Int ane Imarat

મૃત માતાને જીવતી કરવા ગાંધીજીને અમેરિકા આવવાનું કહ્યું

By GS Team
1 Oct 20268 mins read
મૃત માતાને જીવતી કરવા ગાંધીજીને અમેરિકા આવવાનું કહ્યું
  • શારીરિક અંધાપા કરતાં આધ્યાત્મિક અંધાપો વધુ હાનિકારક છે
  • અભી કુછ તેરી યાદ ગુનગુનાને દે,
    યૂં હી તેરે કરીબ હમેં કુછ રહને દે,
    કરાર દિલ કા હમારે પાસ રહેને દે,
    ઇતની હમારી દૌલત સાથ રહેને દે.

જે દેશમાં માનવી સહજ રીતે જ 'ભગવાન' બની શકે છે, તે દેશમાં માનવી તરીકે રહેવું અને પોતે સામાન્ય માનવી છે એમ કહેવું અતિ મુશ્કેલ છે!
પ્રજા એમના પર ભીતરની શ્રદ્ધા ઢોળવા આતુર હોય અને આવી ભોળી પ્રજાને એમ કરતાં અટકાવવી, તે અતિ દુષ્કર કાર્ય છે!
એમાંય જનસમૂહ જેમના જીવનમાંથી સતત પ્રેરણા લેતા હોય, જેમનાં નામ પર લોકો પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર થઈ જતા હોય, કોઈ તેમને 'મહામાનવ' કે 'મહાપુરુષ' કહેતા હોય, કોઈ 'મહાત્માજી' તરીકે આદર આપતા હોય, તેવી વ્યક્તિને તો ભગવાનના પદે સ્થાપનારા કે ઈશ્વર તરીકે માનનારાનો ક્યાં તૂટો હોય! પણ મહાત્મા ગાંધીજીની સૌથી મોટી મહાનતા એ કે એમણે એમના જાહેર જીવનમાં માનવીપણું જાળવી રાખ્યું.
ભારતનો માનવી સામાન્ય રીતે અતિ ભક્તિ ધરાવે છે અને એમાંથી કેટલીય ઘેલછાઓ અને અંધશ્રદ્ધાઓ જન્મે છે. આજે દેશના કેટલાય 'શ્રદ્ધાળુઓ' આવા 'ઈશ્વર'નો'ગુરુ'નો ભોગ બન્યા છે! આમાં ધર્મ કે અધ્યાત્મનો મર્મ ચૂકી જવાય છે અને ફકત ચમત્કાર એ જ ધર્મ બની ગયો છે, ત્યારે ધર્મની આડમાં અનેક અનિષ્ટો ઊભાં થયાં છે. ગુરુને નામે અનર્થ જાગે છે અને સંતને નામે લીલા રચાય છે.
ગાંધીજીના સમયે પણ એમને નામે ચમત્કારોની વાતો વહેતી થઈ હતી. ગાંધીજીના અંતેવાસી અને ગાંધીજીવનના અભ્યાસી શ્રી ચંદુભાઈ દલાલે એ સમયે આ અંગે કેવી પરિસ્થિતિ પ્રવર્તતી હતી, એનું માર્મિક અવલોકન કર્યું છે.
ઈ.સ. ૧૯૩૯ના માર્ચ મહિનામાં ત્રિપુરામાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. આ સમયે ગાંધીજી રાજકોટ હતા. સત્યાગ્રહની આ લડત અંગે એમણે કરેલા ઉપવાસ એ સમયે પૂર્ણ થઈ ગયા હતા, પણ એ, અધિવેશનમાં જઇ શક્યા નહોતા. આ અધિવેશન વખતે પચીસ હજાર રૂપિયાના ખર્ચે એમનું બાવલું મૂકવાનું છે એવા સમાચાર મળતાં એમણે તીવ્ર અણગમો દર્શાવ્યો અને લખ્યુઃ
'આ વિશે મને કાંઇ જ ખબર નથી. બંગડી કરતાં પણ તકલાદી એવા, માટીના બનેલા એક માનવીનું પૂતળું ઊભું કરવામાં પચીસ હજાર રૂપિયાનું પાણી કરવું, એ પૈસાનો દુરુપયોગ છે. બંગડી પણ જો સાચવી રાખવામાં આવે તો હજારો વરસ ટકે, પણ માનવદેહ તો રોજરોજ ક્ષીણ થનારી વસ્તુ છે; અને જિંદગીની સામાન્ય અવધિ પછી તે સંપૂર્ણ નાશ પામે છે. જેમની સાથે મારી જિંદગીનાં ઉત્તમ વર્ષો મેં ગાળ્યાં છે તેવા મુસલમાન ભાઈઓના સમાગમથી જો મેં એક વસ્તુ કેળવી હોય, તો ફોટા પડાવવા કે બાવલાં બેસાડવા સામેનો એમનો અણગમો છે. મારામાં શ્રદ્ધા રાખનારાઓનું કામ એ છે કે હું જે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છું, તેને આગળ ધપાવે. મારા બાવલાં કે પૂતળાં પાછળ નાણાં ખરચવાને બદલે હરિજન સેવાસંઘ, ચરખા સંઘ, ગ્રામોદ્યોગ સંઘ કે હિન્દુસ્તાની તાલીમી સંઘનાં કાર્યો પાછળ ખર્ચે, એટલે તેમાં જ મને પૂરું માન મળ્યું, એમ હું સમજું છું.'
પણ આ બધાંને ટપી જાય એવું તો, ગાંધીજીમાં કોઈ દૈવી શક્તિ છે, અને એ આર્થિક લાભ મેળવી આપી શકે છે, શારીરિક અને માનસિક રોગો મટાડી શકે છે, નિઃસંતાન નારીને બાળક અપાવી શકે છે વગેરે પ્રકારની માન્યતા કેટલાક લોકોના મનમાં પેસી ગઇ હતી. આવી માન્યતા ધરાવનારા, એકલા અભણ જ નહીં, ભણેલા અને 'સમજુ' માણસો પણ હતા. વળી એકલા હિન્દુસ્તાનમાં નહિ, પણ પરદેશોમાં-અમેરિકામાં અને યુરોપમાં પણ આવું માનનારા હતા.
ઈ.સ. ૧૯૨૧ના ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું, ત્યારે મુંબઈમાં એક માણસની કોઈ ચીજ ખોવાઈ ગઈ. ઘરમાં ક્યાંય જડે નહીં, હવે કરવું શું? એણે મનોમન સંકલ્પ કર્યો કે એ ચીજ જડે તો તિલક સ્વરાજ ફાળામાં પાંચ રૂપિયા આપીશ. ખરેખર એને એ ચીજ જડી અને એણે એટલી રકમ મોકલી આપી!
થોડા દિવસ બાદ અન્ય એક વ્યક્તિની કોઈ ચીજ એ પ્રમાણે ખોવાઈ ગઈ. એણે પણ એ જડશે તો પાંચ રૂપિયા મોકલવાની બાધા રાખી, અને પછી એ ચીજ જડી. એણે માન્યું કે એની બાધા-માનતા સફળ થઈ. 'પ્રભુએ મને સ્વરાજ લેવાના ફંડમાં અર્પણ કરવા આપને આ રકમ મોકલવા આજ્ઞાા કરી છે!' એમ લખી પાંચ રૂપિયાની નોટ ગાંધીજીને મોકલી આપી.
પશ્ચિમ ખાનદેશમાં આવેલા હિંગણી ગામમાં રહેતા એક માણસે મહારાષ્ટ્રના કાર્યકર્તા શંકરરાવ દેવને પચીસ રૂપિયા આપ્યા અને કહ્યું કે એ ૨કમ ગાંધીજીને એ મોકલી આપે, પણ મોકલનાર તરીકે એમનું નામ એ બીજા કોઈને જણાવે નહિ. શંકરરાવ દેવે વિગતો માગી, તો એણે જણાવ્યું કે એ પોતે અમુક મુશ્કેલીઓમાં ઘેરાયેલા હતા, ત્યારે એણે બાધા રાખી હતી કે એ મુશ્કેલીઓ દૂર થશે, તો આટલી રકમ એ ગાંધીજીને મોકલી આપશે. બન્યું એવું કે ત્યાર પછી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ એટલે તેણે આ ૨કમ ગાંધીજીને મોકલી આપવા માટે શ્રી શંકરરાવદેવને આપી. શ્રી શંકરરાવદેવે આ રકમ ગાંધીજીને મોકલતાં લખ્યું ઃ 'આવું તો બન્યા જ કરવાનું. એ રોકવાનો ઉપાય નથી.'
ગાંધીજી એક જાહેર લિમિટેડ કંપનીના શેરહોલ્ડર હતા એ જાણીને વાચકને કદાચ નવાઈ લાગશે. શેરહોલ્ડર તરીકે બીજું નામ કસ્તૂરબાનું હતું. આ કંપની ક્યારે સ્થપાઈ એની ચોકકસ માહિતી મળી નથી, પણ આશરે ૧૯૩૭માં સ્થપાઈ હશે. એણે એક ચાલુ કારખાનું ખરીદ્યું અને ખરીદનારના દફતરે ગાંધીજી અને કસ્તૂરબાનાં નામે અમુક શેરો નોંધવામાં આવ્યા. શેરો ગાંધીજીની હત્યા પછી પણ આ જ નામે ચાલુ રહ્યા. ગાંધીજી પોતે કોઈ કંપનીના શેરહોલ્ડર હતા એવી માહિતી કોઈ ઠેકાણે નોંધાઈ લાગતી નથી. કારખાનું ખરીદવાની વાટાઘાટો ગાંધીજીના એક સાથીની હાજરીમાં કદાચ એમની ભાગીદારીમાં થઈ હતી એટલે અનુમાન એવું તારવી શકાય કે ખરીદનારે ભક્તિભાવથી આ શેરો ગાંધીજીના અને કસ્તૂરબાનાં નામે રાખ્યા હશે.
૧૯૨૫માં ગાંધીજી બંગાળમાં મુસાફરીમાં હતા, ત્યારે એ વર્ષના મે માસની સત્તરમી અને અઢારમી તારીખે તેઓ ઢાકામાં હતા. એ વખતે ૭૫ વર્ષનો એક ડોસો આવ્યો અને ગાંધીજીને વિનંતિ કરી કે એ, પોતાના માથે હાથ મૂકે. ગાંધીજીએ વિચાર્યું કે 'આટલું કરીશ તો એ ચાલ્યો જશે.' એમ માનીને હાથ મૂક્યો.
એ વૃદ્ધ પુરુષ ખૂબ રાજી થયો, પણ પછી તો એ ગાંધીજીના પગ આગળ આળોટવા માંડયો. એના ગળામાં ગાંધીજીની છબી હતી. એણે કહ્યું, 'દસ વર્ષથી મારા પગ જૂઠા થઇ ગયા હતા. અનેક દવા કરી પણ ન મટયું. પછી તમારું નામ લીધું અને હવે હું ચાલી શકું છું.' ગાંધીજીએ એને સમજાવ્યું કે 'ભાઈ, ભગવાને જ તને સારો કર્યો છે. ગાંધીમાં કોઈ સારો કરવાની તાકાત નથી!'
બેંગલોરમાં એક દિવસ એક બહેન આવી. એણે ગાંધીજીનાં ચરણોમાં કેળાં અને દ્રાક્ષ ધર્યાં. એને સંતાન નહોતું. એણે રાજાજીને કહી રાખ્યું હતું કે એને સંતાનપ્રાપ્તિ થાય એવો આશીર્વાદ ગાંધીજી આપે, એ માટે ભલામણ કરે. માગણી સાંભળી ગાંધીજીને બહુ નવાઈ લાગી. થોડીવાર પછી રાજાજી દ્વારા ગાંધીજીએ સમજાવ્યું, 'મ્હૈસુર રાજ્યમાં અનેક રૂપાળાં બાળકો છે. એમાંથી એકાદને દત્તક લઇને પાળો… કેટલાંય ગરીબ અને ભૂખે મરતાં હશે. એમાંથી એકાદને દત્તક લઇને પાળો.' રાજાજીએ એને કહ્યું અને એ સ્ત્રી ખુશ થઈ ગઈ.
અમેરિકામાં રહેતી એક સ્ત્રી મૃત્યુ પામી ત્યારે એના કુટુંબીજનોને અત્યંત આઘાત લાગ્યો. એની એક પુત્રીને કાંઈક એમ થઈ આવ્યું કે ગાંધીજી એની માતાને સજીવન કરી શકશે, એટલે એમ કરવા માટે ૧૯૨૮ના ૨૫ એપ્રિલના રોજ એક આજીજીભર્યો લાંબો પત્ર લખ્યો; અને ગાંધીજીનું અમેરિકાની મુસાફરીનું ખર્ચ કરવાની તત્પરતા દાખવી. લાંબા કાગળમાં અંતે લખ્યું, 'આપનાથી ન આવી શકાય તો ત્યાંથી જીવતદાન મોકલો. અગર આપનામાં જે શક્તિ છે તે શક્તિવાળા આપના કોઈ અનુયાયીઓને મોકલો. આપ ધારો તો મારી માને જીવતી કરી જ શકશો. આપનામાં એ શક્તિ છે જ!'
આનો શું જવાબ આપવો? એ યુવતીના લાંબાલચ કાગળનો ટૂંકોટચ જવાબ આપતાં લખ્યું ઃ 'મારામાં આવા ચમત્કારો સર્જવાની શક્તિ છે એવી વાત કોણે વહેતી મૂકી એની મને ખબર નથી… હું બીજા બધા માનવો જેવો એક સીધો, સાદો, મરણાધીન અને નબળાઈઓથી ભરેલો મનુષ્ય છું. મારામાં કોઈ અસામાન્ય શક્તિઓ નથી!'
શ્રી જમનાલાલ બજાજે એમની ડાયરીમાં એક કિસ્સો નોંધ્યો છે. એક બી.એ., બી.ટી. થયેલી સ્ત્રીએ એક ચર્ચા દરમ્યાન કહ્યું કે ગાંધીજી અંગે આકાશવાણી થઈ હતી કે તેઓ ગયા જન્મમાં સીતાજી હતા અને દેવતાઓની પ્રાર્થનાને માન આપીને આ જન્મ લીધો છે.
મનુબહેન ગાંધીએ એમના 'બિહાર પછી દિલ્હી' નામના પુસ્તકમાં એક કિસ્સો નોંધ્યો છે. એનો સાર એ છે કે એક બહેનને પ્રસૂતિ આવવાની હતી. એણે ગાંધીજીને લખેલા કાગળમાં લખ્યું હતું કે જો પોતાને પુત્ર અવતરશે તો એ ગાંધીજીને પગે લાગાડવા આવશે અને પત્રમાં ગાંધીજીનાં જૂનાં કપડાંની માંગણી કરી હતી, જેથી તે વાપરેલાં કપડાનું ઝભલું કરાવી, એ એના બાળકને પહેરાવે. પછી ખરેખર એને પુત્ર જન્મ્યો.
ગાંધીજીએ એના ઉત્તરમાં લખ્યું ઃ 'હું પણ બીજાઓના જેવો પામર પ્રાણી છું. તમને અને તમારા પુત્રને ઇશ્વર તંદુરસ્ત રાખે અને હિંદુસ્તાનની ગરીબ પ્રજાની સેવા કરી શકે તે રીતે એને ઉછેરજો.'

પ્રસંગકથા
નાગરિકધર્મ એ સૌથી પહેલો રાષ્ટ્રધર્મ
મથુરદાસની વાત જ ન્યારી. એ પોતાની જાતને અત્યંત બુદ્ધિશાળી માને, પણ કામ એવું કરે કે ન પૂછો વાત. છેલ્લી ઘડીએ ફ્લાઇટ પકડવા દોડે. ખૂબ ઝડપથી મોટ૨ હંકારે અને રસ્તા પર જતા 'એરપોર્ટ-લેફ્ટ' એવું સાઇનબોર્ડ જુએ એટલે એકાએક મોટ૨ પાછી વાળીને પ્લેન ચૂકી ગયાનો વસવસો કરતાં-કરતાં ઘેર પહોંચી જાય.
આવી જ રીતે એ કોઈને ફેક્સથી કાગળ મોકલતા હોય, ત્યારે કાગળ બરાબર પહોંચે તે માટે એના પર ટિકિટ લગાડવાનું ચૂકે નહીં.
મથુરદાસ ક્યારેક ઊંડા વિચારમાં ડૂબી જાય. ટેલિફોનનો ૯૧૧ નંબર ડાયલ કરવાનો હોય, તો ઊંડું ચિંતન કરે કે ડાયલ પર ૧૧નો આંકડો ક્યાંય નથી! માત્ર નવ સુધી જ આંકડા છે, આથી કરવું શું?
આમ મથુરદાસની સમસ્યાઓ ઘણી ચિત્ર-વિચિત્ર હોય છે. વીજળીનો ચમકારો થાય કે ઘરની બહાર દોડીને બની ઠનીને ઊભા રહી જાય અને માને કે એમનો ફોટો પાડવા માટે કોઈ પ્રયત્ન કરી રહ્યું છે!

  • આ વાત અમને એટલા માટે યાદ આવી કે મથુરદાસની માફક આપણા દેશની પ્રજાની વાત પણ ન્યારી જ છે. પ્રજા નાગરિકધર્મ બજાવે નહીં અને એને પરિણામે પારાવાર અકસ્માતો થાય, એ સચ્ચાઈના માર્ગે ચાલે નહીં એટલે ભ્રષ્ટાચાર ચોતરફ વ્યાપી વળે! લોકોની વિચારધારા પણ એવી છે કે કાયદો તોડવામાં એને ગૌરવ થાય છે અને લાંચ આપતાં સહેજે થડકારો થતો નથી. આપણે ત્યાં પ્રજાલક્ષી યોજનાઓ થાય છે, પરંતુ એનો લાભ પ્રજા સુધી પહોંચતો નથી. દેશની તરક્કીનો મોટો આધાર પ્રજાના નાગરિકધર્મ પર છે, એના વિના કશું નહીં વળે.