Get The App

જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલાઈન ચૂનો લાગ્યો

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી   : 2.09 લાખની ઓનલાઈન ચૂનો લાગ્યો 1 - image

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ફ્રીમાં મૂવી જોવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરનાર યુવક સાયબર ઠગોના જાળમાં ફસાઈ ગયો હતો. અજાણ્યા સાયબર ઠગોએ યુવકનો મોબાઈલ ફોન હેક કરી તેના બે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ રૂ.2,09,530ની રકમ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડના ખોડીયારપરા વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફી સ્ટુડિયોનો વ્યવસાય કરતા સાહિલભાઈ મનસુખભાઈ તરપદા નામના પટેલ યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફ્રી મૂવી જોવા માટેની એક જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં દર્શાવાયેલી "ક્યુબી" નામની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમના મોબાઈલ ફોનમાં ટેકનિકલ સમસ્યાઓ શરૂ થઈ હતી. એપ ઇન્સ્ટોલ થતાં જ મોબાઈલ વારંવાર હેંગ થવા લાગ્યો હતો.

શરૂઆતમાં સામાન્ય ટેકનિકલ ખામી હોવાનું માની સાહિલભાઈએ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી નાખી હતી. તેમ છતાં મોબાઈલમાં સમસ્યા યથાવત રહેતાં થોડા જ સમયમાં ફોનમાં રહેલો મહત્વનો ડેટા અને વિવિધ એપ્લિકેશનો ડિલીટ થવા લાગ્યા હતા. આ દરમિયાન અજાણ્યા સાયબર ઠગોએ મોબાઈલ અને બેંકિંગ સિસ્ટમ પર કબજો મેળવી લીધો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ફરિયાદ મુજબ ઠગોએ સૌપ્રથમ બેંક ઓફ બરોડાના ખાતામાંથી નાણાકીય વ્યવહારો કર્યા હતા. ત્યારબાદ અન્ય બેંક ખાતામાંથી પણ અનેક ટ્રાન્ઝેક્શન કરી રકમ પોતાના નિયંત્રણ હેઠળના ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી. સમગ્ર ઘટનામાં કુલ રૂ. 2,09,530ની રકમ ઉપડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

બેંક ખાતામાંથી રકમ ઉપડી જવાના મેસેજ મળતાં સાહિલભાઈને છેતરપિંડીનું ભાન થયું હતું. ત્યારબાદ તેમણે બેંક અને સાયબર હેલ્પલાઈનનો સંપર્ક કરી ખાતાઓ સુરક્ષિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને અંતે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મોબાઈલમાં પ્રવેશ મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, રકમ કયા ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હતી અને તેની પાછળ કઈ સાયબર ગેંગ કાર્યરત છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.

સાયબર નિષ્ણાતો લોકો માટે ચેતવણીરૂપે જણાવે છે કે સોશિયલ મીડિયા પર દેખાતી અજાણી લિંક, ફ્રી મૂવી એપ્લિકેશન અથવા આકર્ષક ઓફરવાળી એપ્સ ડાઉનલોડ કરતા પહેલાં તેની સત્તાવારતા ચકાસવી જરૂરી છે. અજાણી એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાથી વ્યક્તિગત માહિતી, બેંકિંગ વિગતો અને નાણાકીય સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. પોલીસે પણ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.