Health

બાળક સિક્કો ગળી જાય તો માતા-પિતાએ તાત્કાલિક આ કામ કરવું, નહીંતર ભારે પડી જશે

By GS Team
6 Jul 20263 mins read
TukuTouch Logo
નાના બાળકો સિક્કા કે રમકડાનો નાનો ભાગ ગળી જાય ત્યારે વાલીઓએ ગભરાયા વગર તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. મુંબઈના ડો. મનીષ દોડમાનીએ જણાવ્યું કે, ઉલટી કરાવવા કે વધુ ખોરાક ખવડાવવાના પ્રયાસો કરવાથી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. મેગ્નેટ કે બટન બેટરી ગળવાથી આંતરડામાં ગંભીર નુકસાન થઈ શકે છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાળક સિક્કો ગળી જાય તો માતા-પિતાએ તાત્કાલિક આ કામ કરવું, નહીંતર ભારે પડી જશે

What happens if kids swallow coins: નાના બાળકો ઘરમાં રમતા-રમતા ઘણીવાર કોઈ પણ વસ્તુ મોઢામાં નાખી દેતા હોય છે. ઘણી વખત બાળકો અજાણતામાં સિક્કો, મેગ્નેટ કે રમકડાનો કોઈ નાનો ભાગ ગળી જાય છે, જેના કારણે પરિવારના સભ્યો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. મોટાભાગના કિસ્સાઓમાં આ વસ્તુઓ કુદરતી રીતે શરીરની બહાર નીકળી જાય છે, પરંતુ બટન બેટરી અથવા મેગ્નેટ જેવી વસ્તુઓ જો શરીરની અંદર જતી રહે તો મોટી આફત ઊભી કરી શકે છે. સામાન્ય રીતે આવી સ્થિતિ સર્જાતા જ માતા-પિતા ગભરાઈ જાય છે અને બાળકને બળજબરીથી ઉલટી કરાવવાનો કે વધારે પડતો ખોરાક ખવડાવવાનો પ્રયાસ કરવા લાગે છે. ડૉક્ટર્સના મતે, આ પ્રકારના પ્રયાસો તદ્દન ખોટા છે અને તેનાથી બાળકની તકલીફ વધુ વધી શકે છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે આવી પરિસ્થિતિમાં ગભરાયા વગર તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા એ જ સૌથી મોટી સમજદારી છે.

તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ

ઠાણે (મુંબઈ)ના આઈએમએસ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. મનીષ દોડમાનીનું આ અંગે કહેવું છે કે, 'જો તમને એવો અંદાજ આવે અથવા ખબર પડે કે તમારા બાળકે કોઈ વસ્તુ ગળી લીધી છે, તો સૌથી પહેલા પોતે શાંત રહો અને બિલકુલ ગભરાશો નહીં. આવી સ્થિતિમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, કોઈ પણ પ્રકારના ઘરેલું નુસ્ખા અજમાવવાનું ટાળો.'

ડૉ. મનીષ દોડમાનીએ વધુમાં જણાવ્યું કે, બાળક કોઈ વસ્તુ ગળી જાય ત્યારે તેને બળજબરીથી વધારે પાણી પીવડાવવાની, ખાવાનું ખવડાવવાની કે ઉલટી કરાવવાની કોશિશ બિલકુલ ન કરવી જોઈએ. આ પ્રકારના પ્રયાસો પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. આવી સ્થિતિમાં સૌથી શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે તમે તાત્કાલિક મેડિકલ એક્સપર્ટ (ડૉક્ટર) પાસે પહોંચો, જેથી એક્સ-રે અથવા અન્ય તપાસ દ્વારા જાણી શકાય કે વસ્તુ શરીરની અંદર કઈ જગ્યાએ ફસાયેલી છે.

સિક્કા અને બેટરી ખૂબ ખતરનાક

સિક્કો તો ઘણીવાર મળ (શૌચ) માર્ગે શરીરની બહાર નીકળી જાય છે. પરંતુ મેગ્નેટ અને બટન બેટરી ગળી જવી એ બાળકના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ડૉક્ટરનું કહેવું છે કે, જો બાળક એક કરતાં વધુ મેગ્નેટ ગળી જાય, તો તે શરીરની અંદર જઈને આંતરડાના અલગ-અલગ હિસ્સામાં એકબીજા સાથે ચોંટી શકે છે. જેના લીધે આંતરડામાં ગંભીર ઘા પડી શકે છે, કાણું પડી શકે છે અથવા તો ગંભીર ઈન્ફેક્શન થઈ શકે છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

ઘણી વખત એવું બને છે કે બાળક કોઈ વસ્તુ ગળી ગયું હોય તે પછી પણ તે બિલકુલ સામાન્ય વ્યવહાર કરતું હોય છે અને ઘરમાં રમતું રહે છે. આથી, બાળકમાં કોઈ તાત્કાલિક લક્ષણો ન દેખાવાનો અર્થ એ બિલકુલ નથી કે બધું બરાબર છે. વાલીઓએ આવી સ્થિતિમાં સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. પેટમાં અચાનક દુખાવો થવો, ઉલટી થવી, લાળ ટપકવી, ખોરાક કે પાણી ગળવામાં તકલીફ પડવી જેવા લક્ષણો દેખાતા જ ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવો.

બાળકોની સુરક્ષા રાખો ખાસ સાવચેતી

નાના બાળકો સ્વભાવે જ ખૂબ જ જિજ્ઞાસુ હોય છે, તેથી તેમને દરેક નવી વસ્તુ અડકતા કે મોઢામાં નાખતા રોકવા અશક્ય છે. પરંતુ, વાલીઓ પોતાની કેટલીક આદતોમાં બદલાવ લાવીને આ મોટા જોખમને ચોક્કસપણે ટાળી શકે છે. ઘરમાં રાખેલા સિક્કા, નાના મેગ્નેટ, સોય-દોરો, રમકડાના તદ્દન બારીક ભાગ કે રિમોટ-ઘડિયાળની બટન બેટરી જેવી વસ્તુઓ બાળકની પહોંચથી દૂર રાખો. બાળકો જે રમકડાંથી રમતા હોય તેને સમય-સમય પર ચેક કરતા રહો. જુઓ કે તેનો કોઈ ભાગ તૂટેલો કે ઢીલો તો નથી ને.

નાના બાળકોની દેખરેખ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આવી કોઈ દુર્ઘટના ઘટો, તો રાહ જોવા કરતાં તાત્કાલિક હોસ્પિટલમાં જવું વધુ સુરક્ષિત છે, કારણ કે સમયસર સારવાર મોટી ઈમરજન્સીને અટકાવી શકે છે.