Int ane Imarat

હૃદયમાં ધરબાયેલી માનવતા જગાડનારો વૈશ્વિક ધ્યાનમાર્ગ

By GS Team
10 Sep 20267 mins read
TukuTouch Logo
હૈદરાબાદ નજીક કાન્હા શાંતિવનમાં ભગવાન ઋષભદેવ ચેરની સ્થાપના કરાઈ છે. કમલેશ પટેલ 'દાજી' દ્વારા 'ધ હાર્ટ ઓફ જૈનીઝમ' અને 'હોલી તીર્થંકર્સ' જેવા પુસ્તકો લખવામાં આવ્યા છે. 'દાજી'એ જણાવ્યું કે હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિ ભગવાન ઋષભદેવની છે. આ વૃક્ષો પવિત્ર દીક્ષા અને આધ્યાત્મિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાના સાક્ષી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હૃદયમાં ધરબાયેલી માનવતા જગાડનારો વૈશ્વિક ધ્યાનમાર્ગ
  • આ વૃક્ષો એ તો પવિત્ર દીક્ષા અને આધ્યાત્મિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાના સાક્ષી છે
  • કમલેશ પટેલ 'દાજી'
  • રિશ્તા હમારા ચાહે કોઈ ભી હો,
    હીરે કી તરહ હોના ચાહિયે.
    દિખતે મેં બહુત હી છોટા હો,
    કિંતુ અનમોલ હોના ચાહિયે.

જીવનમાં ક્યારેક કેટલીક અનહોની ઘટનાઓ બનતી હોય છે. મનમાં કલ્પના પણ કરી નહોતી કે અમેરિકામાં ગુલામીની બેડીઓમાં જકડાયેલા ભારતની સ્વાધીનતા કાજે સૌપ્રથમ અવાજ ઉઠાવનાર મહુવાના ગુજરાતી યુવાન વીરચંદ રાઘવજી ગાંધી હતા.
ઇતિહાસની ખોજ કરીએ તો ખ્યાલ આવે કે ૧૮૯૩ પૂર્વે અંગ્રેજોના આધિપત્ય હેઠળ કચડાઈ રહેલા ભારત વિશે અમેરિકાને થોડી ઝાંખીપાંખી સમજ હતી. અમેરિકાના કવિ રાલ્ફ વાલ્ડો એમર્સન અને હેન્રી ડેવિડ થોરોએ શ્રીમદ્ ભગવદગીતા અને આપણા ઉપનિષદોનો અભ્યાસ કર્યો હતો. આ બંને વિચારકો બ્રિટિશ સામ્રાજ્યવાદના વિરોધી હતા, પરંતુ ભારતની પરિસ્થિતિ વિશે કે ભારતની ગુલામી વિશે એમને કોઈ પરિચય નહોતો. આવે સમયે ઈ. સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ૧૮૯૩માં વીરચંદ રાઘવજી ગાંધીએ પોતાના અમેરિકાના પ્રવચનોમાં ભારતીય સંસ્કૃતિની ગરિમા, રાષ્ટ્રવાસીઓનું ગૌરવ અને દેશની આઝાદીની તેમના પ્રવચનોમાં નિર્ભિકતાથી વાત કરી.
એ સમયે ભારત એ માત્ર કોબ્રા અને રાજાઓનો દેશ છે એવી માન્યતા પ્રવર્તતી હતી અને તેમાં ગરીબી, સ્ત્રીઓ પ્રત્યેના વહેમો, જુલમ, માન્યતાઓ વગેરેથી ઘેરાયેલો દેશ માનવામાં આવતો હતો. આવે સમયે વીરચંદ રાઘવજી ગાંધીએ કહ્યું, 'અનેક આક્રમણો અને આફતો આવ્યા છતાં ભારતનો આત્મા જીવંત અને જાગ્રત રહ્યો છે.
એના આચાર અને ધર્મ સબૂત છે અને તેથી જ સમગ્ર વિશ્વને ભારત તરફ મીટ માંડીને જોવું પડે છે. સંસ્કૃતિ, ખેતી, કારીગરી, કલા, સાહિત્ય, સદાચાર, જ્ઞાાનવિજ્ઞાાનનાં સાધનો, આતિથ્યસત્કાર, નારીપૂજા, પ્રેમ અને આદર - બધું જ ભારતમાં આગવા સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એવી એ સંસ્કૃતિ હોત તો ઇંગ્લેન્ડ આ દેશમાંથી એને ખરીદી લઈ શકત, પોતાની બનાવી શકત, પણ એવું બન્યું નથી અને બની પણ નહીં શકે.'
અને અહીં એમના પ્રવચનોમાં એમણે 'ધ સાયન્સ ઓફ બ્રિધિંગ', 'કોન્સટ્રેશન', 'ઓકલ્ટ પાવર', 'હિપ્નોટીઝમ' અને 'મિસ્ટીસીઝમ' વિશે વાત કરી. એક અર્થમાં કહીએ તો જૈન ધર્મમાં રહેલો આખોય યોગ, અધ્યાત્મ અને સાધનાનો ખજાનો એમણે ૧૮૯૩માં અમેરિકન પ્રજાજનો સમક્ષ ઉઘાડી આપ્યો.
કંઈક આવો જ વિશિષ્ટ અનુભવ તાજેતરમાં કાન્હા શાંતિવનમાં ભગવાન ઋષભદેવ ચેરની સ્થાપના સમયે થયો. તેલંગાણા જીલ્લામાં હૈદ્રાબાદ નજીક આવેલું કાન્હા શાંતિવન એક વિશાળ આશ્રમ અને ઉત્કૃષ્ટ ધ્યાનકેન્દ્ર છે. કોઈ આધ્યાત્મિક રીટ્રીટને બદલે એને આધ્યાત્મિક જીવન માટેનું આદર્શ મોડલ છે અને અહીં પ્રકૃતિની સાથે રહીને મોટાપાયે વનસંગ્રહ, જળસંરક્ષણ પ્રયાસો અને જૈવિક ખેતીનો અભ્યાસ કરવામાં આવે છે. આજે આ સંસ્થામાં અમેરિકામાં વ્યવસાયમાં અત્યંત સફળ રહેલા, પરંતુ એ પછી હાર્ટફૂલનેસ ધ્યાનપદ્ધતિના માર્ગદર્શક પૂજ્ય ચારિજી મહારાજ સાથે શ્રી કમલેશ પટેલ 'દાજી'એ શિક્ષા લીધી અને તેઓ એક શતાબ્દીની ભવ્ય પરંપરા ધરાવતી આધ્યાત્મિક સંસ્થામાં ૨૦૧૪માં ચોથા ગુરુ તરીકે નિયુક્ત થયા.
શ્રી કમલેશ પટેલ 'દાજી'એ અમદાવાદની ફાર્મસી કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને પછી એક મિત્ર દ્વારા હાર્ટફુલનેસ ધ્યાનની પદ્ધતિનો પરિચય થયો અને આજે તેઓ હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિના વૈશ્વિક માર્ગદર્શક છે. એમની આધ્યાત્મિકતા અને ધ્યાનપદ્ધતિની વાત તો ક્યારેક કરીશું, પરંતુ તાજેતરમાં ભગવાન ષભદેવ ચેરના ઉદઘાટન પ્રસંગે એમણે મને બે મહત્ત્વની વાત કરી.
એક વાત તો એ કરી કે જે હાર્ટફુલનેસની ધ્યાન પદ્ધતિ વૈશ્વિક રીતે વિસ્તરી છે એ પદ્ધતિ એમના ગુરુના કહેવા પ્રમાણે ભગવાન ષભદેવની છે અને એ પદ્ધતિ એમને ગુરુ પરંપરાએ પ્રાપ્ત થઈ. વચ્ચે થોડો સમય આ પદ્ધતિ વિસરાઈ ગઈ હતી, પરંતુ એ પછી એમની પરંપરા દ્વારા ભગવાન ષભદેવના સમયની યૌગિક પ્રાણાહુતિ ધ્યાનપદ્ધતિ વિશેષ પ્રચલિત બની. આ ધ્યાનપદ્ધતિથી વ્યક્તિના વ્યક્તિત્વનું આંતર-બાહ્ય રૂપાંતરણ થાય છે, પોતાની વ્યક્તિગત મર્યાદાઓની સીમાને પાર કરીને એ જગતને એક વિશિષ્ટ દ્રષ્ટિકોણથી જુએ છે. એમના કહેવા પ્રમાણે કોઈ પણ ધર્મ, સંસ્કૃતિ કે ભૂમિકા ધરાવતા લોકો હાર્ટફુલનેસ એટલે કે સહજ માર્ગ અથવા પ્રાકૃતિક માર્ગની પદ્ધતિ અપનાવી શકે છે.
એમના મંતવ્ય પ્રમાણે જૈન ધર્મ એ વિશ્વનો એક અતિ પ્રાચીન ધર્મ છે અને એથીયે વિશેષ તો શ્રી દાજીએ લખેલા ગ્રંથો એક નવો જ દ્રષ્ટિકોણ આપે છે. 'ધ હાર્ટ ઓફ જૈનીઝમ' પુસ્તકમાં વિજ્ઞાાન અને આત્માનાં સંયોગની વાત લખી છે, તો 'હોલી તીર્થંકર્સ' નામના પુસ્તકમાં પવિત્ર તીર્થંકરોનાં જીવન સાથે હાર્ટફૂલનેસની પદ્ધતિ બતાવી છે. ૨૦૦૩ના પદ્મભૂષણના ખિતાબથી સન્માનિત શ્રી દાજીએ 'હોલી તીર્થંકર્સ' પુસ્તક આપ્યું. મૂળે તમિળ ભાષામાં લખાયેલ પુસ્તક 'માનવલમ કાક્કુમ તીર્થંકરરુમ, માનવલમ કાક્કુમ વિરુત્ચંગલમ' અર્થાત્ 'માનવમનનું રક્ષણ કરતા તીર્થંકરો અને જમીનનું રક્ષણ કરતાં વૃક્ષો'ની વાત કરી છે. આ પુસ્તક અંગે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી દાજીને એનો અનુવાદ કરવાનું સૂચન કર્યું અને એને પરિણામે શ્રી દાજીએ અંગ્રેજી અને અન્ય ભાષામાં આનો અનુવાદ કર્યો. આવા ઉત્તમ તમિળ પુસ્તક વિશે ગુજરાતમાં ભાગ્યે જ કોઈની પાસે જાણકારી હશે, જે દર્શાવે છે કે ઉત્તર ભારતની જૈન સમૃદ્ધિ અને દક્ષિણ ભારતની જૈન સમૃદ્ધિ વચ્ચે કેટલું ઓછું આદાનપ્રદાન છે.
આ પુસ્તકમાં ચોવીસ તીર્થંકરોના જીવન સાથે સંકળાયેલા ચોવીસ ચૈત્યવૃક્ષોની વાત કરવામાં આવી છે. આ ચૈત્યવૃક્ષની નીચે પ્રત્યેક તીર્થંકરને કેવળજ્ઞાાનની ઉત્પત્તિ થઈ છે. ભગવાન દેશના આપે છે, તે સમોવશરણની મધ્યપીઠની મધ્યમાં અશોકવૃક્ષ હોય છે અને તેની મધ્યમાં ચૈત્યવૃક્ષ હોય છે. વળી જ્યારે તીર્થંકર વિહાર કરતા હોય, ત્યારે પણ આકાશમાં સૌથી ઉપર આ ચૈત્યવૃક્ષ હોય છે. આ વૃક્ષ એ કેવળજ્ઞાાન કલ્યાણકનું દ્યોતક છે, એની સ્વયં દેવતાઓ પણ પૂજા કરતા હોય છે અને એ અર્થમાં પરમાત્મા પૂજ્ય છે, તો પરમાત્માનું ચૈત્યવૃક્ષ પણ પૂજ્ય છે.
શ્રી દાજી નોંધે છે કે અહિંસાના ઉપાસક એવા જૈન ધર્મમાં વૃક્ષો પ્રત્યે વિશેષ સંવેદના જોવા મળે છે. તેઓ માનતા કે વૃક્ષોનો ઉપયોગ ફર્નિચર, ઘરો કે હોડીઓનાં કાચા માલ તરીકે જ ન કરો, પણ તેમને જીવનથી ભરપૂર, જીવન આપનારા અને પોષણ આપનારા, સુંદર સંવેદનશીલ જીવો તરીકે જુઓ, તેઓનું આત્મા તરીકે સન્માન કરો અને એ દ્રષ્ટિએ જૈન તીર્થંકરોએ માનવ અને વૃક્ષો વચ્ચેના અવિભાજ્ય સહજીવનની વાત કરી. વળી, એ વૃક્ષો પવિત્ર દીક્ષા અને આધ્યાત્મિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાના સાક્ષી છે. નર્મદા નદીના કિનારે ભરૂચ જિલ્લાના કલ્લા ગામમાં ૨૮ સપ્ટેમ્બર, ૧૯૫૬માં જન્મેલા શ્રી કમલેશભાઈ પટેલ 'દાજી' માને છે કે તીર્થંકરોના મહાન જીવનનાં દ્રષ્ટાંતો એ માત્ર કોઈ ચોક્કસ ધર્મ અથવા રાષ્ટ્રના નથી, બલ્કે માનવીય શાણપણનો ભંડાર છે અને જૈન ધર્મના ત્રિરત્નો જ્ઞાાન, દર્શન અને ચારિત્ર્યને તેઓ મોક્ષનો માર્ગ બતાવતી આધ્યાત્મિકતાની સાથે સાંકળે છે અને એ જ રીતે ચાર ધ્યાનની પણ ચર્ચા કરી છે.
તીર્થંકરોનાં જીવનથી વિશ્વભરનાં લાખો 'હાર્ટફુલનેસ' સાધકોને ફાયદો થશે એમ કહીને શ્રી દાજી આપણને દર્શાવે છે કે કોઈ પણ પ્રકારની સહાય વિના કરેલી અપાર તપશ્ચર્યા અને અધ્યાત્મ સમર્પણને કારણે આપણે સમજી શકીએ છીએ કે હાર્ટફુલનેસ પદ્ધતિમાં મળેલી પ્રાણાહુતિનું યોગદાન કેટલું અમૂલ્ય છે અને તેઓ 'હોલી તીર્થંકર્સ' ગ્રંથમાં ચોવીસ તીર્થંકરો સાથે એમના ચૈત્યવૃક્ષનું અનુસંધાન સાધે છે. એ રીતે સર્વપ્રથમ તીર્થંકર ષભદેવ ભગવાન સાથે વડનું વૃક્ષ જોડાયેલું છે, તો દ્વિતીય તીર્થંકર અજિતનાથ સાથે ગોરખ આંબલી (રોખડા)નું વૃક્ષ જોડાયેલું છે.
વળી, પ્રત્યેક વૃક્ષની વાત કરવાની સાથોસાથ પ્રત્યેક તીર્થંકરે આપેલો જીવનસંદેશ પણ આલેખ્યો છે. જેમ કે,
ષભદેવના જીવનમાંથી આપણને આધ્યાત્મિક અને ભૌતિક જીવનનું સંતુલન કરવું, અજિતનાથ ભગવાનના જીવનમાંથી આંતરિક શત્રુઓ પર વિજય મેળવવો અને એ રીતે અરિષ્ટનેમિ પાસેથી દયા મહાન છે, પાર્શ્વનાથ ભગવાન પાસેથી ક્ષમાની શક્તિ બધાને મુક્ત કરે છે અને ભગવાન મહાવીર પાસેથી અદમ્ય મનોબળ શ્રેતા આપે છે એવું શાશ્વત જ્ઞાાન પણ એમણે આલેખ્યું છે. જૈન ધર્મને સાધના સાથે જોડીને હાર્ટફુલનેસ પદ્ધતિ દ્વારા પ્રત્યેક માનવનાં જીવનને ઉત્કૃષ્ટ અને આધ્યાત્મિક બનાવવાનો સંદેશ પ્રાપ્ત થાય છે. તીર્થંકરોના જીવન, સંદેશ અને ઉપદેશને પ્રગટાવતા આ ત્રિવેણી સંગમમાં ધર્મ કે સંપ્રદાયની સીમાને ઓળંગીને પ્રત્યેકને આધ્યાત્મિક જીવનની યોગમાર્ગની ઉર્ધ્વતામાં પાવન સ્નાન કરાવે છે.

પ્રસંગકથા
લક્ષ્મી વગાડે છે સરસ્વતીની વીણા

કેબિનમાં નિરાંતે બેઠેલા કંટ્રોલરને હાંફળાફાંફળા આવેલા રમણલાલે પૂછયું, 'હાટકેશ્વર જવા માટે કઈ બસમાં બેસવું પડશે?'
'એકસોને એકાવન નંબરની.' કંટ્રોલરે ઉત્તર આપ્યો.
રમણલાલ નજીકના બસ સ્ટોપ પર ઊભા રહ્યા અને આમ ને આમ દોઢ કલાક વીતી ગયો. કેબિનમાં બેઠેલા કંટ્રોલરે બહાર નજ૨ કરી, તો એણે ૨મણલાલને જોયા. અતિ આશ્ચર્ય થયું. હજી સુધી કેમ બસસ્ટેન્ડે ઊભા છે?
એમણે બહા૨ આવીને રમણલાલને પૂછયું, 'કેમ, હજી બસ નથી આવી?'
'ના. હવે વધુ સમય નહીં લાગે. એકસો પિસ્તાલીસમી બસ હમણાં જ ગઈ.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે રમણલાલની માફક શિક્ષણની બાબતમાં આપણે ઘણી મોટી થાપ ખાઈ ગયા છીએ. છેક પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી સઘળે નવા નવા પ્રશ્નો સર્જાતા રહ્યા અને એનો મૂળથી ઈલાજ શોધવાને બદલે એની ઘોર ઉપેક્ષા કરી. સરકારી શિક્ષણ સંસ્થાઓ ઓછી કાર્યશીલ રહી અને ખાનગી શિક્ષણ સંસ્થાઓએ શિક્ષણને નફાલક્ષી ઉદ્યોગ બનાવી દીધો.
બીજી બાજુ અનેક આશાભર્યા યુવાનો રાત-દિવસ મહેનત કરીને પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવવા માટે કોશિશ કરે અને પેપ૨ સેટિંગથી માંડીને પેપર ચકાસણી સુધીની બાબતોમાં ચાલતો ભ્રષ્ટાચાર એ વિદ્યાર્થીઓની કારકિર્દી પર પાણી ફેરવી દે છે. મોડે મોડે પણ આપણે શિક્ષણની બાબતમાં થોડા જાગૃત બન્યા છે, આશા રાખીએ કે શિક્ષણનાં વિષચક્રમાં ફસાઈ ગયેલા આજના વિદ્યાર્થીઓને એમાંથી ઉગારવામાં આવે અને તમામ રાજ્યોને એમની સ્વાયત્તતા પાછી આપવામાં આવે. આમ નહીં થાય તો રમણલાલની માફક આપણા વિદ્યાધામોમાં અંધાધૂંધી પ્રવર્તતી રહેશે.