- ઈડીનાં રાજસ્થાન, પંજાબ જેવા રાજ્યોમાં અનેક સ્થળોએ દરોડાં
- મેટ્રીમોનિયલ વેબસાઈટમાં પરિચય વધારીને ડોક્ટર પાસે 37 લાખનું રોકાણ કરાવીને છેતરપિંડી : કંબોડિયાથી નેટવર્ક ચલાવતો આરોપી પકડાયો
નવી દિલ્હી : કંબોડિયા ભારતીય સામે સાઈબર ક્રાઈમનું હબ બની ગયું છે. એક પછી એક ઘણી ઘટનાઓના છેડાં કંબોડિયાના સાઈબર સ્કેમ સેન્ટર્સ સુધી પહોંચે છે. ઈડીએ આ મુદ્દે હવે રાષ્ટ્રવ્યાપી તપાસ શરૂ કરી છે. રાજસ્થાન, પંજાબ જેવા અનેક રાજ્યોમાં ઈડીની ટીમે દરોડા પાડયા હતા. ભારતના સિમકાર્ડનો ઉપયોગ કરીને કરોડોની છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું છે. ડિજિટલ અરેસ્ટથી લઈને નકલી પ્લેટફોર્મ પર રોકાણ કરવા સુધીના કિસ્સા વધતા જાય છે.
ઈડીએ ૨૩ લાખ શંકાસ્પદ સિમકાર્ડનું એનાલિસિસ કર્યું હતું. એમાંથી ૩૬ હજારનો ઉપયોગ કંબોડિયામાંથી થતાં સાઈબર ક્રાઈમમાં થતો હોવાની શક્યતા છે. ઈડીએ ૫૩૦૦ સિમકાર્ડ તો ઓળખી કાઢ્યા છે, જે દેશની સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં સંડોવાયેલા છે. ઈડીએ જુદા જુદા સ્થળોએ દરોડા પાડયા હતા. પંજાબ અને રાજસ્થાનના સાત સ્થળે દરોડાં પાડયા તો એમાં જણાયું કે ભારતમાંથી સિમકાર્ડ એક્ટિવ કરાવીને મલેશિયન નાગરિકોને આપવાનું એક ષડયંત્ર ચાલતું હતું. સર્ચ ઓપરેશનમાં સામે આવ્યું કે રાહુલ કુમાર ઝા, મોહમ્મદ શરીફ, સંદીપ ભટ્ટ વગેરે આ સિમકાર્ડ મોકલવાના કૌભાંડમાં સંડોવાયેલા હતા. કેટલાય વેન્ડર્સ પણ જુદી જુદી કંપનીના સિમકાર્ડ વેચીને કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું છે. હજુ આ ઘટનામાં વધારે ખુલાસા થાય તેવી શક્યતા છે.
કોચીના એક ૩૭ વર્ષના ડોક્ટરને મેટ્રીમોનિયલ વેબસાઈટમાંથી ફસાવાયા હતા. મેટ્રીમોનિટલમાં તેની સાથે પરિચય કેળવીને તેને એક નકલી પ્લેટફોર્મમાં રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ૩૭ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યા પછી જ્યારે ડોક્ટરને ખબર પડી કે એ પ્લેટફોર્મ જ નકલી હતું ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. આ ઘટનામાં કેરળના ૨૪ વર્ષના આરોપી અબ્દુલ રહેમાનની દિલ્હીમાંથી ધરપકડ થઈ હતી. અબ્દુલ રહેમાન ૨૦૨૨થી કંબોડિયાના એક સાઈબર ક્રાઈમ સેન્ટર સાથે જોડાયેલો છે અને તે ત્યાં જઈને કામ પણ કરી ચૂક્યો છે.
તે પછી આખા રેકેટનો પર્દાફાશ થયો હતો. કંબોડિયાથી ભારતીય નાગરિકોને નિશાન બનાવવામાં આવે છે અને ભારતીય સિમકાર્ડનો જ એમાં ઉપયોગ થાય છે એવું બહાર આવ્યું હતું. ભારતના યુવાનોને વિઝિટિંગ વિઝા આપીને થાઈલેન્ડ અને વિએટનામ મોકલવામાં આવે છે અને તેમને સાઈબર ક્રાઈમના સેન્ટર્સમાં નોકરીએ રાખીને આખું ષડયંત્ર રચવામાં આવે છે.


