Gujarat

વાસદ રેલવે ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનમાં મહિલાનું મોત

By GS TEAM
19 Oct 20252 mins read
વાસદ રેલવે ઓવરબ્રિજ  પર હિટ એન્ડ રનમાં મહિલાનું મોત

- અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી 

- બાઇક પરથી દંપતી અને બે બાળકો પટકાયા, બે બાળકોને ઇજા : ટ્રેલર ચાલક સામે ફરિયાદ 

આણંદ : આણંદ જિલ્લાના વાસદ - તારાપુર હાઇવે માર્ગ પર આવેલા વાસદ રેલવે ઓવરબ્રિજ ઉપર આજે બપોરના સુમારે બનેલી એક હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા ટ્રેલર જેવા વાહનના ચાલકે એક બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર મહિલાનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. જ્યારે બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે વાસદ પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આકલાવ તાલુકાના ભાણપુરા ગામે રહેતા ભરતસિંહ વિક્રમસિંહ રાજ આજે સવારના સુમારે પત્ની હેતલબેન  (ઉ.વ. ૨૫) અને દીકરી અંજલીબેન(ઉ. વ. નવ) તથા છ વર્ષીય દીકરા મિતરાજને એક બાઈક ઉપર બેસાડી વાસદ ખાતે ખરીદી કરવા આવ્યા હતા. 

બે બાળકો સહિતનો આ પરિવાર વાસદ ખાતેથી ખરીદી બાદ પરત ભાણપુરા જવા નીકળ્યા હતા. દરમિયાન વાસદ તારાપુર હાઇવે માર્ગ ઉપર આવેલા વાસદ રેલવે બ્રિજ નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઓવરબ્રિજ ઉપર પાછળથી પુરપાટ ઝડપે આવી ચડેલા ટ્રેલર જેવા વાહને બાઈકને ટક્કર મારતા દંપતી તથા બે બાળકો રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં પત્ની હેતલબેનને ગંભીર ઇજા થઇ હતી. 

અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી ગંભીર રીતે ગવાયેલ હેતલબેનને વાસદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા બંને બાળકોને પણ ઇજા થઇ હતી જેમાં દીકરી અંજલીને વધુ ઇજા થઇ હોવાથી સારવાર અર્થે તેણીને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.આ બનાવ અંગે વાસદ પોલીસે ભરતસિંહ રાજની ફરિયાદના આધારે અકસ્માતો સર્જીને ફરાર થઈ ગયા હતા.  અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.