ટ્રમ્પના ટેરિફને USના 25 ડેમોક્રેટિક રાજ્યોનો કોર્ટમાં પડકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફોર્સ્ડ લેબરના આધારે ટ્રમ્પે 60 દેશો પર ટેરિફ નાખ્યો
- સુપ્રીમમાં હારેલું ટ્રમ્પ તંત્ર અમેરિકન કારોબારો અને કુટુંબો પાસેથી ગેરકાયદેસર રીતે ટેરિફ ઉઘરાવવા લાગ્યું: ડેમોક્રેટ્સ
- અમેરિકન પ્રમુખને ટેરિફ લાદવાની સત્તા જ નથી તો પછી ટ્રમ્પ કયા આધારે ટેરિફ નાખે છેઃ એટર્ની જનરલ
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટેરિફના બધા પાસા ઊંધા પડી ગયા હોવા છતાં તે ટેરિફ નાખવાનું છોડતા નથી. ટ્રમ્પે ગયા મહિને ૬૦ દેશો પર ફોર્સ લેબરના આધારે ૧૦થી ૧૨.૫ ટકાનો ટેરિફ નાખ્યો છે. આ ટેરિફે ૨૪ જુલાઈએ પૂરા થયેલા ટેરિફનું સ્થાન લીધું છે. હવે ટ્રમ્પના આ પગલાં સામે અમેરિકાના ૨૫ ડેમોક્રેટિક રાજ્યોએ મોરચો માંડતા તેને યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલમાં પડકાર્યો છે.
ટ્રમ્પ તંત્રના ટેરિફની સામે યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં ગયેલા ૨૫ રાજ્યોની દલીલ છે કે આ ટેરિફના કારણે આખા દેશમાં ગ્રાહકો અને કારોબારીઓનો ખર્ચ વધી જશે. ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સ, ગવર્નર કેથી હોચુલ અને ડેમોક્રેટિક સ્ટેટ્સના જોડાણે કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડને જણાવ્યું છે કે આ ટેરિફને ગેરકાયદેસરના જાહેર કરો.
જેમ્સે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં કેસ હાર્યા પછી ટ્રમ્પ તંત્ર ગેરકાયદેસર રીતે અમેરિકન કુટુંબો અને કારોબારો પાસેથી ટેરિફ ઉઘરાવવાનો નવો રાઉન્ડ શરુ કરી રહ્યુ છે. ટ્રમ્પ તંત્ર પાસે ટેરિફ લગાવવાનો કોઈ કાયદાકીય આધાર નથી. રાજ્યોએ ૧૯૭૪ના ટ્રેડ એક્ટની ધારા ૩૦૧ હેઠળ લાગુ કરવામાં આવેલા નવા ટેરિફ સામે સવાલ ઉઠાવ્યા છે. રાજ્યોની દલીલ છે કે એક્ટ ૩૦૧નો ઉપયોગ કોઈ ખાસ દેશ કે કંપનીની નીતિઓની તપાસ માટે થાય છે, બધી જ અમેરિકન આયાત પર એકસાથે ટેરિફ લગાવવા થતો નથી. રાજ્યોએ તે આરોપ પણ લગાવ્યો છે કે સામાન્ય રીતે એક વર્ષમાં પૂરી થતી તપાસ પ્રક્રિયા બેથી અઢી મહિનામાં પૂરી કરી ટ્રમ્પ તંત્રએ ફોર્સ્ડ લેબર એટલે કે બળજબરીથી કરાવાતી મજૂરી રોકવાનો ફક્ત દેખાડો કર્યો છે.
ટ્રમ્પ તંત્રનો દાવો છે કે ટેરિફ તે દેશો પર લગાવવામાં આવ્યો છે જે દેશો ફોર્સ્ડ લેબરથી બનેલા સામાનની નિકાસને રોકવા માટે પૂરતા પગલા ઉઠાવી રહ્યા નથી. જો કે આકરા પગલાં ઉઠાવનારા દેશોને છૂટ પણ મળી હતી. આ પ્રસ્તાવ હેઠળ ભારત પર ૧૨.૫ ટકાનો ટેરિફ લગાવવાની વાત ચાલતી હતી, પછી ઘટાડીને ૧૦ ટકા કરાયો હતો. કેટલીક જરૂરિયાતની વસ્તુઓને ટેરિફની જાળમાંથી બહાર રાખવામાં આવી છે. તેમા ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, ખાતર જેવી ચીજવસ્તુઓ સામેલ છે.
ન્યૂયોર્કના એટર્ની જનરલે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર ટેરિફને ન્યાયી ઠેરવવા ગમે તે દલીલ કરે, પરંતુ કાયદો અને અમારું બંધારણ સ્પષ્ટ કહે છે કે પ્રમુખ પાસે તે ઇચ્છે તેવો ટેરિફ લગાવવાની સત્તા છે જ નહી. ટેરિફ અમેરિકન પ્રજા પર લદાયેલા વેરા છે. કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ જણાવ્યું હતું કે અમેરિકન પ્રજા પ્રમુખની નિષ્ફળતાની અને તેમની ગેરકાયદેસરની આર્થિક નીતિની કિંમત કેમ ચૂકવે, તેનો બોજ કેમ વહન કરે. પછી ભલેને પ્રમુખ તેમની પાસેથી ગમે તેટલું ચ્છતા હોય.
કેસમાં જણાવાયું છે કે આ ટેરિફ કેવી રીતે કોઈપણ પ્રકારના આધાર વગર ઘરની ધોરાજી હાંકે તેમ આડેધડ લગાવાયા છે. આ ટેરિફને વહીવટી તંત્રએ દર્શાવેલા ફોર્સ્ડ લેબરના ધ્યેય સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી.




