વડોદરા,હાઇવે પર પુત્ર સાથે જતી મહિલાની તબિયત બગડતા તેઓ રોડની બાજુમાં ઊભા રહી ગયા હતા. તે દરમિયાન લક્ઝરી બસના ચાલકે ટક્કર મારતા મહિલાનું સ્થળ પર જ કરૃણ મોત થયું હતું.
મકરપુરા એરફોર્સની પાછળ હરિદર્શન પેલેસમાં રહેતો સંજીવ અનિલભાઇ પંડયા પોર જી.આઇ.ડી.સી.ની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેની માતા જાગૃતિબેન તાલુકા પંચાયત કચેરી સંચાલિત આંગણવાડીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગઇકાલે રાત્રે જાગૃતિબેને પુત્ર સંજીવને કહ્યું કે, ચાલ આપણે ટુ વ્હિલર પર ચક્કર મારવા જઇએ. રાતે સવા નવ વાગ્યે માતા અને પુત્ર ટુ વ્હિલર લઇને હાઇવે પર નીકળ્યા હતા. તે દરમિયાન જાગૃતિબેનને વોમિટ જેવું લાગતા તેમણે પુત્રને મોપેડ ઊભું રાખવા કહ્યું હતું. જેથી,સંજીવે મોપેડ રોડની સાઇડમાં ઊભું કરી દીધું હતું. જાગૃતિબેન રોડની બાજુમાં ઊભા હતા. તે દરમિયાન પૂરઝડપે આવેલી લક્ઝરી બસના ડ્રાઇવરે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. કપુરાઇ પોલીસે ભાગી ગયેલા લક્ઝરી બસના ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.


