Get The App

મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે અમદાવાદના એક ડઝન વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણની વધતી સંભાવના

ટિકીટ કપાઈ એવા ઘરના જ અસંતુષ્ટોને સમજાવવા શહેર ભાજપના હોદ્દેદારોને ડેમેજ કંટ્રોલ માટે દોડવુ પડયું

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે અમદાવાદના એક ડઝન વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણની વધતી સંભાવના 1 - image

અમદાવાદ,સોમવાર,20 એપ્રિલ,2026

૨૬ એપ્રિલને રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાશે.મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે શહેરના એક ડઝન વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થવાની સંભાવના વધતી જાય છે.નો -રીપીટ થીયરીના કારણે જેમની ભાજપે ટિકીટ કાપી છે એવા ઘરના જ અસંતુષ્ટોને સમજાવવા શહેર ભાજપના હોદ્દેદારો અને પૂર્વ ધારાસભ્યને ડેમેજ કંટ્રોલ માટે દોડવુ પડે એવી પરિસ્થિતિ ભાજપ માટે વર્ષો પછી આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે જયારે ઉમેદવારોના નામ અને વોર્ડ પ્રમાણે પેનલ જાહેર કરવામા આવી હતી એ સમયથી અંદાજ લગાવવામા આવી રહયો હતો કે, આ વખતે ભાજપ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એ અંદર અને બહારના ઉમેદવારોને હરાવવાની ચૂંટણી બની રહેશે. ભાજપના આંતરીક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મણિનગર વોર્ડ એ ભાજપનો ગઢ ગણવામાં આવે છે.આમ છતાં આ વોર્ડ માટે પક્ષ દ્વારા જે ઉમેદવારોના નામ જાહેર કરાયા તેને લઈને કયાંક છુપો અસંતોષ હતો જે હવે બહાર આવી રહયો છે. ભાજપે મણિનગર  વોર્ડના ઉમેદવારો જાહેર કર્યા છે તે પૈકી એક મહિલા ઉમેદવારે તેમના પ્રચાર માટે પૂર્વ કોર્પોરેટરો નહીં આવતા હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત જયારે તેઓ પ્રચાર માટે જાય છે તે સમયે અગાઉ કોર્પોરેટર રહી ચૂકેલા કોર્પોરેટરો બહાર પણ આવતા નહીં હોવાની રજુઆત શહેર ભાજપ પ્રમુખ સમક્ષ કરી હતી.જે પછી શહેર ભાજપ પ્રમુખે ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કરતા તેમનો ફોન કાપી નાંખતા એલિસબ્રિજના પૂર્વ ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખને મણિનગર વોર્ડમાં મતદાનના પાંચ દિવસ પહેલા ડેમેજ કંટ્રોલ માટે દોડવુ પડયુ હતુ.અમદાવાદ પશ્ચિમ ભાજપનો ગઢ માનવામા આવે છે.પરંતુ અમદાવાદ પૂર્વમાં અનેક વોર્ડ એવા છે કે જયાં ભાજપને છેલ્લી ઘડી સુધી મહેનત કરવી પડશે.

ભાજપ માટે કયા વોર્ડમાં કપરાં ચઢાણ?

લાંભા,રામોલ, સૈજપુર, કુબેરનગર, અમરાઈવાડી, ભાઈપુરા-હાટકેશ્વર, દાણીલીમડા, બહેરામપુરા, શાહપુર,દરિયાપુર, ખાડીયા, જમાલપુર અને મણિનગર

આખી પેનલ બદલી પણ ઉમેદવારો લોક સંપર્ક કરતા નહીં હોવાની ફરિયાદ

આ વખતે ભાજપે શહેરમાં નવાવાડજ, ઠકકરબાપાનગર ઉપરાંત નિકોલ, બાપુનગર, મણિનગર, સરખેજ, અમરાઈવાડી ,ભાઈપુરા અને વટવામાં ગત ટર્મના મોટાભાગના કોર્પોરેટરોને ઘેર બેસાડી  આખી પેનલ બદલી નાંખી છે.પણ નવા ઉમેદવારો લોકસંપર્ક કરતા નહીં હોવા તથા જે તે વોર્ડમાંથી ગત ટર્મમા ચૂંટાયેલા કોર્પોરેટરો નવા ઉમેદવારોની સાથે પ્રચારમા જોડાતા નહીં હોવાની ફરિયાદોથી ભાજપ મોવડીમંડળ ચોંકી ઉઠયુ છે.