મારી આંખોમાં દર્દ હશે, પણ દયાની ભીખ નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અકાળે મ્હોરેલી મંજરી લાંબો સમય પોતાની બહાર છેડી શકતી નથી
જૂઠ હર શખ્સ કા બાજાર મેં બિકતા રહા,
મૈં લિએ સચ કો યૂં હી શામ તક બૈઠા રહા.
એ સમયની વાત છે, જ્યારે ગુજરાતમાં નાટક કંપનીઓનો દબદબો હતો. જૂની રંગભૂમિનાં એ નાટકો પાછળ ગુજરાત આખું ઘેલું બન્યું હતું. એ દિવસો નાટક કંપનીઓના માલિકોના, નાયકોના, ગાયકોના તથા નટ અને વિટના હતા. મોટાં મોટાં શાહી રજવાડાંઓમાં તેઓ સન્માન પામતા. એમના નાટકના ખેલ ભજવાતા. તેમની એકએક અદા પર ભલભલા કુરબાન થઈ જતા. મુંબઈના ભાંગવાડી થિયેટરમાં એક ખેલ ભજવાય. જનતા એ ખેલ પાછળ, એના કવિ પાછળ, એની અદાકારી પાછળ ઘેલી. એમાંય એક નવજુવાન કાન્તાનો વેશ ધારણ કરે, અને ગૃહિણીની અદાથી એવો તો અભિનય કરે કે જોનારા આશ્ચર્યથી મોંમાં આંગળાં નાખી જાય!
એ જુવાનનું નામ શ્યામસુંદર! શ્યામનું રૂપ સુંદરીઓને મોહ પમાડે તેવું. પુરુષો તો આફરીન પોકારે, પણ સ્ત્રીઓ ય ઘેલી બની જાય. એક દિવસ શ્યામ અદાકારી કરતો હતો. એક રજવાડું વિંગમાં બેસી ખેલ જુએ. શ્યામે આજે અદાકારીમાં હદ કરી. પ્રેક્ષકોએ તાળીઓ પર તાળીઓ બજાવીને તેના કામને શાબાશી આપી.
મધ્યવિશ્રાંતિના સમયે નાટક કંપનીનો માલિક શ્યામ પાસે આવ્યો. કહ્યું ઃ 'વિંગમાં પાણી મંગાવે છે. આપી આવ. રજવાડાંનું કામ છે, નીચી નજરે જજે ને નીચી નજરે પાછો વળજે!' સુંદરીના વેશમાં શ્યામ પાણીનો પ્યાલો લઈને વિંગમાં ગયો. જેવો નીચી નજરે ગયો તેવો નીચી નજરે પાછો આવ્યો. તેનાં લાખ-લાખ વખાણ થયાં, પણ એણે હોઠ પણ ફરકાવ્યો નહિ.
પ્રશંસાથી ભલે હોઠનાં પુષ્પ ન હાલ્યાં, પણ શ્યામનાં આંતર-પુષ્પ ખીલી ઊઠયાં. તેણે શેષ ભાગના નાટકમાં જે અદાકારી દાખવી, એ અભૂતપૂર્વ હતી. નાટક કંપનીના માલિકની આંખો આશ્ચર્યમાં ડૂબી ગઈ. અરે! શ્યામ! તારી આત્મમંજરી આમ અકાળે કેમ મહોરી? અને અકાળે મહોરેલી મંજરી મારો અનુભવ છે કે વધુ લાંબો સમય પોતાની બહાર છેડી શકતી નથી! એને કોઈની ને કોઈની નજર લાગી જાય છે. ખેલ પૂરો થયો. રાજાએ નાટક કંપનીના માલિકને ઇનામ સાથે ધન્યવાદ આપતાં કહ્યું, 'શ્યામ મારી દીકરીને સંગીત શીખવવા આવે. કહેશો તે આપીશ.'
નાટક કંપનીના અનુભવી માલિક બોલ્યા, 'હજૂર! આપની આજ્ઞાા શિરોધાર્ય છે, પણ નટની અદાકારી જોવામાં જેટલી મજા છે, એટલી એને અંતઃપુરમાં નિમંત્રવામાં મજા નથી.'
'એટલે તમે શું કહેવા માગો છો? મારી બહેન-દીકરીઓ માથે તમે અપવાદ મૂકો છો? એ બીજા જેવી નબળી નથી.' રાજાના બોલવામાં ક્રોધ હતો! નાટક કંપનીનો માલિક જાણતો હતો કે હમેશાં માબાપના આ ભરોસાથી કે મારી બહેન-દીકરીઓ બીજા જેવી નબળી નથી. એનાથી જ ઊંધા ગણેશ મંડાય છે. પણ હવે જીભ આગળ ચલાવી શકાય તેવું નહોતું. જેવો હુકમ.
શ્યામ અદાકા૨ી સમજાવવા ને સંગીત શીખવવા અંતઃપુરમાં જા-આવ કરવા લાગ્યો અને થોડા વખતમાં ગુલાબકુંવર ને શ્યામસુંદર વચ્ચે કામદેવે તીરસંધાન કરી દીધું! ગીતની ગાથાઓ ભુલાઈ ગઈ. પ્રેમની ગાથાઓ રચાવા લાગી! શ્યામ અને ગુલાબ શીરી-ફરહાદ બની ગયાં.
શ્યામ ભોજકની ભાર્યા ગુજરાતના કોઈ ભૂખડી બારસ ગામડામાં જીવન ગાળી રહી હતી. ભલા, શ્યામને ઘોડિયામાં ૨મતાં રમતાં હાથમાં પકડાવી દીધેલું માટીનું રમકડું સદાકાળ કેમ ગમે? ક્યાં એ મેલુંઘેલું માટીનું રમકડું ને ક્યાં આ સુવર્ણપ્રતિમા! એની એક અલક લટ પર સો સો જાન કુરબાન થઈ શકે! નાટક કંપનીના માલિકે એક દિવસ શ્યામને કહ્યું ઃ 'ભઈલા ચેતજે! કોઈ દિવસ ખોવાઈ ન જા!'
પણ શ્યામ તો ખરેખર એ વખતે ખોવાઈ ગયો હતો. સંસા૨માં પ્રેમી જ એવા છે કે પારકાની શિખામણ માની શકતાં નથી! માનવા જેવી લાગે તો પણ માની શકતાં નથી! ઇશ્ક, મુશ્ક ને ખાંસી કોઈ દિવસ છુપાવ્યાં છુપાતાં નથી. મુશ્ક- કસ્તૂરીની જેમ ઇશ્ક પણ આપોઆપ પ્રગટ થઈ જાય છે. અંતઃપુરમાં પણ આ અણછાજતા પ્રેમની ગંધ પ્રસરી ગઈ. શ્યામ માટે રાજદ્વાર કડેડાટ કરતાં બંધ થયાં! લાલઘૂમ ડોળાએ શ્યામને સરકી જવામાં સાર બતાવ્યો. સાગરની સર્વ ભરતી ચંદ્રને આધારે હોય છે. ચંદ્રવિહોણી સાગરિકા કરમાવા લાગી. ખતની ખુશબોથી ગુલાબ થોડા દિવસ મન મનાવી રહી પણ થોડા વખતમાં ખત ઉપર પણ ચોકીદારી બેઠી!
અને આખરે -
ગુલાબ પોતાના કાંટાથી પોતે વીંધાઈ ગયું. એ પથારીવશ બન્યું. બીમારી લાંબી ચાલી. અંતે હવાફેર માટે એને મોસાળ મોકલવામાં આવી! ગુલાબકુંવરને અહીં ભાનુ અને ભામતી નામની બે હમદર્દ સખીઓ મળી. એમની પાસેથી એણે જાણ્યું કે શ્યામનું ગામ નજીક છે. એણે શ્યામને સંદેશો મોકલ્યો કે રે સલોના! તારી સાગરિકાને મળવા સત્વરે આવ!
શ્યામ પણ મિલન માટે તલપાપડ થઈ રહ્યો, પણ આ તો રજવાડાના કિલ્લા જેવા અંતઃપુર હતાં. પ્રવેશ કઈ રીતે મેળવવો? એણે કહેવડાવ્યું, 'હજારો કોશનો આકરો પંથ ખેડવો આસાન છે, પણ અંતઃપુરનો નાનોશો દરવાજો ઓળંગવો મુશ્કેલ છે.' ગુલાબ ચતુરા હતી. એણે માર્ગ શોધી આપ્યો, ને એક દિવસ ભામતી સાથે શ્યામ સ્ત્રીના વેશમાં અંતઃપુરમાં દાખલ થઈ ગયો! શ્યામની વેશભૂષા એવી હતી કે એના સ્ત્રીત્વનો ઇન્કાર કરવો મુશ્કેલ હતો!
ફરી પ્રેમીઓ સ્વર્ગના હિંડોળે ઝૂલવા લાગ્યાં. રાજકુમારીની તબિયત દિન- પ્રતિદિન સુધરતી જતી ચાલી. મામાએ લખ્યું ઃ 'ગુલાબને હવા-પાણી માફક આવ્યાં છે. થોડો વખત વધુ રહેશે. નિશ્ચિંત રહેજો.' પ્રેમીઓના દિવસો ટૂંકા ને રાત અલ્પ હોય છે. ન જાણે કેટલોય સમય એમ ને એમ આવજામાં અને આનંદમાં વીતી ગયો. ન જાણે કેટલીયે વાર આવ-જા કરી ગઈ.
પણ એક દિવસ ગુલાબ ને શ્યામ પ્રણય કવિતા જીવી રહ્યાં હતાં, કે કમરાની બહાર હો-હા થઈ રહી. અરે! મામાને કંઈક ગંધ લાધી ગઈ હતી અને સ્વયં અંગત માણસો સાથે રાજા તપાસ માટે આવી પહોંચ્યા હતા. હવે શું? મોતનો ઘાટ રચાઈ ગયો. કમરાની બારી કિલ્લાના નીચેના ભાગ પર પડતી હતી. ગુલાબે બારી તરફ નજર અંદાજ કરતાં કહ્યુંઃ
'શ્યામ! રજપૂતી તાકાત છે?'
'જરૂ૨, પ્રેમની તાકાત રજપૂતીથી વિશેષ છે. કહે.'
'તારો તરણોપાય ફક્ત આ બારી વાટે છે.'
'ફિકર નહિ. સીધા રાજાના હાથમાં પડી મોતને વધાવવું એના કરતાં આ રીતે મોતને વરવું શ્રેષ્ઠ છે!' શ્યામે બારી વાટે નીચે કૂદકો માર્યો. પણ બારી ઘણી ઊંચે હતી. પડતાં મોટા અવાજ સાથે ધબાકો થયો. ચોકીદારો સાવધ થઈ ગયા, ત્યાં બારી વાટે રાજાનો રોષભર્યો અવાજ ગાજ્યો,
'પકડો એ કૂતરાને!' શ્યામ સ્ત્રીનાં-વેશમાં આગળ દોડે, પાછળ ચોકીદારો! એ બિચારો કેટલું દોડી શકે અને તેય અગવડભર્યા સ્ત્રીના લેબાસમાં? એ ઝડપાઈ ગયો!
રાજાએ હુકમ કર્યો, 'મારીને ખાડામાં દાટી દો. ઉપર ઘોડા દોડાવો!'
શ્યામને એક ઓરડીમાં પૂરી કાળો માર માર્યો. એક તો ભુસ્કો મારવાથી અંગ ખોખરાં થયાં હતાં. હવે આ નવા મારથી સાવ ખલાસ થઈ ગયાં. એક ઘોડેસવાર એની જીવતી લાશને લઈને અંધારી રાતે દૂર દૂર ફેંકી આવ્યો! શ્યામ સુખે મરવા સગાની લાગવગથી એક જાણીતી હોસ્પિટલમાં દાખલ થયો. એનાં સ્ત્રીથીય રૂપાળાં ને મુલાયમ અંગો લોહીનાં કાળાં ચકામાંથી કદરૂપાં બન્યાં હતાં. એણે પોલીસમાં રિપોર્ટ લખાવ્યો ઃ 'માર્ગમાં ધાડપાડુઓએ આ જુલમ વરસાવ્યો.'
દવાખાનામાં દુઃખ અને વેદનાથી કરાંજતો એ દિવસો સુધી પડી રહ્યો, પણ મોં પર કોઈ અજબ દર્દનું અમૃત એ પીતો હોય તેવો ભાવ હતો. એક દિવસ દવાખાનામા ધમાલ મચી ગઈ. એક મોટા ઘરાનાની રાજકુંવરી દવાખાનાની મુલાકાતે આવતી હતી. તાજેતરમાં જ એનાં લગ્ન રચાયાં હતાં.
દરદીઓના પલંગ પાસે ખુશનુમા ચહેરે ફરતી એ રાજરાણી શ્યામના ખાટલા પાસે આવી. એના હાથમાં ગુલાબ હતું પણ દરદીનો વિવર્ણ ચહેરો જોતાં એનો ચહેરો ફરી ગયો. એની આંખ આંસુથી છલકાઈ ગઈ.
'રે! આ દર્દ!'
'રાણી! સુકુમાર છો. જો જરા પણ ઓશિયાળાં બન્યાં તો કોઈ આશકના દિલની કસમ!'
રાણી સ્વસ્થ બની. એણે એકાંત પ્રાપ્ત કરી કહ્યું ઃ 'શ્યામ! લે આ ઘરેણાં!'
'મેં તને પ્રેમ કર્યો હતો, ઘરેણાંને નહિ.' શ્યામે પોતાની ભાવના પ્રગટ કરી.
'રૂપિયા આપું? ઘરેણાં લેતાં ડરતો હોઈશ.'
'રાણી! દીધા વગર દિલ રહેતું ન હોય તો ડોક્ટરને કહેતી જજે, દરદીની બરાબર સારવાર કરે અને ન બચે તો સારી સ્મશાનક્રિયા કરે! હવે પળભર અહીં ઊભી રહે તો ભગવાનની આણ! ભૂલી જજે. ભૂલવામાં ભલાઈ છે! મારી આંખોમાં દર્દ હશે, પણ દયાની ભિક્ષા નથી. મોજમાં છું. ગુલા…બ….! ..'
રાજકુમારી ચાલી ગઈ! શ્યામનાં અંગો બેડોળ બન્યા હોવાથી કોઈ કંપની મફતમાં રાખવા પણ તૈયાર નથી. એ પોતાના ઘેર પાછો ફર્યો. મનસૂબાભર્યાં વહાણોના બેડાને બૂડેલા નજરે નિહાળી ફકીર બનેલા નાખુદાની જેમ શ્યામ પોતાના જૂના ઘેર આવ્યો, પોતાની પત્નીને પ્યાર કરી રહ્યો, પણ પૈસો પાસે નહોતા. ભારે તંગી અનુભવી રહ્યો. એક દિવસ રાજાનો એક વજીર આવ્યો. કહ્યું ઃ 'શ્યામ! ગુલાબના પ્રેમપત્રો આપ! બે હજાર આપું!'
શ્યામ બોલ્યો, 'ભાઈ! લે, આ ચા પીને જેવો આવ્યો તેવો પાછો જા! મેં તો પ્રેમ કર્યો હતો, વેપાર ખેડયો નહોતો.' વજીર ચા પી રહ્યો, પણ એને બેસ્વાદ લાગી. પૂછયું, 'આ ચામાં શું નાખ્યું છે?'
'વજીર સાહેબ! ઘરમાં ખાંડ ખૂટી ગઈ છે. ખાંડ લાવવાના પૈસા ઘ૨માં નથી. ગોળની ચા છે.'
વજી૨ આ અદાકારના મુખ પર ચમકતા હજાર સિતારાના નૂરને પારખી રહ્યો, 'શાબાશ રે ઇન્સાન!' એનાથી બોલાઈ ગયું.
પ્રસંગકથા
સતત વિવાદો જગાવવા એ જ અમારું કામ
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એક વિશિષ્ટ પ્રદર્શન યોજવામાં આવ્યું. પ્રદર્શન હતું દુનિયાભરનાં દેડકાઓનું!
દરેક દેશ પોતાની ધરતી પર ફરતા દેડકાઓના નમૂના લઈને હાજ૨ થયા. પહેલાં એક અમેરિકન આવ્યો, મોટી પ્લેટમાં દેડકો હતો. પ્લેટ પર કપડું ચુસ્ત રીતે બાંધી દીધું હતું. એકે દેડકો પ્લેટમાંથી કૂદી ન પડે એનો પૂરો ખ્યાલ રાખ્યો હતો.
બીજો બ્રિટનનો દેડકા લાવ્યો. એણે પણ પ્લેટ પર કપડું વીંટાળેલું હતું. એટલા જોશથી કપડું પકડયું હતું કે એકે દેડકો બહાર ન આવે.
ત્રીજો ભારતીય આવ્યો. દેડકા ખુલ્લી પ્લેટમાં લઈને આવ્યો. ન એના પર કપડું વીંટાળ્યું હતું કે ન તો બીજી કોઈ તકેદારી રાખી હતી.
ખુલ્લી પ્લેટમાં દેડકાઓ જોઈને બધા ઊભા થઈ ગયા. બીજા દેશના પ્રતિનિધિઓ કહેવા લાગ્યા, 'અરે! અરે! દેડકાઓને ઢાંકી દો નહીં, તો પ્લેટમાંથી કૂદીને બહાર આવશે.'
ભારતીય નાગરિકના પેટનું પાણી પણ હાલ્યું નહીં. એણે ઠંડે કલેજે કહ્યું, 'તમે ચિંતા ના કરો. અમારે ત્યાં હંમેશા ઉપરવાળાનો પગ નીચેવાળા ખેંચતા હોય છે. આથી પ્લેટ ખુલ્લી હોય તો પણ એકે દેડકો બહાર કૂદી પડશે નહીં!'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણા દેશમાં વિષય પર સતત વિવાદ ચાલતો હોય છે. ક્યાંક એક ધર્મ બીજા ધર્મ સામે બાંયો ચઢાવતો હોય છે, તો ક્યાંક એક પક્ષ બીજાની સામે બોલાચાલીથી ગાળાગાળી સુધી પહોંચી જતો હોય છે. ક્યારેક સામાજિક બાબતોમાં જૂથો સામસામે આવી જતા હોય છે, તો ક્યારેક જ્ઞાાતિઓની સાઠમારી થતી હોય છે.
એક જ ધર્મ, એક જ પંથ કે એક જ વ્યક્તિને માનનારાઓ વચ્ચે પણ ગજગ્રાહ ચાલ્યા કરતો હોય છે. આપણો દેશ ભલે ક્રિકેટ અને હોકી જેવી રમતો ખેલતો હોય, પરંતુ દેશમાં સૌથી મોટી ૨મત તો એકબીજાના ટાંટિયાં ખેંચની ચાલે છે. દેશ આખો વિવાદથી ઘેરાયેલો છે. પરસ્પર સામેના આક્ષેપોમાં બધા ગળાડૂબ હોય છે, ત્યાં દેશની પ્રગતિ કે વિકાસની વાત ક્યાં કરવી!









