પડધરીના ખોડાપીપર ગામની ચોંકાવનારી ઘટના
માથામાં ધોકાના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓએ લાશને ઢસડીને નજીકની વાડીમાં ફેંકી આવ્યા
રાજકોટ: પડધરીના ખોડાપીપર ગામની સીમમાં જગદિશ હાપલીયાની વાડી વાવતાં મૂળ મધ્યપ્રદેશના માનસિંગ દહેદીયા (ઉ.વ.૩પ)ની ખુદ તેના સસરા અને સાળાએ મળી ધોકાના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યા બાદ લાશ ઢસડીને નજીકની વાડીમાં ફેંકી દીધી હતી. પડધરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું કે હત્યાનો ભોગ બનનાર માનસિંગને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે. તેને છેલ્લા ઘણાં સમયથી પત્ની કરમા સાથે ઝઘડો ચાલતો હતો. મુખ્યત્વે પૈસા ખર્ચવા બાબતે, ખેતી કામ બાબતે ઝઘડો થતો હતો. અવાર-નવાર દારૂ પી આવતો હોવાથી તે બાબત પણ ઝઘડાનું કારણ બનતી હતી.
જેને કારણે તેની પત્ની કરમા બાજુમાં જ વાડી વાવતાં સસરા વેરસિંગને ત્યાં અવાર-નવાર જતી રહેતી હતી. ગઈ તા.ર૩ના રોજ તે તેની પાસે આવી હતી અને રૂા.ર૦૦૦ લઈ પડધરીની સોમવારી બજારમાં ખરીદી કરવા ગઈ હતી. ખરીદી કરી પરત વાડીએ આવી ત્યારે બધા રૂપિયા ખર્ચી નાખવા બાબતે ઝઘડો થતાં બંને વચ્ચે વાડીની બહાર રોડ પર ઝઘડો થયો હતો.
જેનો અવાજ સાંભળીને નજીકની વાડીમાં રહેતો સસરો વેરસિંગ બુડેળીયા અને સાળો રમેશ ધસી આવ્યા હતા. બંનેનો પરિચિત ધર્મેશ ચીકલગુરીયા પણ આવ્યો હતો. આવીને ત્રણેય આરોપીઓએ માનસિંગના માથામાં ધોકા અને લાકડીના ઘા ઝીંકી દેતાં તેનું મોત નિપજયું હતું. ત્યાર બાદ ત્રણેય આરોપીઓ તેની લાશ ઢસડી નજીકની વાડીમાં ફેંકી આવ્યા હતા. જયાંથી ગઈકાલે કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી.
જાણ થતાં પડધરી પોલીસે સ્થળ પર જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલમાં ખસેડયો હતો. ફોરેન્સિક નિષ્ણાંત તબીબોએ માથામાં બોથડ પદાર્થના ઘા લાગવાથી મોત થયાનો અભિપ્રાય આપ્યો હતો. જેના આધારે પડધરી પોલીસે આજે મૃતકના પિતા શેકડીયાભાઈ (ઉ.વ.૬પ)ની ફરિયાદ પરથી મૃતકના સસરા વેરસિંગ, સાળો રમેશ અને મિત્ર ધર્મેશ સામે ખૂનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકના સસરા અને સાળો ખોડાપીપર ગામે કાંતીભાઈ પટેલની વાડીએ રહે છે.
પોલીસે જણાવ્યું કે આરોપીઓએ મૃતકની પત્ની કરમાને આ વાતની કોઈને જાણ કરીશ તો તને પણ મારી નાંખશું તેવી ધમકી આપી વાડીએ મોકલી દીધી હતી.


