જેનું કોઈ નથી, એના તમે થાઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એ જીવ સટોસટનાં સાહસ હતાં, એક ડગ ચૂક્યા કે માથું અને ધડ અલગ
- અમૃતલાલ શેઠ
- અમૃતલાલ શેઠની આંખ ખુલ્લી, અંતર ખુલ્લું. એના પર રજવાડી અન્યાયોના પડઘા પડયા કરે. એકવાર લીંબડીના ન્યાય અમલમાં જ એમનું મન ભારે વ્યથા પામ્યું. એમણે પોતે એક ચુકાદો લખ્યો હતો. યુવરાજે એમાં દખલ કરી. અનીચ્છાએ ચુકાદો ફે૨વવો પડયો. એ ડાઘ અંતરમાં રહી ગયો.
- વતન કરતા હૈ તુમ્હારી બુલંદી કો સલામ,
ચાંદ કરતા હૈ તુમ્હારી કુરબાની કો સલામ.
બાળપણનું મીઠું સ્વર્ગ એટલે લાડકોડ માણવા મળતું મોસાળ. કોઈ પણ ઉંમરે મોસાળની એ સ્મૃતિઓ ઘરડી થતી નથી. હજી આજેય મન વારંવાર મારા મોસાળ રાણપુર ભણી દોરી જાય છે. મોસાળની અનેરી મોહિનીનો અનુભવ સદાય થતો રહે છે. આ રાણપુરમાં બાળપણમાં બેસીને કલ્પના કરતો કે સમગ્ર ભારતનાં રજવાડાં સામે બાથ ભીડનાર એક જમાનામાં સૌરાષ્ટ્ર કાર્યાલય ખડું હતું.
જ્યાં મો૨ કળા કરતા હોય અને કોકિલો ટહુકાર કરતી એ વૃક્ષઘટાઓ આજે તો કપાઈ ગઈ છે ને એક વખતનો મોભાદાર રસ્તો આજે નવસ્ત્રો ખડો છે ને પ્રવૃત્તિથી ધમધમતાં મકાનો, દુકાનો નિર્જીવ લાગે છે, પણ યાદ આવે છે ઈ.સ. ૧૯૩૦. દાંડીકૂચના એ દિવસો.
સમગ્ર ભારતનાં રજવાડાં સામે મોતને મુઠ્ઠીમાં લઈને બાથ ભીડનાર સૌરાષ્ટ્ર કાર્યાલય ખડું હતું અને એનું છાપકામ કરનાર સ્વાધીન મુદ્રણાલય હતું. રજવાડાંની મૂંગી સાત કરોડ પ્રજાની અંતરની વ્યથા અને પીડાના પોકાર રજૂ કરનાર એક સંસ્થા હતી અને રાજસ્થાન પ્રજાપરિષદના નેજા નીચે ગુજરાતના જાણીતા કલમકશો, મશહૂર કાર્યકર્તાઓ, સાહસિક ખબરપત્રીઓ અને ફોટોગ્રાફરો રાત અને દિવસ, પ્રકાશ અને અંધકાર એક કરીને કામ કરતા હતા. આખા દેશનાં અખબારો અને રજવાડાંની ટપાલો અહીં ઠલવાતી. એ ટપાલો વંચાતી અને એમાંથી ટપકતી વેદનાને તરત વાણી મળતી.
કેવી હતી એ વાણી? અજબ ગજબ!
અહીંના રિપોર્ટરો, ખબરપત્રીઓ ને તસવી૨કા૨ો દૂર દૂરના પતિયાલા નરેશના અત્યાચારોના સમાચાર પામતા ને જાતતપાસ માટે ત્યાં દોડી જતા. માથે મોત ભમતું હોય, પણ માહિતી મેળવ્યા વિના પાછા ન ફરતા. રાજાઓ એ વખતે પ્રજાના કંચન અને કામિનીઓના ભર બજારે શિકાર ખેલતા. શ્રીમંતો પાસેથી પૈસા કઢાવવા, પિશાચી અત્યાચારો આચરતા અને રૂપસુંદરી મેળવવા આકાશ-પાતાળ એક કરતા. માણસ મારવો અને માખી મારવી એમને મન સમાન હતી.
રાજાનો શબ્દ એ કાયદો અને એમની મરજી એ પ્રજાનાં જીવન-મોત હતાં. સમર્થ અંગ્રેજીરાજ આની સામે આંખ આડા કાન કરીને બેઠું હતું. પતિયાલાના નરેશના કાળાં કરતૂત ચીતરવા માટે માત્ર કલ્પિત સાથિયા જ નહિ, એના પત્રવ્યવહારો ને કિંમતી કાગળો મહારાજના જનાનખાનામાંથી હાથ કરવામાં આવતા. જીવસટોસટના એ સાહસ હતાં! એક ડગ મૂકવામાં ચૂક કે માથું ને ધડ અલગ!
એવામાં એક નવી ખબર સાંપડે છે. પતિયાલા નરેશ એક નવા રૂપસોદામાં પડયા છે. એક અમલદારની પત્નીના રૂપનું એને ઘેલું લાગ્યું છે. અંગ્રેજ હાકેમ પાસે ફરિયાદ ગઈ છે. એને એકવીસ હજાર આપીને ચૂપ કરવામાં આવે છે. રૂપસુંદરીના પતિ પાસે એકવી૨ હજારની થેલીઓ ખડકાય છે. પતિ પૈસા માટે પત્ની વેચવા માગતો નથી. એની વ્યથા દારૂણ છે! એ વખતે ગુજરાતનો એક પત્રકાર એના પક્ષે ખડો રહે છે. આખું પ્રકરણ અખબારોના પાનાં પર નજરે પડે છે. નરેશના પાસવાનો શકરાબાજની જેમ ચારેકોર ઘૂમી રહે છે. કોણ છે એ બે માથાળો માનવી, જે મહારાજ સામે આંખો માંડીને હિંમતભેર લડી રહ્યો છે.
મહારાજાને ખબર પડે છે કે આ બે માથાળો માનવી દાળ-ભાત ખાનારો ગુજરાતી છે, ત્યારે સામ, દામ, દંડ અને ભેદથી એને હણવા તત્પર બને છે, પણ અણનમ એ ગુજરાતી પત્રકાર. આ પત્રકારના હાથ સબળ હતા. એક વાર વ્યભિચારી અલ્વરનરેશે સૌરાષ્ટ્રની એક સુંદર કન્યા પર નજર નાખી. પત્રકારે એમાં એક કન્યાના જીવનની બદબોઈ જોઈ. એણે ચળવળ ઉપાડી. અલ્વરનરેશ માટે ઇજ્જતનો સવાલ બની ગયો. એણે એક તરફ રૂપિયાનો ઢગલો અને બીજી તરફ ખૂની મારા છૂટા મૂક્યા. એ મારાઓના પગ ઠેઠ રાણપુરની સડક પર ફરી ગયા, પણ અહીં કોઈ ગાફેલ નહોતા.
સૌરાષ્ટ્રના એક સમર્થ રાજવી. પોતાની સત્તાનો અને પોતાની તાકાતનો ભારે ગર્વ રાખે. રોજ રોજ જહાંગીરી ફતવા બહાર પાડે. એવો એક ફતવો તૈયાર થયો. ફતવા પર સહીસિક્કા થયા અને જનાનાના કબાટમાં મૂકાયો. એ ફતવો ત્યાંથી નીકળ્યો. એક ઝડપી મોટ૨માં બેઠો. અમદાવાદ પહોંચ્યો. બ્લોક થયો, છપાયો અને પાછો છુમંતર થઈને હતો ત્યાંનો ત્યાં આવી ગયો.
સવારે એ મહાન રાજવી જાગ્યા, ત્યારે બહાર એમના ફતવા સાથે છપાયેલા એક અખબારનો વધારો વેચાતો હતો. એ મહાન રાજવીને પોતાના રાજ્યમાં કેવી પોકળતા છે એની એ દિવસે ખબર પડી. આજે તો નેત્રયજ્ઞા અને દંતયજ્ઞાની નવાઈ નથી રહી, પણ સમગ્ર ગુજરાતમાં પહેલો નેત્રયજ્ઞા સુરેન્દ્રનગર ખાતે કરનારા આ જ પત્રકાર.
મેધાવી ડો. મથુરદાસને તેડાવેલા. ને ગામેગામથી દર્દીને નોંતરેલા. આ કામ માટે રૂપિયા પંદર હજારની ટેલ નાખી હતી. પાઈ પૈસાથી ફંડ એકઠું કરવાનું હતું. ત્યાં ટપાલમાં રૂપિયા પંદર હજારનો ચેક આવ્યો. મોકલનારે પોતાનું નામ ગુપ્ત રાખવા જણાવેલું, પણ આખરે દાતાની સંમતિથી એ નામ પ્રગટ થયેલું. અને તે હતું મો૨બીનરેશનું.
રે, નરેશોના નાશ માટે તો પોતાના કદમ ઊઠયાં હતાં, ને એક નરેશની આ સહાય. છતાંય કામ વખતે કામ અને લડત વખતે લડત.
આ લડત આપનાર મહાન સાહસિક અને અજોડ એક પત્રકાર એ ભડવીર અમૃતલાલ દલપતભાઈ શેઠ. સૌરાષ્ટ્ર પત્રના તંત્રી, સૌરાષ્ટ્ર સંસ્થાના સ્થાપક અને સંચાલક! મહાન દેશભક્ત સુભાષચંદ્ર બોઝ અંગેના વિસ્તૃત હેવાલો અને જાતમાહિતી બર્મા જઈને મેળવી લાવનાર મહાન દેશભક્ત અમૃતલાલ શેઠ!
આ નામાંકિત સૌરાષ્ટ્ર સંસ્થાના સ્થાપક શેઠ અમૃતલાલ પોતે ૨જવાડી પ્રજા હતા. લીંબડીના જૈન કુટુંબના એ નબીરા. પિતા ધ્રાંગધ્રામાં રાજ્યમાં શિક્ષક, નિવૃત્ત થઈને લીંબડીમાં રહે ને પાંચ રૂપિયા પેન્શન મેળવે! એ પેન્શનરનો પુત્ર અમૃતલાલ! એ ભણ્યો, ગણ્યો ને રાજ્યમાં નોકરીએ રહ્યો. અમૃતલાલ ભારે હોશિયાર, ખૂબ ચાલાક. થોડા વખતમાં એ ચાર-પાંચ હોદ્દા સંભાળવા લાગ્યો. લીંબડી રાજ્યનો ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ એ અને મુન્સફ પણ એ. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ એ અને સબ રજીસ્ટ્રાર એ, અંગત સરી બરવાળા ચોવીશીનું કારભારું પણ એ કરે.
અમૃતલાલની આંખ ખુલ્લી, અંતર ખુલ્લું. એના પર રજવાડી અન્યાયોના પડઘા પડયા કરે. એકવાર લીંબડીના ન્યાય અમલમાં જ એમનું મન ભારે વ્યથા પામ્યું. એમણે પોતે એક ચુકાદો લખ્યો હતો. યુવરાજે એમાં દખલ કરી. અનીચ્છાએ ચુકાદો ફે૨વવો પડયો. એ ડાઘ અંતરમાં રહી ગયો.
રાજકોટમાં ૨હે મનસુખલાલ ૨વજીભાઈ મહેતા. ભારે ધર્મપરાયણ. રાજકોટથી લીંબડી આવ્યા. તેઓ સાથે ચર્ચા થઈ. અમૃતલાલ શેઠે કહ્યું, 'અંગ્રેજો સામે ગાંધીજી લડી રહ્યા છે, પણ રજવાડાની પ્રજાનું કોઈ નથી.'
શ્રી મનસુખભાઈ કહે, 'જેનું કોઈ નહિ તેના તમે થાઓ.' બસ, અમૃતલાલ શેઠને પ્રેરણા મળી ગઈ. એમણે પોતાના કાર્યક્ષેત્ર માટે બ્રિટીશ હદ શોધવા માંડી. લીંબડી અને બોટાદ વચ્ચે આવેલ રાણપુર ગામને પસંદ કર્યું. નક્કી કર્યું કે ત્યાં જઈને એક અખબાર પ્રગટ કરવું. રજવાડી પ્રજા દુઃખને વાચા આપવી. પણ આવા અખબારને પ્રગટ કરે કોણ? જમથી ઝઘડો કોણ કરે? એક પ્રેસ પણ સ્થાપવું. બસ નિર્ણય લેવાઈ ગયો અને રાજીનામું લીંબડી દરબારમાં પેશ થઈ ગયું!
લીંબડી નરેશ દોલતસિંહજીની અમૃતલાલ શેઠ પર અતિ ચાહના. એ પ્રસંગે શેઠના પિતાશ્રી ગુજરી ગયા. લીંબડી નરેશ ખરખરે આવ્યા, ને કહ્યું, 'અમૃતલાલ રાજીનામું મંજૂર નહિ થાય.'
'બાપુ, મારો અટલ નિરધાર છે. દિલના કાળા ડાઘને દૂર કરવાનો મારો નિશ્ચય છે.' ને આખરે સત્તાનો સોનેરી ઝભ્ભો ઉતારી, સેવાનો ભેખ સ્વીકારી એક દિવસ લીંબડી છોડયું.
થોડા કમ્પોઝીટર, થોડા ટાઈપ, નાનું હાથ પ્રેસ ને થોડા મદદનીશો લઈ એ રાણપુર ગામમાં આવ્યા, અહીં ૨વજીભાઈની ચાલીમાં બધું ગોઠવાયું. ઈ.સ. ૧૯૨૧ની રેંટિયા બારસે ગાંધીજયંતિએ બ્રિટિશ હદમાં ગામ રાણપુરમાંથી 'સૌરાષ્ટ્ર સાપ્તાહિક'નો જન્મ થયો. લીંબડાના ઝાડ નીચે તંત્રીએ ગોદડાનાં ટેબલ ઢાળ્યાં, ને વેદનાના અક્ષર ઘુંટાયા. એક રજવાડી ગુલામી સામે. બીજી બ્રિટિશ ગુલામી સામે.
મશીનનાં હાથપૈડાં ચાલ્યા ને એમાંથી જે પ્રચંડ પોકાર ઊઠયા એણે આઝાદીના માર્ગમાં પડેલાં કેટલાય કંટક દૂર કર્યા. સરકારે સૌરાષ્ટ્ર સામે નવેક વર્ષ પ્રતિબંધ મૂક્યો. સૌરાષ્ટ્ર બંધ થયું. રોશની પ્રગટ થયું. રોશનીની રાત નષ્ટ થઈ, તો એમાંથી ફૂલછાબનો જન્મ થયો.
રાણપુરનો નાદ મુંબઈ પહોંચ્યો. જન્મભૂમિ પ્રગટ થયું. 'સન' નામનું અંગ્રેજી અખબાર પણ પીડિતોના આર્તનાદ પ્રગટ કરવા જન્મ્યું! અને કાળક્રમે અંગ્રેજી રાજ્ય ગયું, રજવાડાં વિલીન પામ્યાં. એ અખબારો ગયાં, એ પત્રકાર ગયો. ને આજે માત્ર કાળાં ડામરનો રસ્તો રહી ગયો! એ નિર્જીવ માર્ગ! એ નિઃશબ્દ મકાન! ન મોર અહીં કળા કરે છે, ન કોકિલ ટહુકાર કરે છે.
પ્રસંગકથા
વિવાદ નહીં, ઉકેલ આપો
લશ્કરી જવાનોએ ઘણા લાંબા સમય સુધી પરેડ કરી. પરેડ પૂરી થઈ, ત્યારે બધા થાકીને લોથપોથ થઈ ગયા હતા. એમને કકડીને ભૂખ લાગી હતી.
લશ્કરી ટુકડીના વડાએ બિસ્કીટના ડબ્બાઓ તરફ આંગળી ચીંધીને જવાનોને લશ્કરી જબાનમાં કહ્યું, 'મારા બહાદૂર જવાનો, આ બિસ્કિટના ડબ્બા પર એવી રીતે તૂટી પડો કે જાણે કોઈ ખૂંખાર યુદ્ધમાં દુશ્મન સૈનિકો પર તમે ત્રાટકતા હો.'
લશ્કરી વડાનો હુકમ મળતાં જ ભૂખ્યા જવાનોએ બિસ્કિટના ડબ્બાઓ પર બંને હાથે 'આક્રમણ' કર્યું અને ખાઉધરાની માફક ખાવા લાગ્યા. કેટલાકે પોતાના ગલોફામાં બિસ્કિટો ભરવા માંડયા. બે-ત્રણ જવાનોએ તો એમનાં ખીસ્સામાં બિસ્કિટો ભર્યાં. એટલે લશ્કરી વડાએ તરત જ કહ્યું, 'અરે, તમે આ શું કરો છો?'
'કંઈ નહીં? અમે તો દુશ્મનના સૈનિકોને યુદ્ધકેદી તરીકે પકડીએ છીએ.'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે સોનમ વાંગચૂક અને સીજેપી દ્વારા થયેલા આંદોલનનો સ૨કારે યોગ્ય ઉત્તર વાળ્યો છે. ફરી પરીક્ષામાં પેપર લીક ન થાય તે માટે સઘળી વ્યવસ્થા કરી છે. આમ બધું થાળે પડી ગયું છે, ત્યારે વિરોધપક્ષો હજી એ મુદ્દાને એક યા બીજી રીતે સળગતો રાખે છે અને એક પછી એક નવા વિવાદો ઊભા કરીને આંદોલનને ચાલુ રાખવા પ્રયત્ન કરે છે, પરંતુ હવે વિદ્યાર્થીઓનો સાથ નહીં હોવાથી એ આંદોલન બિસ્કિટના ડબાઓ પરનાં આક્રમણ જેવું બની ગયું છે.
એક બાજુ ચર્ચાની માગ કરે છે અને બીજી બાજુ એ જ વિરોધપક્ષ પાર્લામેન્ટમાં ચર્ચા થવા દેતા નથી. દેશને નક્કર ઉપાયો જોઈએ છીએ. માત્ર વિવાદો, વિરોધો કે વિતંડા નહીં.









