5 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Warning : હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે વરસાદનું નાઉકાસ્ટ (Nowcast) બુલેટિન જારી કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી હળવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે સ્થિતિ મુજબ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે.
રેડ એલર્ટ: અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદનું જોખમ છે, જેને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિમીથી વધુ ભારે વરસાદ, કલાકના 41 થી 61 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની અને 60 ટકાથી વધુ સપાટી પર વિજળી પડવાની (Lightning) પ્રબળ સંભાવના છે.
ઓરેન્જ એલર્ટ : ભારે વરસાદની ચેતવણી
રાજ્યના મધ્ય અને કચ્છ વિસ્તારના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડા સાથેના જોખમને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં પ્રતિ કલાક 5 થી 15 મિમી મધ્યમ વરસાદ, 30 થી 60 ટકા વીજળી પડવાની સંભાવના તેમજ તેજ પવન ફૂંકાય તેવી શક્યતા છે.
યલો એલર્ટ : મધ્યમ વરસાદની સંભાવના
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદ અને સામાન્ય થંડરસ્ટોર્મ માટે યલો એલર્ટ જારી કરાયું છે. જેમાં જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા એ નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 5 મિમીથી ઓછો હળવો વરસાદ, 40 કિમીથી ઓછી ઝડપે પવન અને 30 ટકાથી ઓછી વીજળી પડવાની સંભાવના છે.
તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા, ખરાબ હવામાન દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવા અને વીજળીના ચમકારા સમયે ખુલ્લામાં કે વૃક્ષો નીચે ન ઊભા રહેવાની સલાહ આપવામાં આવી છે.




