World

પાકિસ્તાનમાં ગ્લૂ બનાવતી ફેકટરીમાં બોયલર ફાટતાં 15નાં મોત : મલબાની નીચે કેટલાએ દટાયાની શંકા

By GS TEAM
21 Nov 20251 min read
પાકિસ્તાનમાં ગ્લૂ બનાવતી ફેકટરીમાં બોયલર ફાટતાં 15નાં મોત : મલબાની નીચે કેટલાએ દટાયાની શંકા

- ફૈઝલાબાદમાં આ ફેકટરીનું બોયલર ફાટતાં ફેકટરીનું મકાન તૂટી પડયું તેટલું જ નહીં પરંતુ પાસેની ફેકટરીનું મકાન પણ તૂટી પડયું

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલાં ફૈઝાબાદમાં ગ્લૂ બનાવતી ફેકટરીમાં બોયલર ફાટતાં ૧૫નાં મોત થયાં છે અને અનેકને ઇજાઓ થઇ છે તે ધડાકાથી ફેકટરીનું બિલ્ડીંગ તૂટી પડતાં તેના કાટમાળ નીચે પણ કેટલાયે કામદારો અને ઓફીસ કર્મચારીઓ દબાયા હોવા સંભવ છે.

આ ધડાકો એટલો જોરદાર હતો કે તેની બાજુની ફેકટરીનું મકાન પણ તૂટી પડયું છે. તેમાં કેટલા ફસાયા હશે તે વિષે કોઈ માહિતી મળી શકી નથી.

પશ્ચિમ પંજાબનાં મુખ્ય શહેર લાહોરથી ૧૩૦ કીલો મીટર દૂર આવેલાં ફૈઝલાબાદના ડેપ્યુટી કમીશનર રાજા જહાંગીર અન્વરે જણાવ્યું હતું કે હજી સુધી પ્રાપ્ત માહિતી પ્રમાણે તે દુર્ઘટના બોયલર ફાટવાથી બની હતી તેમાં ૧૫ કામદારોનાં તો સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં. બીજા કેટલાય કાટમાળ નીચે દટાયેલા હશે તેમને બચાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પંજાબના ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ ડૉ. ઉસામ અન્વરે કહ્યું હતું કે બચાવ ટુકડીઓ કાટમાળ દૂર કરવા લાગી છે. હેલ્પલાઈન નંબર પણ અપાઈ ગયા છે. પંજાબનાં મુખ્યમંત્રી મરીયમ નવાઝે ઘેરૃં દુ:ખ વ્યક્ત કરવા સાથે મૃતકોનાં સંબંધીઓને સાંત્વન આપ્યું છે સાથે ફૈઝલાબાદના કમીશનર પાસેથી તે ઘટનાનો સંપૂર્ણ અહેવાલ માગ્યો છે.