World

તૈપી રેલવે સ્ટેશનમાં છરીથી હુમલો 3નાં મોત : સ્મોક બોમ્બ પણ ફોડાયો

By GS TEAM
20 Dec 20252 mins read
તૈપી રેલવે સ્ટેશનમાં છરીથી હુમલો 3નાં મોત : સ્મોક બોમ્બ પણ ફોડાયો

- તાઈવાનમાં બનેલી આવી પહેલી હિંસક ઘટના

- હુમલાખોર પછીથી નાસવા જતાં ઉપરના માળેથી પડી ગયો મૃત્યુ પામ્યો : આ હુમલા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી

નવી દિલ્હી : શુક્રવારે સાંજે તૈપીનાં સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉપર એક ગંભીર ઘટના બની ગઇ હતી. જેમાં એક યુવાન છરી સાથે ભીડમાં ધસી ગયો હતો અને એક પછી એકને ઇજાઓ કરતો દોડી ગયો હતો તેના આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ જણાનાં મોત થયાં હતાં. અનેકને ઇજાઓ થઇ હતી. આ હુમલાખોરે ખુલ્લી છરી સાથે ટોળાંમાં ધસી જતાં પહેલાં સ્મોક બોમ્બ ફોડયો હતો. તેના ધડાકા અને ધૂમાડાથી રેલવે સ્ટેશનમાં અફડા તફડી મચી ગઈ હતી. તેમાં આ હુમલાખોરે ધસી જઈ ત્રણની હત્યા કરી નાખી પછી ધુમાડાના ગોટા વચ્ચેથી અન્ડરગ્રાઉન્ડ વૉક વેમાંથી દોડીને માર્ગ ઉપર પહોંચી ગયો હતો.

આ માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે પોલીસ તેની પાછળ પડતાં તે એક મકાનમાં ઘૂસી ગયો અને ઉપલા માળે ચઢી ગયો. પરંતુ પોલીસને આવતી જોઈ પહેલા માળેથી નીચે પડતું મુક્યું. પરિણામે તેને ગંભીર ઇજા માથામાં થઇ હતી. હોસ્પિટલમાં લઇ જતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

હુમલાખોરનું નામ જાહેર નથી કરાયું. માત્ર તેની અટક ચાંગ જાહેર કરાઈ છે. પોલીસ વધુમાં જણાવે છે કે એનો પહેલેથી જ ચાલ્યો આવતો ક્રીમીનલ રેકોર્ડ છે. તેની ઉપર કેટલાએ કેસો ચાલી રહ્યા હતા. તેનાં ઘરની અને જે હોટલમાં તે ઉતર્યો હતો તે હોટેલ રૂમની તપાસ કરતાં કેટલાયે હથિયારો મળી આવ્યાં હતાં.

તાઈવાનીઝ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે હજી તે હુમલાખોરની પાશ્ચાદ ભૂમિકાની તપાસ કરવામાં આવશે. આમ કહેતાં તે અધિકારીએ કહ્યું હતું કે તાઈવાનમાં આવી ઘટના બને તે જ અસામાન્ય છે. છેલ્લાં કેટલાયે વર્ષોમાં બનેલી આ પહેલી ઘટના છે.