Get The App

લીંબડિયા પાસે સર્વિસ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
લીંબડિયા પાસે સર્વિસ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત 1 - image

ગાંધીનગર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર

અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહન ચાલકની શોધખોળ ઃ યુવાનની ઓળખ માટે પોલીસની મથામણ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર વધુ એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં લીંબડીયા પાસે સવસ રોડ ઉપરથી પસાર થઈ રહેલા યુવાનને અડફેટે લઈને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને ફરાર વાહન ચાલકને પકડવા દોડધામ શરૃ કરી છે.

ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હાઇવે માર્ગો ઉપર હિટ એન્ડ રનના બનાવમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં શહેર નજીક આવેલા ચિલોડા નરોડા હાઇવે ઉપર લીંબડીયા પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી હતી. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે લીંબડીયા પાસે મધુવન નર્સરી સામેના સવસ રોડ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા રાહદારીને કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે વાહન ચલાવી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આશરે ૨૧ થી ૨૬ વર્ષની વયના યુવકને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેથી ૧૦૮ના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ડભોડા પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હાલ યુવાનની ઓળખ માટે દોડધામ શરૃ કરવામાં આવી છે અને ફરાર વાહનચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.