વૈશાલીના મહાવિનાશની ઘટનામાંથી આજે કશો બોધપાઠ લઈશું ખરા?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ગણતંત્રના આમ્રવૃક્ષને બાળી નાખવા માટે પ્રતિસ્પર્ધીઓ સતત મથતા હોય છે
- અચ્છા હોગા યહ દરો-દીવાર કાન રખતે હો,
કિતના રુલાયા હૈ, મુઝે ગમ કી કહાનીઓને.
ગણતંત્ર એ આમ્રવૃક્ષ છે. આમ્રવૃક્ષની પેઠે એનો વિકાસ થતા વર્ષોનાં વર્ષો લાગે છે. હજારો બાવળ વચ્ચે એ ઊગે છે, ત્યારે પ્રતિસ્પર્ધી એને બાળી નાખવા મથે છે.
ગણતંત્રમાં વાવનાર જુદા હોય છે, ને ફળ ખાનાર જુદા હોય છ. રાજા એના રાજ્યને ચારેય દિશામાં ફેલાવે અને એને ખીલવે, કારણ કે એનો વારસો એના રાજકુમારને મળવાનો છે. જ્યારે ગણતંત્રમાં તો આજની ઘડી રળિયામણી, કાલ કોણે દીઠી છે?
આમાં સમજે તો સહુની જવાબદારી છે. જો ન સમજે તો ગણતંત્રનું આમ્રવૃક્ષ મૂળિયામાંથી ધરાશાયી થાય છે.
આજનું બસાઢ એટલે જૂનું વૈશાલી. વૈશાલીનું પંચાયતીરાજ એ ઇતિહાસપ્રસિદ્ધ ઘટના છે. અહીં પ્રજા રાજાને પસંદ કરતી અને રાજા પ્રજાના વિશ્વાસને અનુરૂપ કલ્યાણકાર્ય કરતો.
એક દેશની ઉન્નતિ બીજા દેશના તેજોદ્વેષનું કારણ બને છે. વૈશાલીના ગણતંત્ર પર આજુબાજુનાં રાજ્યો લાલ આંખ કરીને બેઠાં હતાં. એમાંય સામ્રાજ્યવાદમાં માનનાર નરવ્યાઘ્ર મગધપતિ અજાતશત્રુની લાલ આંખ તો સદા એના પર પડેલી જ હતી. ગણતંત્રને ભીતરથી ભય હોય છે, તો એથીયે વિશેષ ભય એકહથ્થુ સત્તા ધરાવનાર રાજવીઓથી ધરાવનારનું હોય છે. ગણતંત્ર તેઓને આંખના કણાની માફક ખૂંચતું હોય છે.
એ જાણતો હતો કે, જો વૈશાલી જીવશે તો મગધમાંથી રાજાનું જડમૂળ નીકળી જશે. જો મગધપતિએ જીવવું હોય તો વૈશાલીના ગણતંત્રનો વિનાશ કર્યે જ છૂટકો! એકનું જીવન એ બીજાનું ઝેર. એકનું ઝેર એ બીજાનું જીવન.
એક વાર મગધપતિ અજાતશત્રુએ ભરી સભામાં ગર્જના કરતાં કહ્યુંઃ
'વૈશાલી ખતરનાક છે. હું એનો એવો વિનાશ કરીશ કે એની ધરતી પર ગધેડાં જોડયા હોય તેવાં હળ ફરશે.'
વૈશાલીના વિખ્યાત યોદ્ધાઓને આ વામણા લોકોની બડાશ લાગી. એના ત૨ફ નજ૨ નાખવાની પણ પરવા ન કરી. જે દિવસે મગધનું સૈન્ય ચડી આવશે, એ દિવસે ચપટીમાં ચોળાઈ જશે. બિચારા મગધના સૈનિકોએ વૈશાલીના લિચ્છવી અને વજ્જિ વીર યોદ્ધાઓ ક્યાં જોયા હતા?
લિચ્છવી યોદ્ધાઓ તો લાકડાની પાટ પર અને લાકડાના ઓશીકે સૂતા. વિદ્યાર્થીજીવન દરમ્યાન સ્ત્રીનું મોં સુઘ્ધાં જોતા નહિ. માતા-પિતા નમાલાં બાળકોને જન્મ આપવાનું ઇચ્છતા નહિ. પૂરી ઊંચાઈવાળા, પુષ્ટ દેહવાળા, તેજસ્વી નેત્ર અને સશક્ત હાથપગવાળા એ મહારથીઓ હતા. સ્વર્ગનાં દેવ-દેવી ભલે ન જોયાં હોય, પણ વૈશાલીનાં આ કુમાર-કુમારિકાને જોયાં હોય તો મન ધરાઈ જાય!
આ મજબૂત જુવાનોએ વૈશાલીની મહત્ત્તા સ્થાપી. એ મહત્તામાંથી વળી સત્તાનો શોખ આવ્યો. જુવાનો વધુ સ્વતંત્ર અને શોખીન બનતા હતા. સુંવાળી તળાઈઓમાં અને સુગંધી પલંગોમાં પોઢવા લાગ્યા. પેય-પાઘ પરના પ્રતિબંધો હળવા કર્યા. વૈશાલીના ગણતંત્રના સૈનિકોને શક્તિના અભિમાને અશક્તિમાન બનાવ્યા.
પહેલાં ફક્ત શસ્ત્રના ભરોસા પર ભયંકર અટવીઓમાં ચાલ્યા જતા. ખૂનખાર વનચરોનો શિકાર કરતા. આમાં મોતને અને એમને હાથવેંતનું છેટું રહેતું અને આમાંથી એ મૃત્યુંજય સર્જાતા. શોભે તેવું પરાક્રમ કરીને યુવાનીમાં જ સ્વર્ગમાં સંચરી જવું એ એમનો શોખ હતો. બુઢાપો વળી પોતાને શું મારે?
વૈશાલીના કુમારોએ ધીરે ધીરે કઠોર વનપર્યટનો છોડી દીધાં; રાજ પાસે મોટાં ગૌચરો અને ઘાસનાં બીડ તૈયાર કરાવ્યાં. મૃગલાં, સાબર અને રોઝ લાવીને પૂર્યાં, અને પછી તેઓના શિકારની મજા માણવા લાગ્યા. કાળિયારનો શિકાર એ એમના શિકારની પરાકાષ્ઠા લેખાવા માંડયો. વાઘના શિકારનાં તો સ્વપ્નો રહ્યાં. હવે એક વાતની તો નિરાંત રહેતી કે તેઓ ગમે તેટલો શિકાર ખેલે, પણ પહેલાંની જેમ જીવનું જોખમ જરાય નહોતું. એક વા૨ મોત જેનાથી ડરતું હતું, તેને હવે મોત ડરાવવા લાગ્યું!
જે લિચ્છવી કુમારો કઠોર વિદ્યાઓની સાધનામાં રત રહેતા, તેઓ હવે નૃત્યગીત અને સંગીત પાછળ ઘેલા થયા. એથીય આગળ વધીને રાજકર્તાઓ નટ અને નર્તકીઓના શોખીન બન્યા. નૃત્ય તો કુમાર અને કુમારિકા સાથે હોય ત્યાં સુધી જ જામે! સૌંદર્યના ઝરણસમી કુમારિકાઓ મેદાને પડી. અગ્નિ ન હોય ત્યાં સુધી ઘી ગરમ કેમ થાય? સ્ત્રી તો પ્રેરણા છે! સ્ત્રી પ્રેરણામૂર્તિ બની પુરુષોની! એના વગર ચેન ન પડે. વિહારમાં એ, ગીતમાં એ, સંગીતમાં એ. સ્વર્ગનું મહત્ત્વ ભુલાઈ ગયું અને વૈશાલી પૃથ્વી પર સ્વર્ગ બની ગયું.
સૌંદર્યોપાસના એ વૈશાલીના કુમારોનો, લિચ્છવી યોદ્ધાઓનો અને વિજ્જ શૂરવીરોનો શોખ બની ગયો. હવે એક પરમ સુંદર કન્યા પાછળ પાંચ-પાંચ અને પચ્ચીસ-પચીસ લિચ્છવી કુમારો હરીફાઈ કરવા લાગ્યા. સમય અને શૂરવીરતાનો ઉપયોગ સૌંદર્ય મેળવવા માટે થવા લાગ્યો.
આ સૌંદર્યને હસ્તગત કરવા માટે રાત-દિવસ મારામારી થવા લાગી. આખરે વૈશાલીના સંથાગાર (રાજભવન)માં ઠરાવ કરવામાં આવ્યો કે જે કન્યા અતિ રૂપાળી હોય એણે લગ્ન ન કરવાં. લગ્ન થશે તો હરીફ યોદ્ધાઓ પરસ્પર કપાઈ મરશે.
અતિ સૌંદર્યવતી કન્યા નગરવધૂ બને. એને જનપદકલ્યાણીનું બિરુદ મળે. એ પોતાના સૌંદર્યથી, નૃત્યથી, ગીતથી સહુનું મનોરંજન કરે. લોકરંજન એ જ એનો જીવનધર્મ. પતંગિયાં પડીને બળી ન મરે એટલા માટે દીવાની આજુબાજુ દીવાલ ચણી લેવાઈ!
ગણતંત્રમાંય રાજા અને સામંતોનું સંગઠિત જૂથ રહેતું. બહુમતીની તલવાર રાજ કરવા લાગી. માણસ દેશ-ધર્મ ભૂલી જૂથ-ધર્મની સેવામાં લાગી ગયો. જૂથ એ જ એનો ભગવાન! બળવાન જૂથે આ 'સૌંદર્યરક્ષણ'નો કાયદો પસાર કરાવી દીધો. કેટલીય રૂપવતી કુમારિકાઓ નગરવધૂ બની ગઈ. આ જનપદ-કલ્યાણીઓની પૂજા થવા લાગી.
ઘરની સ્ત્રી ઘરને ખૂણે બેઠી. જનપદકલ્યાણીમાં આમ્રપાલી અગ્રેસર નીકળી. વૈશાલીનું યૌવન એના પર વારી જવા લાગ્યું. વૈશાલીનું રાજ ગણતંત્રનું. મગધનું રાજ રાજાશાહીનું. રાજાશાહી આ ગણતંત્રની પ્રણાલિકાથી ભયમાં મુકાઈ હતી. વૈશાલીના શિથિલ અને સુંવાળા રાજશાસનનો લાભ લેવા માંડયો. ગણતંત્રના શત્રુઓ વૈશાલીમાં ઠેર ઠેર અડ્ડા નાખવા લાગ્યા. મગધનો રાજા આમ્રપાલીના ઘરમાં રહ્યો. આમ્રપાલી ગર્ભવતી બની.
નગરમાં નૃત્ય-ગીતનો શોખ બેહદ વઘ્યો. સ્ત્રીસૌંદર્યની ઝંખના આપોઆપ જાગી. દેશદેશનાં સૌંદર્ય વૈશાલીમાં આવ્યાં. મગધપતિને ત્યાંથી મગધેશ્વરી નામની ૨મણીય નારી અહીં આવી. પ્રચંડ નાગોને આ સુંદર નાગણે વશ કર્યા. મગધેશ્વરી સેવામૂર્તિ બની ગઈ. ધીરે ધીરે વૈશાલીના એક સંત પર એની મોહિની અસર કરી ગઈ. સંતની સેવા કરીને મગધેશ્વરી વૈશાલીની બની ગઈ. સંત અને સુંદરીની એક ગાંઠ થઈ. મગધેશ્વરી સાધુને લઈને મગધપતિ પાસે ગઈ. આ સમયે મગધનો બ્રાહ્મણ મંત્રી વસ્તકાર વૈશાલીની મુલાકાત લઈને પાછો ફર્યો હતો. એણે કહ્યુંઃ 'કુસંપ કરાવ્યા વગર દેવો પણ વૈશાલીનો નાશ કરી શકે તેમ નથી!''
મગધપતિએ એ કામ સંદેશો લાવનાર બ્રાહ્મણમંત્રી વસ્તકારને સોંપ્યું. મગધના દરબારમાં એક નાટક ભજવાયું. મંત્રી વસ્યકાર પર આરોપ મૂક્યો કે એણે મગધની ખાનગી વાતો વૈશાલીમાં પહોંચાડી છે. એને મગધમાંથી હાંકી કાઢવાનો હુકમ થયો. બ્રાહ્મણમંત્રી વસ્તકાર રોતોકકળતો વૈશાલીના આશરે જઈ રહ્યો. વૈશાલી તો ઉદાર રાજ! મહાન આદર્શોમાં રાચનારું! એણે મંત્રીને આશ્રય આપ્યો. વૈશાલીનો એ બની ગયો.
મગધપતિ અજાતશત્રુ સતત વૈશાલીના વિનાશ પાછળ લાગ્યો હતો. એણે જાણ્યું કે, લોકોને પહેલાં શ્રદ્ધાહીન કરવા જોઈએ. લોકોને એક સ્તૂપમાં શ્રદ્ધા હતી. એ જ્યાં સુધી અખંડ રહે ત્યાં સુધી કોઈ કશું કરી શકે નહિ. મગધપતિએ એ કામ સાધુને માથે નાખ્યું. સાધુ, બ્રાહ્મણ અને સુંદરીની આ ત્રિપુટીએ જગતના મહાન આદર્શસમા રાજ્યના પાયા ધ્રૂજાવવા માટે પોતાનું કામ શરૂ કર્યું. લિચ્છવીના લોકો પૈસાના પિપાસુ ન હતા, પણ યશના ભૂખ્યા હતા. ત્રણે જણાએ એકબીજાં પ્રતિસ્પર્ધી જૂથોને મળીને ચડાવવા માંડયાં. કામ કરનાર કરતાં વાંધા કાઢનાર વી૨ ઠર્યા!
ધીરે ધીરે આખા રાજ્યમાં એટલી કડવાશ પ્રસરી ગઈ કે બે માણસો એક રસ્તા પર શાંતિથી ચાલી ન શકે.
આ વખતે મગધપતિના બે ભાઈઓ પોતાના ભાઈથી રિસાઈને વૈશાલીના આશ્રયે આવ્યા. વૈશાલી તો પરદુઃખભંજન રાજ્ય હતું. એણે બંને મગધકુમારોને આશ્રય આપ્યો. મગધપતિએ પોતાના ગુનેગાર પોતાને હવાલે કરવા કહ્યું.
વૈશાલી એનો સ્વીકાર કરે, તો તો તેની કીર્તિને ઝાંખપ લાગે.
મગધપતિ સેના લઈને ચઢી આવ્યો. આ વખતે ખરેખરી તમન્નાથી લડનારાઓમાં અગ્રેસર એક જ હતો રાષ્ટ્રપતિ ચેટક. એણે જોયું વૈશાલીનાં સૈન્યો વિખવાદમાં પડયાં છે. રાષ્ટ્રપતિ ચેટકે ઘનઘોર યુદ્ધ ખેલ્યું. આખરે એણે જોયું કે વૈશાલીને બચાવવાનો માર્ગ માત્ર આત્મસમર્પણ જ છે. એણે જળસમાધિ લીધી.
વૈશાલીનો મૂર્છિત પ્રાણ જાગી ઊઠયો. બધા એક થઈ ગયા, યુદ્ધને આરંભ્યું.
પણ ઘણું મોડું થયું હતું. વૈશાલી હાર્યું. ગણતંત્રનો પરાજય થયો.
યુદ્ધ રાજાશાહી વિજયી બની. વૈશાલીને સંગઠનનો મહિમા મોડો સમજાયો ને એથી એનો વિનાશ થયો.
પ્રસંગકથા
પાણીમાંથી પોરા કાઢવામાં કાબેલ વિરોધપક્ષ
ગામડાંમાંથી પહેલીવાર દિલ્હી આવેલા સરપંચ મગનલાલે ફાઇવસ્ટાર હૉટલના કાઉન્ટર પરની રિસેપ્શનિસ્ટને અકળાઈને કહ્યું, 'અરે! આ દિલ્હીમાં તો બધા ઠગ લાગે છે! હું આ પહેલાં તાજમહાલ હોટલમાં ગયો હતો અને મારે રહેવા માટે રૂમ જોઈતી હતી. મને કહ્યું કે આઠમા માળે જાવ અને આપને 'મહારાજા રૂમ' મળશે.'
'પછી કેમ રૂમ ન મળી?' રિસેપ્શનિસ્ટે પૂછયું.
'અરે! મને આઠમા માળે લઈ ગયા, પણ જોયું તો રૂમ સાવ નાનકડી. એમાં માથે નાનકડો પંખો, થોડી ઘણી ઝાંખી લાઇટ અને ફર્નિચરનું તો નામનિશાન નહીં. આવી નાનકડી રૂમને 'મહારાજા રૂમ' કહે, તે તો બનાવટ જ કહેવાય! વળી એનું ભાડું તો અધધધ.'
'પછી?'
'પછી શું? હું જેવો આઠમા માળે ગયો, કે તરત જ એ નાનકડી ખોલી જેવી રૂમમાંથી બહાર નીકળી ગયો.'
રિસેપ્શનિસ્ટે કહ્યું, 'આવી રૂમ તો અમારી હોટલમાં પણ છે, પરંતુ અમે એને 'મહારાજા રૂમ' કહેતા નથી.'
'તો તમે વળી એને શું નામ આપ્યું છે?'
'અમે એને 'લિફ્ટ' કહીએ છીએ.'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે વિરોધપક્ષ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાને બદલે શાસકપક્ષના પ્રત્યેક કાર્યોમાં પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરી રહ્યો છું. ભારતે બ્રિક્સ સંમેલન દ્વારા પોતાની આગવી પ્રતિભા ઊભી કરી, ત્યારે વિરોધીઓને એ વાતનું વાંકું પડયું કે બધાને શાકાહારી ભોજન શા માટે પીરસવામાં આવ્યું?
વિશ્વના અગ્રણી દેશોનાં રાજપુરુષો આપણા દેશમાં એકત્ર થાય અને દેશ ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરે તેમ છતાં, પરંતુ કૉંગ્રેસ અને બીજા વિરોધપક્ષો ક્ષુલ્લક બાબતોને લઈને વિરોધ કરી રહ્યા છે. એમને દેશની તરક્કીના બદલે નવા નવા વિરોધો કરવાના વિચારો વધુ સૂઝે છે અને એટલે જ સરપંચ મગનલાલની માફક લિફ્ટને મહારાજા રૂમ માનીને વર્તમાન પરિસ્થિતિનો વિચાર કરે છે. રશિયા, ચીન, ઈરાન અને ભારત જેવા સાવ જુદા જુદા દેશો એક સાથે મળી શકે છે અને ભારતનો એજન્ડા માન્ય રાખે છે, ત્યારે બીજી બાજુ આપણા વિરોધપક્ષો શાસકપક્ષની કૂથલી કરવામાંથી નવરા પડતા નથી.




