરુ થયું તે પહેલા અમેરિકા પાસે લગભગ ૧૮૫ રીપર ડ્રોન હતા. તેમા એરફોર્સ પાસે ૧૬૫ અને મરીન પાસે ૨૦ હતા. મરીન કોર્પ્સે જણાવ્યું હતું કે તેના કોઈપણ રીપર ડ્રોનને નુકસાન થયું નથી.
ઇરાન યુદ્ધમાં અમેરિકાએ મોટાપાયા પર મિસાઇલોનો પણ ઉપયોગ કર્યો. યુદ્ધના પહેલા મહિનામાં અમેરિકાએ ૮૫૦થી વધુ ટોમહોક ક્રૂઝ મિસાઇલ અને ૧૦૦૦થી વધુ પેટ્રિયેટ અને થાડ મિસાઇલનો ઉપયોગ કર્યો. અમેરિકાની વર્તમાન ક્ષમતાં એક વર્ષમાં કમસેકમ ૯૬ થાડ ઇન્ટરસેપ્ટર બનાવી શકવાની છે.
યુએઈએ હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા સરકારી ઓઇલ કંપની એડનોકના બે ઓઇલ ટેન્કરો પર હુમલો કરવાનો ઇરાન પર આરોપ મૂક્યો છે. યુએઈના વિદેશ મંત્રાલયે આ હુમલાને ઇરાનની દરિયાઈ ચાંચિયાગીરી સમાન ગણાવ્યો હતો. આ હુમલામાં કોઈની જાનહાનિના સમાચાર નથી. આમ છતાં હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ મધ્યપૂર્વમાં હવે પોતાની સૌપ્રથમ મલ્ટીનેશનલ ટાસ્ક ફોર્સ બનાવી રહ્યું છે.આ ટાસ્ક ફોર્સ હવા, જમીન અને સમુદ્રમાં ડ્રોન વડે હુમલો કરવા સક્ષમ બનાવવા પર કેન્દ્રિત હશે. આ નવી યુનિટનું નામ ટાસ્ક ફોર્સ ફાલ્કન સ્ટ્રાઇક હશે. તેમા પાયલોટ વગરના વન-વે ડ્રોનનો હુમલો કરવામાં આવશે. આ ડ્રોન અથડાતા જ ફાટી જાય છે. તે સમુદ્રની સપાટી પર, તેના ઉપર કે નીચે કામ કરનારી સિસ્ટમમાં સામેલ થશે. તેમને અમેરિકન લશ્કરના જવાન અને તેમના પ્રાદેશિક સહયોગી ઓપરેટ કરશે.ગુરુવારે આ જાહેરાત સેન્ટ્રલ કમાન્ડ દ્વારા મધ્યપૂર્વમાં અમેરિકન લશ્કરના સૌપ્રથમ ખાસ વનવે એટેક ડ્રોન સ્કવોડ્રન ટાસ્ક ફોર્સ સ્કોર્પિયન સ્ટ્રાઇકને બનાવ્યાના નવ મહિના પછી થઈ છે.
અમેરિકાએ પેસિફિક સ્થિત એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જ્યોર્જ વોશિંગ્ટન મધ્યપૂર્વમાં મોકલ્યું છે. યુએસએસ અબ્રાહમ લિંકન લાંબા સમય સુધી સમુદ્રમાં રહેવાના લીધે તેના પર કામ કરતાં ખલાસીઓમાં માનસિક આરોગ્યના સવાલ સજાાયા છે. આ સિવાય ફૂડ સહિતની સપ્લાયની તકલીફો પણ જોવા મળી રહી છે. જહાજ ૨૪૦ દિવસ કરતાં પણ વધુ સમયથી સમુદ્રમાં છે. ઇરાન સાથેનો સંઘર્ષ લંબાતા આ સ્થિતિ સર્જાઈ છે. આના પગલે ડેમોક્રેટ્સે તરત જ આ સ્થિતિની ચકાસણી કરવાની માંગ કરી છે, જ્યારે પેન્ટાગોને લિંકન જહાજ પરની સ્થિતિનો બચાવ કર્યો છે.