'જરાવા'ના ડોક્ટરે આખી જનજાતિને જીવલેણ રોગમાંથી ઉગારી લીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઝેરી તીરથી મારશો નહીં, હું તો જીવનનું અમૃત આપવા આવ્યો છું
ડો. રતન ચંદ્ર કર
હર તરફ તેરે હી અહેસાસ કી મહફિલ સજી રહી, હમ ઉસી રોશની મેં ચુપચાપ જલતે રહે રાત ભર.
'બહુરત્ના વસુંધરા' જેવી આ દુનિયામાં ક્યાં ક્યાં, કેવાં રત્નો ઝળકી રહ્યાં છે! માનવસેવાની સૌથી વધુ તક તો તબીબી વ્યવસાયમાં મળે, પરંતુ કેટલાંક એવાય તબીબો છે કે જે માનવસેવા ઉપરાંત પારાવાર મુશ્કેલીઓ સહન કરીને વનવાસી, આદિવાસી પ્રજાનો વિશ્વાસ મેળવે છે અને પછી એ વિશ્વાસના પાયા પર માનવતાની પ્રેરણાદાયી ઇમારત રચે છે.
૧૯૫૪ની ચોથી મેએ પશ્ચિમ બંગાળમાં જન્મેલા ડો. રતન ચંદ્ર કરે ફિઝિશિયન અને આરોગ્ય અધિકારી છે. કોલકાતામાં એમણે એમબીબીએસની પદવી હાંસલ કરી અને પછી એમણે નજર કરી માનવસેવા પર. નાગાલેન્ડના સરકારી ખાતા દ્વારા કોન્યાક નામની જનજાતિમાં જઈને સ્વાસ્થ્યની સારવાર આપી અને એ પછી આદિવાસીઓમાં કામગીરી કરી હોવાના અનુભવે એમની નિમણુક આંદામાન અને નિકોબાર ટાપુઓમાં થઈ. આદિવાસી પ્રજાની રગેરગને ઓળખતા આ તબીબે પહેલા પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાનું કાર્ય કર્યું.
આંદામાનની છ જનજાતિઓમાંથી પાંચ જનજાતિનો પુરાણો ઇતિહાસ છે અને એમાંની એક જનજાતિ તે જરાવા જનજાતિ છે. સરકારના 'હેલ્થ એન્ડ ફેમિલી વેલફે૨' દ્વારા એમના આરોગ્યની સંભાળ લેવાનું ડો. કરેને સોંપવામાં આવ્યું. આ જરાવા જાતિમાં તબીબી સેવા માટે પ્રવેશ ક૨વો એ લોઢાનાં ચણા ચાવવા જેવું હતું. પોતાની જાતિ સિવાયની કોઈ પણ વ્યક્તિને જંગલમાં આવતા કે અહીં-તહીં ઘૂમતા જુએ તો એના પર તીર-કામઠાંથી હુમલો કરતા. વળી, એ તીરના આગળના ભાગમાં ઝેર લગાડતા હતા. આવી પ્રજાની તબીબી સારવાર કરવાની કલ્પના કરવી એ પણ જોખમી હતી.
આંદામાન ટાપુઓની આ જરાવા જાતિ મધ્ય અને દક્ષિણ આંદામાન ટાપુઓમાં વસતી હતી. ડો. રતન ચંદ્ર કરે માટે સૌથી મોટી સમસ્યા આ લોકોની તબીબી સારવાર કરવાની નહોતી, પરંતુ એમની સાથે હળીભળીને એમનો વિશ્વાસ જીતવાની હતી. એક ડોક્ટર તરીકે આ ઘણું કપરું કામ હતું, પરંતુ ૧૯૯૮માં એમણે મધ્ય આંદામાનના કદમતલા વિસ્તારમાં નિયુક્ત કરવામાં આવ્યા, ત્યારે એમને કોઈ સાથી કે સંગાથી નહોતું. જ્યાં બહા૨ની વ્યક્તિઓનો પ્રવેશ જ નિષિદ્ધ હોય, ત્યાં વળી એમને મળવાની વાત ક્યાંથી થઈ શકે?
ડો. કરે એક જુદી માટીના માનવી હતા. એમણે આ લોકો પાસે જવા માટે બળનો કોઈ પ્રયોગ કર્યો નહીં, કોઈ સરકારી દબાણ લાવ્યા નહીં, બલ્કે એમાંના એક થવા માટે એમણે સૌથી પહેલાં આ જનજાતિની ભાષાનો અભ્યાસ કર્યો. ભાષા દ્વારા મનોભાવ સમજ્યા, હવે એમની જીવનપદ્ધતિ જાણવી હતી. એમની સાથે ભળીને જીવનશૈલીની ઓળખ મેળવી. એમના રિવાજોની જાણકારી પ્રાપ્ત કરી અને ધીરે ધીરે આ આદિવાસી સંસ્કૃતિનો આદરપૂર્વક અભ્યાસ કર્યો. આની પાછળ સતત પાંચેક મહિના સુધી ડો. રતન ચંદ્ર કરે પુરુષાર્થ કર્યો.
પોતે આવ્યા હતા તો સેવા કરવા માટે અને એમણે જોયું પણ ખરું કે બીજા લોકો સાથે આ જાતિના લોકો ભળવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે એ બહા૨ી સંસ્કૃતિની સાથોસાથ કેટલાંક બાહરી રોગોને પણ નિમંત્રણ મળતું હતું! એક અર્થમાં કહીએ તો 'સિવિલાઇઝેશન'ની ભેટ રૂપે આ તંદુરસ્ત પ્રજાને જુદા પ્રકારના રોગચાળાનો ભોગ બનવું પડયું. ઓરી, ગાલપચોળિયું અને હિપેટાઇટીસ-ઈની બીમારી એટલી બધી ફેલાઈ ગઈ કે જેની કલ્પના કરવી મુશ્કેલ બની.
વળી, આ આદિવાસીઓ પાસે આવા રોગો સામે કોઈ રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) નહોતી. પરિણામે આવા રોગોનાં એ શિકાર બનવા લાગ્યા. આ પૂર્વે ડો. કરે જ્યારે આ પ્રજાની પહેલી વાર મુલાકાત લીધી હતી, ત્યારે તો એમણે જોયું હતું કે આ આદિવાસીઓ મજબૂત બાંધાનાં અને સ્વસ્થ હતા. એથીયે વધારે આંદામાનની બીજી જનજાતિઓ કરતાંય વધુ તંદુરસ્ત હતા. એમને ઓબેસિટી, માનસિક બીમારી કે હૃદયરોગની બીમારીઓનો કશોય ખ્યાલ નહોતો. એક અર્થમાં કહીએ તો આ બધી બીમારીઓથી આ પ્રજા સર્વથા અજાણ હતી.
મોટેભાગે કોઈ જીવડું કરડી જાય, ચામડી પર થોડો સોજો આવે અથવા તો મગર ધસી આવતા ઘાયલ થયા હોય એવી સામાન્ય બીમારીઓથી પરિચિત હતા અને એના ઉપાય રૂપે આ પ્રજા પાસે એલમ નામનો એક પાવડર હતો, જેનાથી તેઓ પોતાની સારવાર કરતા હતા, પરંતુ ૧૯૯૯માં જલાવા સમુદાયમાં ઓરીનો ગંભીર રોગ ફાટી નીકળ્યો. ઓછામાં ઓછા ૧૦૮ લોકો ચેપગ્રસ્ત બન્યા અને જરાવા જનજાતિના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું.
આને કારણે ડો. કરને ઘરોમાં પ્રવેશ મળ્યો. તેઓ આ જનજાતિને ઉગારવા માટે રાત-દિવસ એક કરવા લાગ્યા. આરંભમાં પંદરથી વીસ જેટલાં દર્દીઓને એ શોધી કાઢતા અને એમની ચિકિત્સા કરતા, પરંતુ ધીરે ધીરે આ રોગચાળો વધતો ગયો તેમ તેમ એની સંખ્યા ચાલીસ દર્દીઓ સુધી પહોંચી ગઈ. એકસોથી વધુ જરાવા દર્દીઓને દાખલ કરીને એમની સા૨વા૨ કરી અને બન્યું એવું કે હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ દર્દીઓ સ્વસ્થ બનીને પાછા આવ્યા.
આદિવાસીઓને આ ડોક્ટ૨માં કોઈ સહાયક દેવદૂત દેખાયો. વળી, આ ડોક્ટરનો અભિગમ પણ અનોખો હતો. એમણે જરાવા લોકોની પરંપરાગત ઔષધીય પદ્ધતિની હાંસી ઉડાવી નહીં, બલ્કે એમને સમજાવ્યું કે તમારી પાસે પ્રાચીન જ્ઞાાન છે એ તમારી ઘણી મોટી સંપત્તિ છે. એની સાથે તમે આધુનિક દવાઓનો ઉપયોગ કરો તો ઝડપથી સાજા થઈ જશો. આમ એમના સંવેદનશીલ અભિગમથી જરાવા લોકોનો વિશ્વાસ સંપાદન કરી શક્યા.
આ જરાવા લોકોને માટે હોસ્પિટલ એ એક અત્યંત ભયાવહ અને કાળમુખી જગા હતી. આથી ડો. કરે કદમતલા હોસ્પિટલમાં ખાસ જરાવા વોર્ડ બનાવ્યો. જેથી આ જનજાતિના લોકોને કશું અજાણ્યું, અળખામણું કે ભયપ્રદ લાગે નહીં. એમણે આ જરાવા વોર્ડમાં વાંસ, ઘાસ અને લાકડાંનો ઉપયોગ કરીને સરસ મજાની ઝૂંપડીઓ જેવું વાતાવરણ ઊભું કર્યું. સામુહિક અગ્નિકુંડ અને એમની જીવનશૈલીને અનુરૂપ સુવિધાઓ ગોઠવવામાં આવી. અનાવશ્યક બહારના લોકોના પ્રવેશ પર નિયંત્રણ મુકવામાં આવ્યું.
પરંતુ આ તબીબનું કામ વાતાનુકૂલિત હોસ્પિટલના ખંડોમાં સમાયેલું નહોતું. તેઓ તો આ ટાપુના ઘનઘોર જંગલોમાં ફરતા હતા. કોઈક બીમારની જાણ થાય તો એને મળવા માટે લાંબા અંતર સુધી પગપાળા ચાલીને જતા હતા. એમનાં ગામોમાં જઈને એમની સાથે મિત્રતા કેળવી અને આને પરિણામે જ જરાવા લોકો આ ડોક્ટરને પોતાના પરિવારજન માનવા લાગ્યા. શરૂઆતમાં તો વર્ષો સુધી એમણે ઘાસની ઝૂંપડીવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને સારવાર આપતા હતા. ડો. કરના પ્રયત્નોથી જરાવા સમુદાયનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો અને પરિણામે સમયસર આરોગ્યસેવાઓ પણ મળવા લાગી.
આમ, ડો. કરના જીવન પરથી ખ્યાલ આવે છે કે સાચી સેવા માટે માત્ર ભાવના જ પૂરતી નથી, પરંતુ તેને સાકાર કરવા માટે મહાપુરુષાર્થ આદરવો પડે. વળી, તમે જે સમાજની સેવા કરવાનું બીડું ઝડપ્યું છે, એ સમાજની રગેરગ પારખવી જોઈએ. એ પ્રજાની સંસ્કૃતિ અને પરંપરાને સમજીએ, તો જ એ પ્રજાના મનોભાવો, વ્યાધિઓ અને ફરિયાદોને સાચી રીતે સમજી શકીએ. એટલું જ નહીં, પણ એમનો વિશ્વાસ જીતીને એમને સાચી હકીકત સમજાવવી જોઈએ. સારવાર માટે ડો. કર ઘણી વાર એક ટાપુમાંથી બીજા ટાપુમાં તરીને અથવા તો ગાઢ જંગલોમાં કેટલાય કિલોમીટર ચાલીને દર્દી પાસે જતા હતા.
આ આંદામાન ટાપુઓ પર નાની-મોટી પર્વતમાળાઓ આવેલી છે. એની જમીનનાં ૮૫ ટકા ભાગમાં ગીચ જંગલો આવેલા છે. આ જ આંદામાનમાં આવેલી કુદરતી ખાડીઓ અને સફેદ રેતીનાં દરિયાકિનારા પ્રવાસીઓને આકર્ષે છે. ભારતના સ્વાતંત્ર્ય સૈનિકોને રાખવામાં આવતી આંદામાનની સેલ્યુલર જેલ, રોસ આઇલેન્ડ, હેવલોક આઇલેન્ડ અને ચીડિયા ટાપુ જેવાં સ્થળોએ પ્રવાસીઓ એના કુદરતી સૌંદર્યને માણવા માટે જાય છે, પરંતુ એની સંસ્કૃતિને જાણવાની ભાગ્યે જ કોઈ દરકાર કરે છે.
અહીંના ગંભી૨ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં દાખલ થવાનું સમજાવવું પડે છે. આ લોકોની સા૨વા૨ ક૨વી એ ડો. રતન ચંદ્ર કરનું જીવનધ્યેય બની ગયું છે. જોકે એમને અફસોસ પણ એ છે કે એમની મદદે સેવા કરવા માટે બીજા કોઈ ડોક્ટરો હજી આવતા નથી, પરંતુ જરાવા જનજાતિ એમના પર અખૂટ વિશ્વાસ રાખે છે અને કેટલાયને એમણે હોસ્પિટલમાં રાખીને સારવાર આપી છે. એક સમયે 'ગ્રેટ આંદામાનીઝ ટાપુના એક ટાપુની આખી વસ્તી ઓરીમાં નષ્ટ થઈ હતી. જ્યારે એક જાતિના પાંચ હજાર લોકોમાંથી માત્ર ૪૧ બચ્યા હતા! આથી ઓરીના ભયમાંથી તો જરાવા જાતિને ઉગારી, પણ આ જનજાતિની જનસંખ્યા વધારવામાં આ તબીબનો મહત્ત્વનો ફાળો છે. ૨૫૫થી ૨૬૦ જેટલી વ્યક્તિઓ આ જનજાતિમાં વસતી હતી, આજે એની સંખ્યા ૫૬૦ છે.
ભારત સરકારે ૨૦૨૩માં આ તબીબને 'પદ્મશ્રી'નો ખિતાબ એનાયત કર્યો. આ તબીબને માટે તો જરાવા લોકોનો પ્રેમ એ સૌથી મોટો ખિતાબ છે. એક સમર્પિત ડોક્ટર આખીય જનજાતિ ભૂંસાઈ જાય એવા રોગમાંથી ઉગારવાનો અપ્રતિમ સફળ પ્રયાસ કરે એનું ઉદાહરણ ડો. રતન ચંદ્ર કર બની રહ્યા છે.
પ્રસંગકથા
સોશિયલ મીડિયા દ્વારા સંસ્કૃતિનો સર્વનાશ
તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય અને સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ કૌટિલ્યના પગમાં કાંટો ભોંકાયો અને જોરથી ચીસ પાડી ઊઠયા. એમને ખ્યાલ આવ્યો કે કાંટાવાળા છોડ પર એમનો પગ પડી ગયો હતો.
કૌટિલ્યએ શિષ્યોને કુહાડી લઈ આવવાનો આદેશ કર્યો. એ કુહાડીથી કાંટાથી ભરેલા છોડને ઉખાડીને ફેંકી દીધો. એ પછી જમીનમાં રહેલા એના મૂળને પણ બહાર કાઢયા અને સળગાવી દીધા અને ત્યારબાદ શિષ્યો પાસે છાશ મંગાવીને એ જમીન પર છાંટી. જેથી ફરી ક્યારેય આ છોડ ઊગે નહીં અને રાહદારીને એના કાંટા ભોંકાય નહીં.
એક શિષ્યએ પૂછયું, 'એક કાંટો વાગ્યો એમાં આટલું બધું કરવાનું હોય, ગુરુજી?'
કૌટિલ્યએ કહ્યું, 'હા, તમને શીખવવા માટે જ મેં સ્વયં આ કામ કર્યું. મારે દર્શાવવું હતું કે જ્યાં સુધી બુરાઈને મૂળમાંથી ઉખેડવામાં ન આવે ત્યાં સુધી એ પૂરેપૂરી જતી નથી અને તક મળ્યે એ ફરી કોઈને ય પોતાની ઝપટમાં લઈ લે છે. બુરાઈને દૂર કરવાની ન હોય, બલ્કે એને જળમૂળથી કાપી નાખવાની હોય કે જેથી ફરી એ જીવનમાં પ્રવેશી શકે નહીં.'
…આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે સોશિયલ મીડિયાની વ્યાપક બનેલી બુરાઈને જડમૂળથી કાપવાનો સમય આવી ગયો છે. ઇન્સ્ટાગ્રામ પર બાળકોને સેક્યુઅલી એબ્યુઝ કરે તેવી સામગ્રીની ભરમાર છે. એમાં એવી અશ્લીલ અને બેશરમ સામગ્રી મુકવામાં આવે છે કે આવતી પેઢીનું માનસ સેક્સ, ક્રાઇમ અને બેજવાબદાર સંબંધોથી છવાઈ જશે. અત્યારે ત્રીસ ટકા જેટલું સોશિયલ મીડિયા પર અપલોડ થતું કોન્ટેન્ટ નગ્નતા અને સેક્સથી ભરેલું છે. અર્ધનગ્ન રીલ્સ, સોફ્ટ પોર્ન, ઉત્તેજક ડાન્સ, ડાર્ક નેટવર્ક અને ડીપ ફેક એ બધું આજે દેશની નીતિમત્તાનો કચ્ચરઘાણ વાળે છે.
પંદર જેટલાં દેશોએ તો સગીર બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. વિશ્વગુરુ બનવા ચાહતા અને સૌથી લાંબી સંસ્કૃતિના ધા૨ક એવું ભારત ક્યારે જાગશે. જો એ સમયસર નહીં જાગે તો ભારતીય સંસ્કૃતિ નષ્ટ થશે અને પારાવાર વિકૃતિઓથી જનમાનસ ઘેરાઈ જશે.









