Int ane Imarat

હું તો આનંદસ્વરૂપ છું ...

By GS Team
3 Sep 20267 mins read
TukuTouch Logo
આવતીકાલે કૃષ્ણ જન્માષ્ટમી છે. કંસના કારાગારમાં દેવકીના આઠમા સંતાન તરીકે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આકાશ અંધારે રુદન કરતું હતું, ત્યારે વસુદેવ અને દેવકીએ દુઃખને સુખમાં ફેરવી ભક્તિનો આનંદ માણ્યો. શ્રીકૃષ્ણના જન્મથી જગતને અજવાળું મળ્યું. તેમણે દુઃખમાં પણ શાંતિ ધારણ કરી આનંદના ભાગી બનવાનો સંદેશ આપ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

હું તો આનંદસ્વરૂપ છું ...
  • જગતને જુલમના કારાગારમાંથી મુક્ત કરનાર ખુદ કારાગારમાં જન્મ્યા હતા
  • સોચા થા તો યે કિ ઘર બનાકર બૈઠુંગા સુકૂન સે,
    પર ઘર કી જરૂરતોં ને મુસાફિર બના ડાલા મુઝે.

આવતી કાલે કૃષ્ણ જન્માષ્ટમી છે, ત્યારે શ્રીકૃષ્ણના આનંદ સ્વરૂપનું સ્મરણ કરીએ. શ્રાવણ મહિનાની ઘનઘોર રાત હતી. આકાશ અંધારે રૂદન કરતું હતું. ધરતી પર સમ ખાવા માટે કોઈ દીવાનું અજવાળું નહોતું. કાળાડીબાંગ વાદળો ઘનઘોર બનીને ગાજી રહ્યા હતા. રાજા કંસ ધર્મને ભૂલ્યો હતો અને સ્વર્ગ, પાતાળ અને પૃથ્વી ત્રણેયમાંથી અવાજ આવતો હતો કે શિક્ષા કરનાર અહીં એકસો વ્યક્તિ છે, પણ રક્ષા કરનાર એક વ્યક્તિય નથી. કોઈ શરમથી ચૂપ છે, તો કોઈ સબંધથી મૌન બની બેઠા છે. કોઈ લાગવગથી આંખ આડા કાન કરે છે, અસત્ય અને અનાચાર જામ્યા હતા આ પૃથ્વી પર.
આવા સમયે વહેમી કંસ પોતાની બહેનનાં સાત સંતાનોને પથ્થર પર પછાડીને નાળિયેર વધેરે તેમ મારી નાખે છે. માતા દેવકીના ઉદરમાં આઠમો જીવ છે. જાણે રત્નાકરની ભીતરમાં લાખેણું મોતી હોય! આજ સુધી કારાગૃહમાં વસુદેવ અને દેવકી દુઃખમાં હતાં, પણ મન દુઃખના બોજથી દબાયેલું નહોતું. આ પતિપત્નીએ દુઃખને સુખમાં ફેરવ્યું હતું. એ સતત ભક્તિ કરતાં ધ્યાન ધરતાં અને મનોમન વિચારતા કે કદાચ મહેલમાં વસતા હોત, તો આવી ભક્તિ થાત નહીં, આવું ધ્યાન કરવા મળેત નહીં.
આથી બંને પરમાત્માનો પરમ ઉપકાર માનતા હતા. દુઃખને સુખ સમજીને જીવન પસાર કરતા હતા. ભક્તિનો આનંદ પ્રાપ્ત કરતાં હતાં. આ આનંદનું બીજું નામ છે શ્રીકૃષ્ણ. એ આનંદે કારાગૃહમાં જન્મ લીધો અને જગતને અજવાળું આપ્યું. એણે સંકેત કર્યો કે દુઃખમાં કે સુખમાં ચિત્ત શાંતિ ધારણ કરીને સુખ અને દુઃખને પાર જઈને આનંદના ભાગી બનવું.
હકીકતમાં તમે જેમ જેમ શ્રીકૃષ્ણને પામવાનો પ્રયત્ન કરો, તેમ તેમ શ્રીકૃષ્ણ તમને હાથતાળી આપીને છટકી જશે. એમના એક રૂપને પામવાનો પ્રયત્ન કરીને એમની સમીપ પહોંચીએ, ત્યાં સામે એમનું બીજું રૂપ નજરે પડે છે. કૃષ્ણને પામવા સરળ છે, કિંતુ સમજવા અતિ કઠિન છે. ધરતીની માટીમાં જેમના પગ હોય અને જેમના મુખમાં વિશ્વરૂપનું દર્શન હોય એવા શ્રીકૃષ્ણ 'મહાભારત'માં સૂત્રધારરૂપે મળે, તો 'શ્રીમદ્ ભાગવત'માં પરમેશ્વર સ્વરૂપે લીલામય રૂપે મળે.
'મહાભારત'માં એમના સઘળા માનવભાવો પ્રગટ થાય છે. એક માનવી અન્ય માનવીઓના દોષોનો સ્વીકાર કરે અને સાથોસાથ પોતાના ગુણો પ્રગટ કરે તેવું કૃષ્ણ દર્શન થાય છે. એક મિત્ર બીજા મિત્રને ઝંખે, એવી રીતે શ્રીકૃષ્ણ અર્જુનને ઝંખે છે, આથી તો દેવરાજ ઇન્દ્રએ એમને વરદાન માગવાનું કહ્યું, ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું,'દેવેન્દ્ર, જો મને વરદાન આપવાનું જ હોય તો એવું વરદાન આપો કે અર્જુનની સાથે મારી મૈત્રી સદાય ટકી રહે.'
એક મિત્ર બીજા મિત્ર પ્રત્યે ગાઢ-અદ્વૈતરૂપ દોસ્તીની જે ઇચ્છા કરે, એ ઇચ્છા અહીં જોવા મળે છે. મહાભારતમાં મહર્ષિ વ્યાસ કહે છે,'શ્રીકૃષ્ણ અને અર્જુનની મૂળ સત્તા એક જ છે, એક જ સત્ત્વ ઉભયરૂપે પ્રગટયું છે. બંને અનન્ય અને અભિન્ન છે.'
કૃષ્ણ સહુની સાથે હળી-મળીને વાર્તાવિનોદ કરતા જોવા મળે છે. 'મહાભારત'માં લોકનાયકની એમની છબી નજરે પડે છે. શ્રીકૃષ્ણ હસ્તિનાપુરમાં વિષ્ટિ કરવા આવે છે, ત્યારે ભીષ્મ અને દ્રોણ જેવા પવિત્ર માણસોને નમસ્કાર કરીને પોતાની વાતનો પ્રારંભ કરે છે, પણ સાથોસાથ એ જ કૃષ્ણ દુર્યોધનને સ્પષ્ટ શબ્દોમાં યુદ્ધના ભાવિ ભયાનક પરિણામની પણ જિકર કરે છે.
શ્રીકૃષ્ણની પાંડવોના દૂત તરીકેની આ વિષ્ટિ અનેક અર્થો સાધનારી છે. બાહ્યદૃષ્ટિએ એમ લાગે કે શ્રીકૃષ્ણનું આ દૂતકાર્ય સંધિ સાધવામાં વિફળ ગયું, પણ હકીકતમાં એનાથી શ્રીકૃષ્ણએ અનેક હેતુઓ સાધ્યા છે.
એના કારણે બલરામ થનારા યુદ્ધમાંથી અળગા થઈને હિમાલયમાં તપ કરવા ચાલ્યા ગયા. આ વિષ્ટિને કારણે યુધિષ્ઠિરના મનમાં યુદ્ધ નિશ્ચિત છે એવો સ્પષ્ટ નિર્ણય થયો. તેથી જ મહાભારતમાં અર્જુનને સંશય થાય છે, પણ યુધિષ્ઠિરને કદાપિ થતો નથી. ત્રીજી વાત એ હતી કે એમણે અહીં ધૃતરાષ્ટ્રની રાજલાલસા, દુર્યોધનના અસત્યમય આચરણને અને ભીષ્મ, દ્રોણની નિષ્ક્રિયતા પર મહોર મારી દીધી. વિષ્ટિને નિમિત્તે એમણે અસત્ય અને અન્યાયથી ભરેલી હસ્તિનાપુરની રાજસભામાં સત્યનો ટંકાર કર્યો. અસત્યને ખુલ્લું પાડીને કેવું ધુ્રજવી દીધું! આ રીતે યુદ્ધ પૂર્વે કૌરવપક્ષનું વાસ્તવિક રૂપ લોકસમૂહને બતાવી દીધું.
શ્રીકૃષ્ણને પામવા સહેજે સહજ નથી, એનું કારણ એકે પ્રત્યેક પ્રસંગે એમનું વ્યક્તિત્વ કોઈ નવું રૂપ પ્રગટાવતું હોય છે. રામને માટે કહી શકાય કે અમુક સંજોગોમાં એ અમુક રીતે જ વર્તશે. ભગવાન બુદ્ધ કે ભગવાન મહાવીરને માટે પણ એ એટલું જ સાચું છે, પરંતુ શ્રીકૃષ્ણ કઈ ક્ષણે કયું વર્તન કરશે એનો તાગ મેળવવો મુશ્કેલ છે.
ભીષ્મને પરાજિત કરવા માટે શિખંડીને અર્જુનની આગળ ધર્યો. દ્રોણને પરાસ્ત કરવા માટે 'અશ્વસ્થામા મરાયો' એવું ધર્મરાજ યુધિષ્ઠિરના મુખેથી વચન ઉચ્ચારાયું, કર્ણને ઇંદ્રએ આપેલું અમોઘ બાણ અર્જુનને વીંધે નહીં, તે માટે ઘટોત્ંકચને બોલાવીને ઉત્પાત મચાવ્યો અને ખુદ શ્રીકૃષ્ણે યુદ્ધમાં શસ્ત્ર હાથમાં ન લેવાની પ્રતિજ્ઞાા કરી હતી, તેને પણ ભીષ્મ સામેના યુદ્ધ સમયે હળવેથી બાજુએ મૂકી દીધી.
આમ શ્રીકૃષ્ણને કોઈ ચોકઠામાં બાંધી શકે નહીં. એમણે મહાભારતના યુદ્ધમાં કોઈના પર શસ્ત્રપ્રહાર નથી કર્યો, પરંતુ કૌરવ પક્ષના મહારથીઓને મહાત કરવાની ગુરુચાવી આપી છે. કર્ણ, જયદ્રથ, દ્રોણ, દુર્યોધન, દુઃશાસન, ભીષ્મ જેવા કૌરવપક્ષના વીરોને પરાસ્ત કરવાની પગદંડી તો શ્રીકૃષ્ણએ જ રચી આપી અને એ અર્થમાં એમણે આતતાયીઓનો સંહાર કર્યો!
શ્રીકૃષ્ણની સાથે ઘણી કલાઓ જોડાયેલી છે. એમનો મુરલીધ્વનિ સાંભળીને વ્રજવાસીઓ બાલકૃષ્ણમય બની જતા હતા અને મનોમન બાલકૃષ્ણને આલિંગન આપતા હતા. એમની વેણુઓના ય કેટકેટલાં નામ! મહાનંદા, મદનઝંકાર, સરલા, આનંદિની, સંમ્મોહિની ઇત્યાદિ. નિર્દોષ ગોપકુમારોની સાથેની રાસલીલામાં નૃત્યુનું કેવું ઉત્તમ રૂપ જોવા મળે છે. પ્રાચીન તમિલ સાહિત્યમાં તો આયરો (આહિરો)માં કૃષ્ણને રીઝવવા માટે કુરુવૈ-કુત્તુ રાસનૃત્ય આવશ્યક ગણાતું હતું. શ્રીકૃષ્ણે મોટાભાઈ બલરામ અને પોતાની પ્રિયતમાં નપિન્નેને સાથે રાખીને રાસલીલા કરેલી એમ આહિરો માને છે અને ઘણા વિદ્વાનોના મત પ્રમાણે નપિન્નેના પાત્રનો વિકાસ થતાં જ એ આપણને રાધા રૂપે મળે છે.
વળી આ રાધા અને કૃષ્ણનો સંબંધ પણ ધરતીની માટીમાંથી આભમાં રહેલાં સ્વર્ગ સુધી વિહરે છે. શ્રીકૃષ્ણ અચ્યુત બીજરૂપ છે અને રાધા સૃષ્ટિની આધારભૂતા છે. શ્રીકૃષ્ણ સતત ઇંદ્રિયગોચર છે અને એટલા જ ઇન્દ્રિયયાતીત! શ્રીકૃષ્ણ જેવા કુશળ સારથિ હતા, એવા જ અશ્વવિદ્યાના અનુપમ વિદ્વાન હતા. નરકાસૂરે અપહૃત કરીને સોળ હજાર કુમારિકાઓ સાથે વિવાહ કરીને શ્રીકૃષ્ણે યુગપ્રવર્તક કાર્ય કર્યું. સવાલ એ છે કે શ્રીકૃષ્ણમાં માનનાર કેટલાય હિંદુ સમાજના લોકો આજે અપહૃતાને સ્વીકારતા નથી અને એમ જોઈએ તો કૃષ્ણના ચરિત્રમાં કેટલીય વિશેષતાઓ આજે વિસરાઈ ગઈ છે!
બાલ્યાવસ્થાના કૃષ્ણ અને યોગેશ્વર કૃષ્ણની જીવનકથા જાણનારાઓ એમના પંદરથી એકત્રીસ વર્ષ દરમિયાન થયેલાં કાર્યોને ભૂલી જાય છે. આ ગાળામાં એમણે વિદ્યાપ્રાપ્તિ, દ્વારકાની સ્થાપના અને લગ્નો કર્યાં હતાં, પણ એથીય ભૂલાઈ ગયેલી બાબત એ શ્રીકૃષ્ણે યોજાયેલા ધાર્મિક સત્રો છે. હિમાલયમાં કૈલાસ પાસે આવેલા બિંદુ સરોવરમાં શ્રીકૃષ્ણ 'શિષ્ટસંપ્રતિપત્તિસત્રો'નું આયોજન કરતા હતા. આ કોઈ દસ-બાર દિવસ ચાલનારી ગોષ્ઠિનાં સત્રો નહોતા, પણ એક હજાર દિવસ સુધી ચાલનારા દીર્ઘ સત્રો હતા. આમાં શિષ્ટજનો અર્થાત શ્રેષ્ઠ આચાર્યો ધર્મમતોનું ઐક્ય સાધવા પ્રયત્ન કરતા. ભલે સંપ્રદાયો જુદા જુદા હોય, પરંતુ ધર્મનું તત્ત્વ તો એક જ હોય અને એ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, એ અંગે ધર્મચર્ચા માટે શ્રીકૃષ્ણ કૈલાસ પર સત્રો યોજતાં હતાં. અહીં ધર્મ એટલે કોઈ મત કે સંપ્રદાય નહીં, પરંતુ સમાજને ઉચ્ચ કક્ષાએ પહોંચાડતું અનુભવસિદ્ધ એવું જ્ઞાાન અને વિજ્ઞાાન. આવા યજ્ઞામાં લાખ્ખોની સંખ્યામાં વૈદિક પરંપરા અને શ્રમણ પરંપરાના આચાર્યો આવતા હતા, જે વૈદિક પરંપરાના હોય તેને પ્રતીક સુવર્ણમાળાવાળા યૂપોનું દાન આપતા હતા અને જે શ્રમણ પરંપરાના હોય, તેમને પ્રતીક સુવર્ણમાળાવાળા ચૈત્યો (મંદિરો)નું દાન આપતા હતા.
આમ પ્રાચીન ભારતમાં આવા ધર્મમતોનું ઐક્ય સાધવા માટેનાં શ્રીકૃષ્ણએ અનેક કાર્યો કર્યા હતા. ધર્મ વિશેનું આવું અપ્રતિમ વિચારસ્વાતંત્ર્ય એ શ્રીકૃષ્ણની દેન ગણાય, જેનું આપણે સદૈવ સ્મરણ કરવું જોઈએ.

પ્રસંગકથા
પ્રામાણિકતાને દેશવટો
ચંપકલાલનું એકાએક હૃદય પરિવર્તન થયું. એમણે હિમાલયના યોગી પાસેથી સત્ય વિશેનું પ્રવચન સાંભળ્યું અને એમનું હૃદય ડોલી ઉઠયું. આજ સુધી જીવનભર અસત્યનું આચરણ કર્યું હતું, એનો અંતઃકરણમાં ક્ષણિક પસ્તાવો થવા લાગ્યો.
યોગીના ચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને ચંપકલાલે કહ્યું,'યોગીરાજ, હું બહુ વ્યથિત છું. મારા હૃદય પર ઘણો મોટો બોજા છે. આપ એ હળવો કરી આપો.'
યોગીએ કહ્યું, 'ભાઈ, લોકોનાં દુઃખ દૂર કરવા એ તો અમારું કામ છે. કહો, તમારું શું દુઃખ છે?'
ચંપકલાલે કહ્યું, 'યોગીરાજ, મારે ત્યાં મારી દુકાનમાં એક વ્યક્તિ ખરીદી માટે આવી અને હજાર રૂપિયાને બદલે હજારની બે-બે નોટ આપી ગઈ. બસ, એ દિવસથી મારી ઊંઘ વેરણ બની ગઈ. હૃદય બેચેન બની ગયું અને પાર વિનાની મૂંઝવણ અનુભવું છું.'
યોગીરાજે દુઃખના નિવારણનો ઉપાય દર્શાવતા કહ્યું, 'અરે ભાઈ, એમાં શું? જે ગ્રાહક બે નોટ આપી ગયો હતો, એને શોધીને એક પાછી આપી દે.'
'આપની વાત સાચી છે, પણ એ વખતે આવી બુદ્ધિ ચાલી નહીં અને હવે ચિંતા થાય છે.'
યોગીએ કહ્યું,'જે બનવાનું હતું તે બની ગયું. હવે એને યાદ કરવું રહેવા દે. હૃદય પરથી એનો ભાર દૂર કરી નાખ. એને માટે હવે વધુ મૂંઝાવાની જરૂર નથી. પવિત્ર હૃદયમાં હંમેશાં મૂઝવણ લાંબી ટકે છે અને ઊંઘ હરામ થઈ જાય છે. માટે વત્સ! મૂંઝવણનો ત્યાગ કર.'
'યોગીરાજ, મેં ઘણું વિચાર્યું પણ એ મૂંઝવણ ટાળી શક્તો નથી. હું એ નક્કી કરી શક્તો નથી કે આ બે હજાર રૂપિયા મળ્યા, તેમાંના એક હજાર રૂપિયા મારે મારા ભાગીદારને આપવા કે નહીં?'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે ચોમેર ફ્રોડ થઈ રહ્યા છે. ક્યારેક કોઈ બેંકમાં ફ્રોડ થતા હોય તો ક્યારેક કોઈ કંપની મોટી મોટી જાહેરાતો કરીને સારી એવી રકમ એકઠી કરી ગાયબ થઈ જાય છે. સાયબર ફ્રોડની તો કોઈ સીમા રહી નથી. ઇન્ટરનેટ, કમ્પ્યૂટર, મોબાઈલ કે ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને આવા ફ્રોડ કરવામાં આવે છે. આવા લોકો ચંપકલાલની માફક વિચારતા હોય છે. દેશમાં નૈતિકતા અને પ્રમાણિકતા ધીરે ધીરે દેશવટો લઈ રહી હોય એમ લાગે છે.