હે શ્યામસુંદર! જેમ અસલનો તેં સ્વીકાર કર્યો, એમ નકલનો પણ સ્વીકાર કર...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એ સમયે કવિરાજ જયદેવની કીર્તિ સર્વોચ્ચ શિખર પર બિરાજમાન હતી. આર્યાવર્તના કોઈ કવિને ન લાધી હોય તેટલી નામના તેમને વરી ચૂકી હતી. મહાકવિ જયદેવ રચિત 'ગીતગોવિંદ' ભારતના એક છેડાથી બીજા છેડા સુધી ગવાતું હતું અને પ્રભુપ્રેમથી છલોછલ આ કૃતિએ અનેકને એના દીવાના બનાવ્યા હતા. દીવાના બન્યા વિના અંતરનો દેવ મળે પણ ક્યાંથી?
પરંતુ બીજી બાજુ પંડિતરત્ન તરીકે પ્રસિદ્ધ એવા રાજા સાત્ત્વિકરાયે કહ્યું કે, 'ગીતગોવિંદ એ તો એમની પોતાની મૌલિક રચના છે. કવિ રાજરાજેશ્વર જયદેવે તો એમાંથી ચોરી કરી છે. એણે કીર્તિ અને કાંચન રળવા માટે કાવતરું કર્યું છે. મારા દરબારના પંડિત ગોવર્ધન મારા કાવ્યની પ્રત લઈને આપની પાસે આવી રહ્યા છે! આમ મહાકવિ જયદેવ ૫૨ મોટું આળ મુકાયું.'
જયદેવ પર અનરાધાર સ્નેહ વરસાવતા મહારાજ લક્ષ્મણસેને મહાકવિને કહ્યું, 'રાજા ન્યાયાસનને વફાદાર રહેવા બંધાયેલો છે. ત્યાં એને કોઈ પિતા નથી, પુત્ર નથી, મિત્ર નથી અને એને ન્યાય સિવાય બીજું કોઈ પ્રિય નથી. એક બાજુ જગન્નાથપુરીના રાજા સાત્ત્વિકરાય કહે છે કે, 'ગીતગોવિંદ એ મારી કૃતિ છે અને મહાકવિ તમે કહો છો કે આ તમારી રચના છે. હવે મારે ન્યાય કરવો પડશે.'
મહાકવિ જયદેવે કહ્યું, 'રાજન! સુખેથી તમારો ધર્મ બજાવો. હરિ જે કરતો હશે તે સારા માટે જ. સંપદ કે વિપદમાં વૈષ્ણવજન અશ્રદ્ધાવંત ન હોય.'
છેવટે નક્કી થયું કે ભગવાન જગન્નાથના દરબારમાં બંને 'ગીતગોવિંદ' પધરાવવા. ભગવાન જેનો સ્વીકાર કરે તે સાચું, જેનો સ્વીકાર ન કરે તે ખોટું. કવિ જયદેવે નિર્ણય મંજૂર રાખ્યો અને રાજા સાત્ત્વિકરાયને પણ આની જાણ કરી અને આવવા માટે નિમંત્રણ મોકલ્યું.
એક હાથી પર મહાકવિ જયદેવ વિરચિત 'ગીતગોવિંદ' અને રાજા સાત્ત્વિકરાય રચિત 'ગીતગોવિંદ' મૂકવામાં આવ્યા. માનવી માત્ર જ્યારે ન્યાય કરવાને અપંગ બન્યો હતો, ત્યારે ઈશ્વરી ન્યાયને નિમંત્ર્યો હતો.
'હે પ્રભુ! તારી લીલા પણ અકળ છે.' એમ કહી મહાકવિએ નમન કર્યું અને થોડી વારમાં તો રાજા સાત્ત્વિકરાય આવી પહોંચ્યા. પહેલાં તો ન્યાય આપવાની મહારાજ લક્ષ્મણસેનની આ નવી રીત સાંભળી એમને ભારે હસવું આવી ગયું, પણ પછી વિચાર્યું કે, 'ચાલો, આ પણ એક નાટક જોવા મળશે.'
નગરનાં રસ્તાઓ પર માનવમેદની ઉભરાઈ ગઈ. યાત્રાળુઓ, પૂજારીઓ, સેવકગણોને દેવ પરિચારિકાઓ પોતાના રંગબેરંગી પોશાકથી વાતાવરણને સુશોભિત બનાવતા હતા.
રાજા સાત્ત્વિકરાયે જયદેવને જોયા અને એમની આંખો લાલઘૂમ થઈ ગઈ, પણ મહાકવિ જયદેવ તો શાંતિથી મંદ મંદ હાસ્ય કરી રહ્યા હતા, એમની મુદ્રામાંથી પ્રેમ વરસતો હતો. પ્રતિસ્પર્ધાનું એકાદ આછું કિરણ પણ એમના ચહેરા પર દેખાતું નહોતું.
ઘૃણાથી ભરેલું રાજા સાત્ત્વિકરાયનું હૃદય દ્રવી જવા લાગ્યું. માંડ માંડ એમણે સ્વસ્થતા મેળવી. મુખ આડુ ફેરવ્યું, ત્યાં તો કવિ જયદેવ સ્વયં આગળ આવીને બોલ્યા, 'રાજાજી, અભિનંદન.'
રાજાએ મહામહેનતે હૃદય કબજે રાખ્યું. રખેને રોષ ઓગળી જાય!
આચાર્ય ગોવર્ધને રાજા સાત્ત્વિકરાયને મજાક કરતા કહ્યું, 'આ તે ન્યાયનો કેવો નવો માર્ગ શોધી કાઢયો છે લક્ષ્મણસેને? જયદેવ આવ્યા પછી રાજાના મનમાં કંઈક નવું જ ભૂત ભરાયું છે. જયદેવ તો કહે છે કે, 'મારું કાવ્ય ભગવાને લખ્યું, તો કહેશે કે હા, પણ આ તે સતયુગ ઓછો છે કે હા પાડો અને ભગવાન દોડતા આવે, આ તો હળાહળ કળયુગ. પણ ખેર, આ નાટક ભજવાઈ જશે પછી રાજાનું ભેજું ઠેકાણે આવશે.
સાયંકાળ થતા થતા જગન્નાથપુરીનું મહામંદિર માનવસમૂહથી ભરાઈ ગયું. સમય થતાં વાજતેગાજતે ગૌડેશ્વર લક્ષ્મણસેનની સવારી આવી પહોંચી. કવિરાજ જયદેવે પોતાના બે હાથમાં પોતાના કાવ્યની પ્રત ધારી હતી. રાજા સાત્ત્વિકરાયના પંડિતરાજે પણ પોતાના હાથમાં રાજાજીની પ્રત રાખી હતી.
બંનેએ મહામંદિરના ગર્ભદ્વારમાં પ્રવેશી એક રૂપાના બાજોઠ પર પોતપોતાની કૃતિ મૂકી દીધી. પાસે જ સોનાની ધૂપદાનીઓમાંથી સુગંધી ધૂપ ગૂંચળાં વાળતો ઊંચો ચઢતો હતો. સુંદર દીપમાળાઓથી ગર્ભગૃહ ઓપી રહ્યું હતું. ભગવાન જગન્નાથથી મૂર્તિ જાણે મંદમંદ હાસ્ય કરતી હોય, એમ એના ચહેરા પર આછું તેજ ઢોળાઈ રહ્યું હતું.
'હે ગોવર્ધનધારી, ગોવર્ધન પર્વતનો ભાર ઉઠાવી એક દિવસ ભક્તોની ભીડ ભાંગી હતી. એ દિવસો પણ નથી વીસર્યા, કે આ જ ભૂમિ પર તેં મારા કાવ્યનો સ્વીકાર કર્યો હતો. પુનઃ ઘણે દિવસે આજ તારા ક્ષુદ્રાતિક્ષુદ્ર ભક્તને તારી જરૂ૨ પડી છે. તારું કાવ્ય છે, ને તને પસંદ હોય તો તારા હૈયે ધારણ કરજે! હે વહાલા, વિલંબ ન કરતો, નહીં તો આ કાવ્ય સાથે તારો કવિ પણ સમુદ્રમાં સમાધિ લેશે.'
રાજા સાત્ત્વિકરાયે નમન કરીને કહ્યુંઃ 'હે પ્રભુ, સામાન્ય માનવીને નિર્ણય ક૨વા યોગ્ય વિષયમાં તને વૈકુંઠમાં સાદ દેવો શોભતો નથી. પણ જ્યારે સહુએ એવી જ ધારણા રાખી છે, તો અસલ ને નકલ બંનેને પારખી લેજે, ને તેનો સ્વીકાર કરજે!'
'જય ગોવર્ધનધારી!' બધેથી પોકાર પડયો. કવિ અને રાજા બંને બહાર નીકળી ગયા. મહારાજ લક્ષ્મણસેનની આજ્ઞાા મુજબ મહામાત્ય ઉમાપતિ ગર્ભગૃહનો ખૂણેખૂણો જોઈ વળ્યા, ને દ્વાર બંધ કરવા આજ્ઞાા આપી. સહુ શાંત ચિત્તે બહા૨ અંજલિ જોડીને ઊભા રહ્યા. સમય પસાર થવા લાગ્યો. સહુની ઉત્કંઠાનો પાર નહોતો. પંડિતો એકબીજાનાં મોં નીરખી આંખમીંચામણાં કરતા હતા. મહારાજ લક્ષ્મણસેન તો પ્રભુધ્યાનમાં લયલીન બની ગયા હતા. કવિરાજ આંખ મીંચીને ખડા હતા. 'હડહડતા કળિયુગમાં આ વળી નવું નાટક! અરે, ભાઈ! દેવ ગયા ડુંગરે ને પીર ગયા મક્કે. ખાલી આ માથાકૂટ!'
તો કોઈ કહે, 'રાજા એ રાજા, બ્રાહ્મણ એ બ્રાહ્મણ. અરે, એણે પોતાનું કાવ્ય મહારાજાના નામથી લખ્યું હોત તો ભવની ભૂખ ભાંગી જાતને? મોટા મોટા કવિઓ પણ પોતે લખી લખીને રાજાના નામે ચઢાવે છે. અરે ભાઈ, રાજાનો વિદ્વત્તાનો શોખ પૂરો થાય ને પંડિતનું કામ પણ થાય.'
વખત વીતતો ચાલ્યો, એમ વિધવિધ ચર્ચાઓનાં પૂર ફાટી નીકળ્યાં. કોઈ કંઈ તો કોઈ કંઈ. પણ મહારાજ અડગ હતા. ધીરેથી આચાર્ય ગોવર્ધન શર્માએ કહ્યું ઃ 'દ્વાર ઉઘાડીએ?'
'ના, કંઈ પણ દૈવી સંજ્ઞાા થયા વગર નહીં.'
'પણ પગે પાણી ઊતર્યાં.' રાજા સાત્ત્વિકરાયથી બોલાઈ ગયું. ગૌડેશ્વર લક્ષ્મણસેન મહારાજના ચહેરા પર અણગમો દર્શાવતી બે રેખાઓ ત૨વ૨ી ઊઠી. એમણે ન બોલ્યામાં નવ ગુણ માન્યો. માનવમેદની નિષ્ક્રિય ઊભી રહેવાથી કંટાળી હતી. 'મહામંદિરની એકાદ દાસીનાં નૃત્યગાન તો થવા દો. વખત તો નીકળે!'
અચાનક ગર્ભગૃહમાં ઘંટારવ થતો સંભળાયો, આરતીની ઝાલર બજતી કર્ણગોચર થઈ.
જય વૃંદાવનવિહારી! - કવિરાજે ગર્જના કરી. ભક્તસમુદાય ગર્જી ઊઠયોઃ 'જય ગોવર્ધનધારી!'
ગૌડેશ્વર લક્ષ્મણસેને દોડીને દરવાજા ખોલી નાખ્યા. સહુની નજર ભગવાન ગૌવર્ધનધારીના હૃદય પર પડી. ત્યાં મહાકવિ જયદેવનું રચેલું કાવ્ય બિરાજમાન હતું, ને રાજાનું કાવ્ય બાજોઠ પરથી નીચે પડયું હતું.
'જય હો કવિરાજરાજેશ્વર જયદેવનો!' મહારાજ લક્ષ્મણસેને તો કવિના ચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા, ને પછી બાથમાં તેડીને ભગવાનના દરબારમાં નાચ્યા. પંડિતરાજ શરણદેવ, મહાકવિ ધોયી, કવિવર ઉમાપતિ બધાએ મહારાજનું અનુકરણ કર્યું. આચાર્ય ગોવર્ધન શર્મા તો લળી લળીને નમસ્કાર કરી રહ્યા હતા. રાજા સાત્ત્વિકરાયની સ્થિતિ વિચિત્ર હતી. ચારે તરફની મેદનીમાંથી ભાતભાતના પડકાર સંભળાતા હતા ઃ
'પાપીના પાપને ભગવાને પણ ખુલ્લું કર્યું. એણે અનેક વિદ્વાનોની વિદ્વત્તાને પોતાની બનાવી છે, ને બિચારાઓને નામશેષ કર્યા છે.'
'આખરે શેરને માથે સવા શેર મળ્યો. વગર જ્ઞાાનના વિદ્વાનની બીજી શી દશા થાય?' લોકાપવાદથી રાજા સાત્ત્વિકરાય વ્યાકુળ બની ગયો. એનાથી આ આક્ષેપો અસહ્ય બન્યા. આવી અપકીર્તિથી જીવવું એના કરતાં આપઘાત શો ખોટો? અને રાજમહેલના એકાદ ખૂણે ગળે ચીપ દઈ ગૂંગળાઈને મરવું એના કરતાં ભગવાનનો આ દરબાર શો ખોટો?
રાજા ગર્ભગૃહમાં ધસ્યો. એણે સાષ્ટાંગ પ્રણિપાત કર્યા ને પછી ઘૂંટણિયે થઈ પોતાની કટાર કાઢી. દીપમાળાઓના તેજમાં એ ઝળાંહળાં થઈ રહી. 'શાંતમ્ પાપમ્, રાજન્! આ દીવાનાપણું?' ગૌડેશ્વર લક્ષ્મણસેને હાથ પકડી લીધો.
'મહારાજ, મને મરવા દો, મરવામાં જ મારી મહત્તા છે.'
'શા માટે મરવું પડે, રાજન્? તમે કંઈ અપરાધ નથી કર્યો, ભગવાનના ગુણ ગાયા છે. ભગવાન તમારા કાવ્યને શા માટે નહીં સ્વીકારે?'
'શું મારું કાવ્ય સ્વીકારશે?'
'અવશ્ય.' કવિરાજ જયદેવજી ભગવાન તરફ ફર્યા ને હાથ જોડી આજીજી કરતાં બોલ્યા ઃ 'હે શ્યામસુંદર! અસલનો તેં સ્વીકાર કર્યો, એમ નકલનો પણ સ્વીકાર કર! નિંદા વાટે પણ તને સમ૨ના૨ને તું તારે છે, તો આ તો તારો ભક્ત છે. તારા જ ગુણનું કાવ્ય છે, સ્વીકારી લે, મારા નાથ!'
'તથાસ્તુ!' ગુંબજમાં પડઘો પડયો ને અજબ રીતે નીચે પડેલી પ્રત ભગવાનના ચરણ પાસે પહોંચી ગઈ.
ફરીથી ઘંટારવ બજી ઊઠયો. રાજા સાત્ત્વિકરાય મહાકવિ જયદેવના ચરણમાં પડયો.









