Get The App

અમદાવાદમાં લાલબત્તી સમાન કિસ્સો: ઘર બહાર રમતા માસૂમને હવસનો શિકાર બનાવનાર 21 વર્ષીય યુવકની ધરપકડ

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં લાલબત્તી સમાન કિસ્સો: ઘર બહાર રમતા માસૂમને હવસનો શિકાર બનાવનાર 21 વર્ષીય યુવકની ધરપકડ 1 - image


Ahmedabad Crime News: માધવપુરા વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં ઘરની બહાર રમી રહેલા માત્ર 12 વર્ષના એક સગીર બાળકને છરી બતાવીને ડરાવી, 21 વર્ષીય યુવકે તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે બાળક ઘરે પરત ફર્યા બાદ સતત ગમગીન અને ચૂપચાપ રહેવા લાગ્યો. બાળકના માતા-પિતાએ વિગતો જાણતાં જ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી, જેના પગલે પોલીસે આરોપી યુવકને તુરંત ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત 10 ડિસેમ્બરના રોજ 12 વર્ષનો ભોગ બનનાર બાળક માધવપુરામાં પોતાના ઘર નજીક અન્ય મિત્રો સાથે રમત રમતો હતો. પરિવાર નિશ્વિત હતો કે બાળક નજીકમાં જ છે, પરંતુ તેમની ચિંતા વધારનારી ઘટના થોડા જ સમયમાં આકાર લેવાની હતી. તે જ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય યુવક બાદલ દંતાણીયા ત્યાં આવ્યો હતો અને તેણે બાળકને ધમકાવવા માટે છરી કાઢી બતાવી હતી. છરી જોઈને સગીર બાળક ભારે ડરી ગયો. 

આ યુવકે બાળકના ડરનો લાભ ઉઠાવી, તેને બળજબરીથી પોતાની સાથે આવવા માટે કહ્યું. ભયભીત બાળક કંઈ પણ બોલ્યા વિના આરોપીની સાથે જવા તૈયાર થઈ ગયો. ત્યારબાદ બાદલ દંતાણીયા બાળકને એક અવાવરુ જગ્યાએ લઈ ગયો, જ્યાં તેણે બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું. કૃત્ય આચર્યા બાદ આરોપી યુવક બાળકને તેના ઘરે ઉતારીને જતો રહ્યો હતો.

ઘરે પહોંચ્યા બાદ બાળકની હાલત બદલાયેલી હતી. તે અસ્વસ્થ અને મૂંગો રહેવા લાગ્યો. બાળકની આ અસામાન્ય વર્તણૂક તેના માતા-પિતાની નજરે ચડતાં, તેમણે પ્રેમથી તેની પૂછપરછ કરી. પૂછપરછમાં બાળકે પોતાની સાથે બનેલી સમગ્ર હકીકત જણાવી, જેનાથી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. આઘાત પામેલા બાળકના પિતાએ આ ગંભીર ગુના અંગે તાત્કાલિક ધોરણે માધવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી બાદલ દંતાણીયા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળતાની સાથે જ માધવપુરા પોલીસે તુરંત કાર્યવાહી કરીને 21 વર્ષીય યુવક બાદલ દંતાણીયાની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ ચલાવી રહી છે.