Get The App

ભાયલીમાં યુવાને તેના ભાઇને ફોન કરીને કહ્યુ સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી માટે મન લાગતું નથી, ઝેર પી લીધું છે

સરકારી નોકરીની ભરતીમાં પાસ નહી થઇ શકે તેમ લાગતા યુવાનનો આપઘાત

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
ભાયલીમાં યુવાને તેના ભાઇને ફોન કરીને કહ્યુ  સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી માટે મન લાગતું નથી, ઝેર પી લીધું છે 1 - image

વડોદરા, તા.14 સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરતા મધ્ય પ્રદેશના યુવાને ભાયલીમાં તેના ભાઇના ઘેર ઝેરી દવા પી ભાઇને જ ફોન કર્યો હતો. દવા પીનારને હોસ્પિટલમાં લઇ ગયાના થોડા સમયમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું  હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંધાના તાલુકાના આરુદ ગામના મૂળ રહીશ રાજદીપ પરેશરામ પટેલ હાલ ભાયલીમાં બ્રાઇટ સ્કૂલ પાછળ અર્થ એક્રોપોલીશ ખાતેના ફ્લેટમાં છેલ્લા છ માસથી રહે છે અને મકરપુરાની કંપનીમાં નોકરી કરે છે. તેના ભાઇ સંદિપ (ઉ.વ.૨૭)એ તા.૧૨ના રોજ મોડી રાત્રે ઝેરી દવા પી લેતા તેને ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગે રાજદીપે ભાઇના મોત અંગે પોલીસને જણાવ્યું હતું કે તેના ભાઇએ એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું હતું અને મધ્યપ્રદેશની જિલ્લા સહકારી કો.ઓ. બેંકમાં સોસાયટી મેનેજરની પોસ્ટ માટે વર્ષ-૨૦૨૪માં પરીક્ષા આપી હતી પરંતુ પાસ થયો ન હતો. ચાર માસ પહેલા તેને વડોદરા ખાતે સરકારી પરીક્ષાની તૈયારીઓ કરવા માટે લાવ્યો હતો અને તે રોજ ગોત્રી ખાતેની લાઇબ્રેરીમાં વાંચવા જતો હતો. 

તા.૩ના રોજ હું કામ માટે વતનમાં ગયો હતો ત્યારે તા.૧૨ની રાત્રે સંદિપે મને ફોન કરીને જણાવેલ કે સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરવા માટે વાંચવા મન લાગતું નથી, કોઇ સરકારી ભરતી પાસ થઇ શકે તેમ પોતે સક્ષમ નથી જેથી કંટાળીને દવા પીધી છે, મને પેટમાં દુઃખે છે, તબિયત સારી નથી. આમ ફોન પર મને કહેતાં જ મેં ફોન કટ કરી મારા વડોદરામાં રહેતા સંબંધીને ફોન કરીને વાત જણાવતા તેઓ ફ્લેટ પર ગયા હતા અને મારા ભાઇને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. અમે વડોદરા આવતા હતા ત્યારે રસ્તામાં તેના મોતના સમાચાર જાણવા મળ્યા હતાં. આ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.