Gujarat

આરોપી આલેફખાન વિરૃધ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે મહિલાઓનું આંદોલન

By GS Team
29 Jun 20202 mins read
This article was originally published on 29 Jun 2020
આરોપી આલેફખાન વિરૃધ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે મહિલાઓનું આંદોલન

આણંદ, તા.29 જૂન 2020, સોમવાર

આણંદ જિલ્લાના નાપા ગામના કુખ્યાત આલેફખાન ઉર્ફે લવીંગખાન વિરૃધ્ધ અનેક ગુનાઓ નોંધાયેલ હોઈ તથા તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરાયેલ હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી આ કુખ્યાત ગુનેગાર પોલીસની પકડથી દુર રહેતા લવજેહાદના કેસ અંતર્ગત વાંસખીલીયાના પીડીત પરિવારજનો સહિત સ્વામી વિવેકાનંદ મહિલા મંડળ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લવીંગખાન સામે સત્વરે કાર્યવાહી કરવાની માંગ સાથે મહિલાઓએ ઉગ્ર આંદોલન કર્યું હતું.

આણંદ જિલ્લાના નાપા ગામનો આલેફખાન ઉર્ફે લવીંગખાન પઠાણ વાંસખીલીયાની એક હિન્દુ યુવતીને ગત નવેમ્બર, ૨૦૧૯માં પોતાના મળતીયાઓ સાથે અપહરણ કરી લઈ ગયો હતો. બાદમાં તેના લગ્ન કરાવી ષડયંત્ર રચ્યું હતું. જો કે છેલ્લા સાત મહિનાથી આ હિન્દુ દિકરીનો કોઈ સંપર્ક ન થતા પરિવારજનો દ્વારા આ અંગે પોલીસમાં રજૂઆત કરાઈ હતી. જો કે કુખ્યાત લવીંગખાન સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરાઈ છે અને અત્યાર સુધીમાં આ કુખ્યાત અપરાધી સામે પંદરેક જેટલા ગુના નોંધાયા છે. લવજેહાદ અને લેન્ડજેહાદની પ્રવૃત્તિ કરનાર આ માથાભારે લવીંગખાનને ઝડપી પાડવા પીડીત પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ અનેકવાર રજૂઆતો કરાઈ હતી. જો કે લવીંગખાન પોલીસની પકડથી દુર રહેવા પામ્યો છે ત્યારે પોલીસની ઢીલી કામગીરીથી નારાજ થયેલ પીડીત પરિવારજનો તેમજ આણંદના સ્વામી વિવેકાનંદ મહિલા મંડળની મહિલાઓ દ્વારા આજે સવારના સુમારે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી લવીંગખાનની ધરપકડની માંગ કરાઈ હતી.

સવારના સુમારે મોટી સંખ્યામાં મહિલાઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. જો કે કલેક્ટર કચેરી ખાતે ફરજ પર હાજર પોલીસકર્મીઓએ આ મહિલાઓને અટકાવતા મામલો બીચક્યો હતો. મહિલાઓએ બંગડીઓ ઉછાળી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં મર્યાદિત સંખ્યામાં મહિલાઓને કલેક્ટરને મળવાનું જણાવાતા મહિલાઓ ઉશ્કેરાઈ હતી અને કલેક્ટરને નીચે બોલાવવાની માંગ કરી છાજીયા કુટી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દરમ્યાન જિલ્લા કલેક્ટર અગત્યના કામથી બહાર જવાનું હોઈ બહાર નીકળતા વિરોધ કરી રહેલ મહિલાઓએ જિલ્લા કલેક્ટરની કારને આંતરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફરજ પર હાજર પોલીસે તમામ મહિલાઓને ખદેડી માર્ગ ખુલ્લો કર્યો હતો. બાદમાં મહિલાઓએ ચીટનીશને લેખિત રજૂઆત કરી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.