ભોજનને સ્વાદિષ્ટ બનાવતા જીરા, લવિંગ જેવા ગરમ મસાલામાં કેમિકલ? પોલીસ પણ ચોંકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

How To Identify Adulteration Chemical Colour Clove And Cumin: બજારમાં કેમિકલ કલર અને ટેલકમ પાવડર મિશ્રિત મસાલાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. રસોડામાં રોજિંદા વપરાશમાં લેવાતા ગરમ મસાલા, લવિંગ, જીરું અને વરિયાળી જેવા મસાલાઓમાં મોટાપાયે ભેળસેળ થઈ શકે છે. આવું અમે નહીં પરંતુ તાજેતરમાં હૈદરાબાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી એક મોટો દરોડામાં આ વિગતો સામે આવી છે. હૈદરાબાદ ફૂડ એડલ્ટરેશન સર્વિલન્સ ટીમ (H-FAST) અને GHMCના ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે શહેરના વિવિધ મસાલા વેપારીઓ અને પ્રોસેસિંગ યુનિટ્સ પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન લગભગ 25 ટન ભેળસેળયુક્ત મસાલાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મસાલામાં કપડાં વાળી ડાઈ, ટેલકમ પાવડર અને કેમિકલ કલરો ભેળવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હૈદરાબાદ પોલીસે રંગેલી લવિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને નાગરિકોને અસલી અને નકલી મસાલા ઓળખવાની રીત દર્શાવી છે.
લવિંગમાં શું ભેળસેળ હતી?
લવિંગનો ઉપયોગ આપણે શાકનો મસાલો તૈયાર કરવા માટે પણ કરીએ છીએ અને કેટલાક લોકો લવિંગનું સીધું સેવન પણ કરતા હોય છે. પરંતુ જો લવિંગને કપડાં રંગવાની કેમિકલ ડાઈથી કાળા કરવામાં આવ્યા હોય તો તેનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. આવા ભેળસેળયુક્ત લવિંગ ખાવાથી પેટ સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી કેમિકલયુક્ત લવિંગનો વપરાશ કરવામાં આવે તો લિવર અને કિડનીને પણ ભારે નુકસાન પહોંચવાનું જોખમ વધી શકે છે.
ભેળસેળની ઓળખ કેવી રીતે કરવી
હૈદરાબાદ પોલીસે લવિંગની ગુણવત્તા ચકાસવા એક સરળ રીત જણાવી છે. તેના માટે 1 ગ્લાસ પાણી લઈને તેમાં લવિંગ નાખો. 5 મિનિટ બાદ જો લવિંગમાંથી રંગ છૂટતો જણાય અથવા પાણીનો રંગ બદલાઈને ભૂરો કે કાળો થઈ જાય, તો તે લવિંગ બનાવટી અથવા કલર કરેલી છે. અસલી લવિંગ ક્યારેય પાણીમાં રંગ નથી છોડતી.
તેલથી પણ ટેસ્ટ કરી શકાય છે
અસલી લવિંગને સ્પર્શ કરવાથી હાથમાં સહેજ તેલનો અહેસાસ થાય છે અથવા તેને ગરમ કરવાથી હળવી ચીકાશ આવી જશે. લવિંગને તવી પર ગરમ કરીને તેની ચીકાશ ચેક કરો, જો તેમાંથી ચીકાશ ન નીકળે તો લવિંગ બનાવટી હોઈ શકે છે અથવા તેના પર પાવડરનું કોટિંગ કરેલું હોઈ શકે છે.
જીરામાં પણ થઈ રહી છે ભેળસેળ
જીરું એવો મસાલો છે જેનો ઉપયોગ દાળમાં વઘાર કરવા તેમજ શાકમાં થાય છે. ઘણા લોકો જીરાનું પાણી પણ પીતા હોય છે, પરંતુ હવે તેમાં પણ ભેળસેળ જોવા મળી રહી છે. જીરામાં લાકડાનો વહેર, ચારકોલનો પાવડર અને ખતરનાક સિન્થેટિક કલરની ભેળસેળ કરવામાં આવી રહી છે. અસલી અને નકલી જીરાની ઓળખ કરવા માટે પણ એક સરળ રીત અપનાવી શકાય છે.
વોટર ટેસ્ટથી ચેક
જીરાને 1 ગ્લાસ પાણીમાં નાખીને 10 મિનિટ માટે રહેવા દો. જો જીરું નકલી કે ભેળસેળવાળું હશે, તો પાણીનો રંગ કાળો અથવા ભૂરો થવા લાગશે. જો જીરું અસલી હશે તો પાણીનો રંગ બદલાશે નહીં અને જીરું પાણીમાં તરતું રહેશે.
નોટ: આ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તમે માત્ર લાઈસન્સ ધરાવતા દુકાનદારો અથવા વિક્રેતાઓ પાસેથી જ ખાદ્યપદાર્થો ખરીદો. જો કોઈ ખાદ્ય પદાર્થમાં ભેળસેળની આશંકા હોય, તો તરત જ ડાયલ 100 અથવા H-FAST હેલ્પલાઈન 8712661212 પર જાણ કરો.









