Inside Story

સત્તા વિના ડીએમકે સિયાં વિયાં તોડફોડ માટે કરોડોની ઓફર

By GS Team
8 Jul 20263 mins read
TukuTouch Logo
તમિલનાડુમાં અભિનેતા વિજયના પક્ષ TVKએ DMK પર સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. TVKના ધારાસભ્યોને તોડવા 50 કરોડની ઓફર કરાઈ હોવાનો દાવો છે. DMK દ્વારા જોસેફ વિજયની સરકાર ઉથલાવવા નાણાકીય પ્રલોભનો અપાયા છે. ઓફર ઠુકરાવનાર ધારાસભ્ય એન. ઇલ્યારાજાએ પોલીસનો સંપર્ક કર્યો છે, જેમાં 2ની ધરપકડ થઈ છે. છેલ્લા 40 દિવસમાં 10 થી 50 કરોડની ઓફર કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સત્તા વિના ડીએમકે સિયાં વિયાં તોડફોડ માટે કરોડોની ઓફર

વિધાનસભ્યોની કિંમત ૫૦ કરોડ લગાવી
ઇનસાઇડ સ્ટોરી
વિજય સાથે કોંગ્રેસે હાથ મિલાવી દીધા તેના કારણે ડીએમકેને મોટો ફટકો પડયો હતો

તમિળનાડુમાં સત્તાધારી અભિનેતા વિજયના પક્ષ ટીવીકેએ બહુ સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો છે કે અમારા વિધાન સભ્યને તોડવા ૫૦ કરોડની ઓફર કરાઇ છે. કહે છે કે ડીએમકેએ જોસેફ વિજયની સરકારને ઉથલાવવા નાણા કોથળી ખુલ્લી મુકી દીધી છે. એક વિધાનસભ્યના ૫૦ કરોડ રૂપિયાની ઓફરની વાત ચોંકાવનારી છે. તમિળનાડુમાં મોટાપાયે હોર્સ ટ્રેડીંગના આક્ષેપો થઇ રહ્યા છે.
હજુ તો વિજયની સરકારને માંડ બે મહિના થયા છે ત્યાં તો તોડફોડની વાતો શરૂ થઇ ગઇ છે. મુખ્ય પ્રધાન વિજયમાં સંગઠનની સેન્સ નથી અને વિહવટ કરી શકે એમ નથી એવી વાતો ઉડવી શરૂ થઇ ગઇ છે. ૫૦ કરોડની ઓફર કરનારા ત્રણને ઓળખી કઢાયા છે. ટીવીકેના નેતાઓ આક્ષેપ કરે છેકે ડીએમકેના નેતાઓની ઓફર પાછળ સંડોવણી છે.
ટીવીકેના વિધાનસભ્ય પાસે એક રાજકીય મોરચાના નેતા ગયા હતા અને વિધાનસભામાં ઠરાવ દરમ્યાન સરકાર વિરૂધ્ધ મતદાન કરવા ૩૫ કરોડની ઓફર કરી હતી. આ ઓફર ઠુકરાવનાર વિધાનસભ્ય એન. ઇલ્યારાજાએ પોલીસનો સંપર્ક પણ કર્યો હતો અને તેમને તેમજ તેમના કુટુંબીજનોને ધમકાવવામાં આવે છે.
પોલીસે કેસ દાખલ કરીને બે જણાની ધરપકડ પણ કરી છે. માહિતી અનુસાર છેલ્લા ૪૦ દિવસમાં સ્ટાલીન અને ઉદયનિધિએ વિધાનસભ્યોને ૧૦થી ૫૦ કરોડ રૂપિયાની ઓફર કરી છે. જોકે કોઇ વિધાનસભ્યએ ઓફર સ્વિકારી નથી અને ઓફર કરનારા સામે ફરિયાદ કરી છે.
બે મહિના પહેલાં જ્યારે પાંચ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે બે રાજ્યોમાં મોટી ઉથલ પાથલ થઇ હતી. તમિળનાડુમાં મજબૂત એવા સત્તાધારી ડીએમકે પક્ષનું શાસન અભિનેતા વિજયના પક્ષ ટીવીકેે આંચકી લીધું હતું જ્યારે પ.બંગાળમાં મમતા શાસન હાર્યું નથી પરંતુ તેમનો પક્ષ પણ તેમના હાથમાંથી સરકી ગયો છે. તમિળનાડુના રાજકારણને અહીં સમાવાયું છે.
ડીએમકે એ હારનો સામનો કરવો પડયો અને સાથે સાથે પોતાનો મજબૂત સાથી સમાન કોંગ્રેસનો સાથ પણ ગુમાવ્યો છે. તમિળનાડુના રાજકારણમાં ડીએમકે પક્ષને હરાવવો આસાન નહોતો. પરંતુ વિજયના પક્ષે ડીઅમકે અને જયલલિથાના અન્નાડીએમકે એમ બંનેને ધૂળ ચાટતા કરી દીધા હતા.
ડીએમકેને હારની બહુ ચિંતા નથી થઇ પણ તેમના પક્ષને હરાવનાર વિજ્ય સાથે કોંગ્રેસે હાથ મિલાવી દીધા તેના કારણે ડીએમકેને મોટો ફટકો પડયો હતો.
અમે હાર્યા તેનો બહુ રંજ નથી પણ અમારા પ્રતિસ્પર્ધી સાથે કોંગ્રેસે હાથ મિલાવીને દગો કર્યો છે એમ ડીએમકેના નેતાઓ જાહેરમાં કહી રહ્યા છે કે ચૂંટણીએ અમને શીખવાડયું છે કે કોણ દોસ્ત છે અને કોણ દુશ્મન છે.
હવે જ્યારે વિજય સરકારની શપથ વિધિ પુરી થઇ છે અને તેમણે કામકાજ સંભાળી લીધુંછે ત્યારે તેમના વિધાનસભ્યોને તોડવાના પ્રયાસો સપાટી પર આવ્યા છે.
તમિળનાડુનું રાજકારણ અનેક ઉથલપાથલોની સંભાવના વાળું છે. કેટલાક લોકો ડીએમકે અને અન્નાડીએમકે એક થઇ જાય તેવા પ્રયાસો કરે છે. ડીએમકે અને અન્નાડીઅમકે એક થાય અને સત્તાધારી ટીવીકેના કેટલાક સભ્યો તૂટે તો જોસેફ વિજયની સરકાર તૂટે એમ છે.
સત્તા વિના ડીએમકે સિયાં વિયાં થયેલું છે. તેમનો ગરાસ જોસેફ વિજયે લૂંટી લીધો છે. ડીએમકે ફરી તમિળનાડુમાં સત્તા પર આવવા માંગે છે અને પાંચ વર્ષ રાહ જોવા તૈયાર નથી એમ લાગી રહ્યું છે.