Gujarat

ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ કામ કર્યું હોવાથી પાણી આપવાનું થતું નથી

By GS TEAM
9 May 20262 mins read
ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ કામ કર્યું હોવાથી પાણી આપવાનું થતું નથી

મોરબીના વોર્ડ નં. ૩ના ભાજપના ગ્રુપની ચેટ વાયરલ : મનપામાં શાસન સંભાળ્યું નથી, ત્યાં ભાજપના કોર્પોરેટરો દાદાગીરી કરતા હોવાના આક્ષેપો

મોરબી, : મોરબીના વોર્ડ નં. 3ના ભાજપના વ્હોટસ્એપ ગ્રુપમાં થયેલી વાતચીતના સ્ક્રીન શોટ વાયરલ થતા ચકચાર વ્યાપી છે. તેમાં એવું લખાણ લખાયું છે કે જે લોકોએ ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ કામ કર્યું હોય તેમને પાણી આપવાનું થતું નથી. 

મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે આક્ષેપ કરી જણાવ્યું છે કે, મહેન્દ્રનગર વિસ્તારમાં ઉનાળામાં પૂરતું પીવાનું પાણી આવતું નથી તેથી ભાજપના વોર્ડ નં. 3ના વ્હોટ્સએપ ગ્રુપમાં પ્રભુ કૃપા ટાઉનશીપના એક આગેવાને પાણી મુદ્દે મેસેજ કર્યો હતો. બાદમાં આ આગેવાનને તાજેતરમાં ચૂંટાયેલા વોર્ડ નં. 3ના કોર્પોરેટરે ગ્રુપમાંથી કાઢી નાખ્યા અને કહ્યું કે આ લોકો ભાજપની વિરૂધ્ધ ચૂંટણીમાં કામ કરતા હતા એટલે એમને પાણી આપવાનું થતું નથી અને તેમને ફરિયાદ કરવાનો અધિકાર નથી. તેમણે વધુ આક્ષેપ કરી જણાવ્યું હતું કે ભાજપ અને તેના ચૂંટાયેલા પ્રતિનિધિ જાણે કે વિસ્તારને પોતાની વારસાઇ પેઢી માનતા હોય તેવું લાગી રહ્યું છે, હજુ મનપામાં શાસન શરૂ થયું નથી ત્યાં જ ભાજપના કોર્પોરેટરો દાદાગીરી કરવા લાગ્યા છે.

બીજી તરફ, વોર્ડ નં. 3ના કોર્પોરેટરે જણાવ્યું હતું કે પાણી વિતરણ થતું હોય એમાં પાઇપલાઇનથી બધાને પાણી મળે છે, વચ્ચે 3-4 ઘરને ન મળે તેવી કોઇ સીસ્ટમ નથી. કોંગ્રેસ પાસે કોઇ મુદ્દા  નથી, અને ખોટા વિવાદો ઉભા કરવાનો પ્રયાસ કરે છે. ભાજપના શાસનમાં સમાન રીતે બધાને પાણી સહિતની સુવિધા મળશે તેવી તેમણે ખાતરી આપી હતી.