Get The App

પિતા મૃત્યુ પામતા ઘરે આવેલા માસીને મૂકવા જતાં યુવાન ડમ્પર નીચે કચડાયો

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
પિતા મૃત્યુ પામતા ઘરે આવેલા માસીને મૂકવા જતાં યુવાન ડમ્પર નીચે  કચડાયો 1 - image

સીમર -  કંટોલીયા રોડ પર ડમ્પર - બાઇક વચ્ચે અકસ્માત : ડમ્પર ચાલકે ફૂલસ્પીડમાં રિવર્સ લેતા પાછળુ ટાયર ફરી વળતાં મોત : નાસી જનાર ડમ્પર ચાલક સામે ગુનો

પોરબંદર, : પોરબંદરના સીમરથી કંટોલીયા જતાં રસ્તે ડમ્પર ચાલકે પોતાનું વાહન રિવર્સમાં લેતા પાછળ બાઇક લઇને ઉભેલા યુવાનના બાઇક સાથે અથડાતા તેનું કરૃણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી ચાલક નાસી ગયો હોઇ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

કંટાલીયા ગામે રહેતા રામદેવ ચનાભાઇ ચૌહાણના મોટાભાઇ ભાવેશભાઇ ચનાભાઇ ચૌહાણ (ઉ.વ. 43) તેમના બાઇકમાં સોઢાણા ખાતે રહેતા માસી રાંભીબેનને મૂકવા જતા હતા. ત્યારે સીમરના ગામથી કંટોલીયા જતાં રસ્તે એક ડમ્પર ચાલક પોતાનું વાહન રિવર્સમાં લેતો હોવાથી ભાવેશભાઇએ પોતાનું બાઇક ઊભું રાખી દીધું હતું. 

તેમ છતાં ડમ્પર ચાલકે ફૂલ સ્પીડે રિવર્સ લેતા વાહન બાઇક સાથે અથડાયું હતું, અને માસી - ભાણેજ નીચે પડી ગયા હતા. દરમિયાન ડમ્પરનું પાછળનું ટાયર ભાવેશભાઇ ફરી વળતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. બૂમાબૂમ થતાં વાડીના લોકો આવી જતાં ડમ્પર આગળ લેવડાવ્યું હતું ,અને ચાલક વાહન મુકી ત્યાંથી ભાગી છૂટયો હતો. તેની સામે ફરિયાદ દાખલ થઇ છે . ઉપરાંત ડમ્પરની આગળ અને પાછળની નંબર પ્લેટમાં બે જુદા જુદા નંબર નીકળ્યા હોવાથી તે અંગે પણ તપાસ હાથ ધરાઇ છે.

પિતાના અવસાનના 19 દિવસમાં પુત્રનું મોત નીપજતા ગમગીની

મૃતક ભાવેશભાઇના પિતા ચનાભાઇ 19  દિવસ પહેલા મૃત્યુ પામ્યા હતા, તેથી નજીકના બધા જ સગા સંબંધીઓ તેમના ઘરે આવ્યા હતા. જેમાં સોઢાણાથી આવેલા રંભામાસીને મૂકવા જતાં યુવાનને કાળ ભેંટયો હતો. પરિણામે પરિવારમાં શોક વ્યાપ્યો છે.