વડોદરા,નજીવી બાબતે ઝઘડો થતા પતિ હોટલમાં જ પત્નીને છોડીને જતો રહ્યો હતો. નશાની હાલતમાં પત્નીને અટલાદરા પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. જ્યાં તેણે હંગામો કર્યો હતો.
ગઇકાલે રાત્રે સવા બાર વાગ્યે પોલીસ કંટ્રોલ રૃમમાં એક મહિલાએ કોલ કરીને જણાવ્યું હતું કે, મારો પતિ મને પશુપતિ હોટલમાં એકલી મૂકીને જતા રહ્યા છે. જેથી, પોલીસની ટીમ હોટલમાં પહોંચી ત્યારે એક મહિલા નશાની હાલતમાં મળી આવી હતી. મહિલાને પોલીસ સ્ટેશન લઇ આવવામાં આવી હતી. તેનું નામ દિવ્યા ધ્રાબા ગુરંગ, ઉં.વ.૨૬ (રહે. સનકૃપા કોમ્પલેક્સ, રાધાકૃષ્ણ સર્કલ પાસે, અકોટા, મૂળ રહે. પ.બંગાળ) હોવાનું જણાવ્યું હતું. પોલીસ સ્ટેશન માથે લેનાર મહિલા સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા અગાઉ સ્પામાં નોકરી કરતી હતી. પરંતુ, તેની નોકરી છૂટી ગઇ હતી. તેણે મકાન પણ એક દિવસ પહેલા જ ખાલી કરી દીધું હતું. પતિ સાથે ઝઘડો થતા પતિ તેને એકલી છોડીને હોટલમાંથી જતો રહ્યો હતો.


