ગાંધીનગરમાં વધતા અકસ્માત વચ્ચે
બાઈક ઉપર મિત્રને અડાલજ મૂકવા માટે યુવાન જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો
ગાંધીનગર : ગાંધીનગરના રિલાયન્સ સર્કલથી ઘ-૦ તરફ જતા માર્ગ પર સામેથી આવતા વાહનની લાઈટના કારણે આંખો અંજાઈ જતા બાઈક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને મોટરસાયકલ રોડના ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે પાછળ બેઠેલા તેના મિત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ઘણીવાર વાહન ચાલકોને કારણે પણ અકસ્માત સર્જાતો હોય છે ત્યારે આવી જ
ઘટના રિલાયન્સ સર્કલથી ઘ-૦ તરફ જતા માર્ગ પર બની હતી. જે અંગે પોલીસ સૂત્રોમાંથી
મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર સેક્ટર-૨૪માં રહેતા મુકેશ રમણભાઈ માજીરાણાને તેમના
વતન ગાંધીધામ જવા માટે અડાલજથી વાહન પકડવાનું હતું. આથી તેને મૂકવા માટે તેનો
મિત્ર સુનિલ હરેશભાઈ વાલ્મિકી તેની બાઈક લઈને આવ્યો હતો.
બુધવારની મધરાતે આશરે ૧૨થ૨૫ વાગ્યાના સુમારે જ્યારે તેઓ રિલાયન્સ સર્કલથી ઘ-૦ તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા વાહનની લાઈટને કારણે સુનિલ અંજાઈ ગયો હતો અને બાઈક ઉપરનો કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઈ ગયો હતો. જે અકસ્માતને કારણે તેઓ બંને નીચે પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા બંનેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ સુનિલ વાલ્મિકીને મૃત જાહેર કર્યો હતો. જ્યારે મુકેશની સારવાર શરૃ કરવામાં આવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


