વડોદરાઃ વડોદરાના સિનિયર ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલની કેટલીક ચળવળોને વડોદરા વાસીઓ ક્યારે પણ વિસરશે નહિ.
* વર્ષ-૧૯૭૮માં બરોડા ડેરીએ દૂધમાં ૧૦ પૈસાનો ભાવ વધારો કરતાં યોગેશ પટેલે ઉગ્ર વિરોધ કર્યો હતો.જે દરમિયાન દૂધની કેબિનને આગચંપીના પ્રતિકાત્મક કાર્યક્રમમાં તેઓ ૭૦ ટકા દાઝી ગયા હતા.એક તબક્કે તેમના મૃત્યુની વાત પણ ફેલાઇ હતી અને ભારે રોકકળ મચી હતી.સાવલીના સ્વામીજી પણ વ્યથિત થયા હતા.પરંતુ તેઓ ચમત્કારિક રીતે બેઠા થયા હતા.
* ૩૦ વર્ષ પહેલાં યોગેશ પટેલે ફી ના વિરોધમાં વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ બનાવી ચળવળ ઉપાડતાં વડોદરાએ પહેલીવાર ફી વધારાના મુદ્દે સજ્જડ બંધ પાળ્યો હતો.શાળા સંચાલકોને પણ ઝૂકવું પડયંુ હતું અને વાલીઓને રૃ.૬૦ લાખ પરત કર્યા હતા.
* વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીના ખોફથી તેમની પુત્રવધૂ મેનકા ગાંધીને કોઇ બોલાવવા તૈયાર નહતું ત્યારે યોગેશ પટેલે વડોદરામાં મેનકાજીની ભવ્ય રેલી અને જંગી સભા રાખી હતી.ત્યારથી તેઓ યોગેશ પટેલને રાખડી બાંધતા હતા.
* વડોદરામાં તોફાનો દરમિયાન વારંવાર કરફ્યુ લાગતો હતો ત્યારે યોગેશ પટેલે નવરાત્રીમાં અમદાવાદી પોળથી રાવપુરા ટાવર સુધીના હુલ્લડિયા ગરબા શરૃ કરાવ્યા હતા.જે હજી પણ લોકોને યાદ છે.
* સાવલીના સ્વામીજીના આદેશથી સુરસાગરમાં શિવજીની મૂર્તિ અને શિવજી કી સવારી શરૃ કરાવ્યા બાદ પરમ શિવભક્ત યોગેશ પટેલે બદરીનાથ અને કેદારનાથમાં ૧૨ લાખ રૃદ્રાક્ષના શણગાર માટે સંકલ્પ લીધો હતો.આ માટે નેપાળમાં તેમણે ઓર્ડર પણ આપ્યો હતો અને તાજેતરમાં વડાપ્રધાનને આ અંગે જાણકારી પણ આપી હતી.


